પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધાં ગભરાઈ ગયાં અને તેઓ ભગવાન શિવ પાસે ગયાં. શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે.
બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.
આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુધ્ધ કરવા માટે નીકળ્યાં તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુધ્ધ કરીને દશમા દિવસે યુધ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળુ બનાવીને તેનું દહન કરે છે.
આજે વર્ષો પછી પણ એ જ ઉંમગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે. જે નવદિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુધ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખુબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે.
એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.
પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતાં હતાં. પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે. પહેલા જે ગરબાઓ ગવાતાં હતાં તે તો બધા જાણે અત્યારે નામશેષ થઈ ગયાં છે. પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબાં ગાતી હતી. અને જો કોઇના ઘરે બાળક જન્મયો હોય કે સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબાં ગવાતાં. પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદ્રશ્ય થઈ ગઈ છે. છતાં પણ હજું ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપારિક યાદને તાજી કરાવે છે. હવે તો ગરબાં તો દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જ્ગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે. જેમ જેમ દિવસો વિતતાં જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે.
મહત્વ
આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે ‘દસ દિવસ’ એ નવરાત્રી પછીનો દીવસ છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની (દુર્ગા)ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.
નવરાત્રીની પરંપરાઓ
વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે માટે.
પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.
(વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ – અજવાળીયું) દરમ્યાન કરાય છે.
વસંત નવરાત્રી
વસંત ઋતુ (ઉનાળાની શરૂઆત) (માર્ચ-એપ્રિલ) દરમિયાન આ ઉત્સવની ઉજવણી થાય છે. તેને ચૈત્ર કે ચૈત્રી નવરાત્રી પણ કહેવાય છે, કારણકે કે ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે.
શરદ નવરાત્રી
અશ્વિન/આસો મહિનાના અજવાળીયા પક્ષમાં તેની શરૂઆત થાય છે. નવરાત્રી ઉત્સવની ઉજવણી સુદ પખવાડીયામાં પ્રતીપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્ય-વકના કહેવામાં આવ્યું હતું. ૨૦૧૭ના વર્ષમાં નવરાત્રી ૨૦ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પૂરી થશે.
શક્તિનાં સ્વરૂપો
ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા “દુર્ગાના નવ સ્વરૂપો”
નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.
દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
ભદ્રકાલી
અંબા કે જગદંબા, વિશ્વમાતા
અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.
સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
ભૈરવી
ચંદ્રિકા કે ચંડી
લલિતા
ભવાની
મોકામ્બિકા
કર્મકાંડો
ભારતમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીની સવિશેષ ઉજાણી થાય છે, શરદ નવરાત્રી ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે. ચૈત્ર નવરાત્રીનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રીનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે. ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખુબ જ પ્રખ્યાત છે.
પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળના રાજ્યમાં વિશેષ રીતે ઉજવવામા આવે છે, જે તેઓ દુર્ગા પૂજા કહે છે. આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે. દુર્ગા દેવીની સુંદર નક્શીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાં તે મહિસાસૂર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે. આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી થાય છે. ગુજરાતભર અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે. તે ભારતભર અને યુકે (UK) અને યુએસએ (USA)ની સાથોસાથ દુનિયાભરના ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે.
ગોવામાં નવરાત્રી દરમ્યાન જાત્રાની શરૂઆત થાય છે. આખા એન્ટ્રીઝ (ફોન્ડા)ને અતિશય સજાવવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે. મૂર્તિઓને વસ્ત્રો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે, તેમના પર ચંદન, હળદર, કંકુ લગાવવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલ પ્રસાદ માટે રાહ જોતા હોય છે, કારણકે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે. દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે, આ ફૂલોને બદલવામાં નથી આવતા. ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. સારસ્વત બ્રાહ્મણની દશ મૈત્રિકા (ગોવાની દસ બહેનો)ની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવીને તેમની પૂજા કરવામાં આવે છે – આ દેવીઓના નામ આ મુજબ છે, શાન્તાદુર્ગા, આર્યદુર્ગા, મહાલાસા, કાત્યાયાની, મહામાયા, કામાક્ષી, વિજયાદુર્ગા, ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા. દક્ષિણ ભારતમાં, લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવીની મૂતિઓ મૂકે છે. તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે. ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાં ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઇના નેરુલના ઘરમાં બાજુની જગ્યામાં રજૂ કરવામાં આવે છે.
કેરળમાં, શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં ચોપડીઓની પૂજા કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે તેઓ પોતાના ઘર, પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં પુસ્તકો મૂકી તેની પૂજા કરે છે. વિજયાદશમીના દિવસે, સરસ્વતીની પૂજા બાદ ચોપડીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે. વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે, તેને વિદ્યાઆરંભ પણ કહેવાય છે. કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે. આંધ્ર પ્રદેશમાંથી છૂટા તેલગાંણા રાજ્યમાં નવ દિવસોના આ સમયમાં બથુકામ્મા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે એક નવરાત્રી ઉત્સવ જેવા જ હોય છે. નવરાત્રી ત્રણ દિવસોના ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય.
પ્રથમ ત્રણ દિવસો
દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.
બીજા ત્રણ દિવસો
માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.
અંતિમ ત્રણ દિવસો
અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવરાત્રીની પૂજા કરવામાં આવે છે.
બંગાળમાં આઠમાં દિવસને પરંપરાગતરીતે દુર્ગાઅષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે.
દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં, નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના (નવ) દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહું ઘૂમઘામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વહાનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ૧૦મા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો/શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે.
ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમ્યાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.
નવરાત્રી દરમ્યાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.
ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને (જેને ગુજરાતીમાં ગરબી કહે છે) ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વનાં પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ, ઉ.દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રીના સમયે, વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે.
READ ALSo : NEW +2024 HAPPY THURSDAY WISHES IN GUJARATI { ગુજરાતીમાં ગુરુવારની શુભકામનાઓ }
ભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા ૯ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી માહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે.
આઠમા કે નવમાં દિવસે કન્યા પૂજામાં, કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે.