જોરદાર 10 ગુજરાતી વાર્તાઓ | Gujarati Varta Collection 2023

Gujarati Varta Collection

 1   લાખો વણજારો

નવી વાર્તા 

 જૂના જમાનાની વાત છે.

આ પણ વાંચો : ગુજરાતી સ્ટેટસ 

જ્યારે વણજારા ઊટ પર વેપારનો સામાન લઈ જતા-આવતા હતા. એક વણજારો હતો. તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલસામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ, ગોળ અને મસાલા વગેરે લાવતો. તેનો લાખોનો વેપાર હતો. તેથી જ લોકો તેમને લાખો વણજારો કહેતા હતા.
લાખાને એક સુંદર કૂતરો હતો. તેને લાખો ડાઘિયો કહીને બોલાવે. કૂતરો ખૂબ વફાદાર હતો. લાખો તેને ખુબ જ વહાલ કરતો હતો. ડાઘિયો રાત્રે વણજારાના પડાવની રક્ષા કરતો હતો, જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઇ જતો, ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો. લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો.
એકવાર લાખાને ધંધામાં ભારે નુકશાન થયુ અને પૈસાની જરૂર પડી. તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો. તેણે તેની વાત કહી.
શેઠે કહ્યું, “હું પૈસા આપીશ, પણ તેના બદલામાં તમે શું ગીરવે મુકશો?
“લાખાએ કહ્યું,” શેઠજી, મારી પાસે એક પૈસો પણ નથી. ધંધામાં મેં બધું ગુમાવ્યું છે. મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ.”
શેઠે કહ્યું, “કોઈ વાંધો નથી, પણ તમારી પાસે આ કૂતરો છે. તો તમે તેને મારી પાસે મુકતા જાવ. જ્યારે તમે બધી રકમ પાછી આપી દેશો, ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપીશ.”
લાખો તેના ડાઘિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયો, પરંતુ કોઈ વિકલ્પ ન હતો. લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ ને આંખથી ઈશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો.
ડાઘિયો લાખાની પીઠ દેખાઈ ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો.
થોડા દિવસો વીતી ગયા. એકવાર શેઠની દુકાનમાં ચોરી થઈ. ડાઘિયાએ ચોરોનો પીછો કર્યો. દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા. ડાઘિયો ઘરે આવીને જોરજોરથી ભસવા લાગ્યો. અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સામાન લઈ ગયા. શેઠે જાગીને જોયુ તો સ્તબ્ધ થઈ ગયા.
કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું. શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા. એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા મંડ્યો. ત્યાં ખોદ્યુ તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. શેઠના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગો કરી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેકગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું.
શેઠની ખુશીની કોઈ સીમા નહોતી. તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો. તે કૂતરાની વફાદારીથી મંત્રમુગ્ધ થઈ ગયો. ઘરે જઈને તેણે એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું, “કુતરા ભાઈ – તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ, તમે મુક્ત છો.”
ડાઘિયો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો.
અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું ? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વહાલો ડાઘિયો !
ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. “અરે રામ ! આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું ! એ નાસી આવ્યો ! શેઠને હું શું મોં બતાવીશ ?”
તેણે કઇ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાઘિયાના માથામાં લાકડી ફટકારી દીધી. ડાઘિયો ઢળી પડ્યો. લાખાએ ડાઘિયાના ગળામાં એક પત્ર બાંધેલો જોયો. તેણે તે ખોલ્યો અને વાંચ્યું, ‘લાખા, તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે; તેથી હું કૂતરાને મુક્ત કરું છું. તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે. ખુશ થઇને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે.’
લાખાને નવાઈ લાગી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું, “હાય, મેં શું કર્યું? હાય, મેં આ શું કર્યું?” તેણે કૂતરાના શબને ખોળામાં લીધુ અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યો,
પણ હવે પસ્તાવાથી શુ થવાનુ હતુ ?
તેમણે એ વિશ્વાસુ ડાઘિયાની સમાધિ બાંધી, જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે ઊભી છે અને એ કૂતરાની વફાદારીની ગાથા દુનિયાને સંભળાવી રહી છે.

બાળકોની વાર્તા 

                               2  છકડો વાર્તા 

   હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહિ ; છકડો જ કહે.

  છકડો કહે એટલે ગિલો સમજાય, ને ગિલો છકડાને છકડો નાં સમજે,

ક્યા ચલ ચોઘડિયે ગિલાએ છકડાનું હેન્ડલ પકડયુ , તે બેઠો નથી ને ………..

જાંબાળા … ખોપાળા … તગડી .. ને ભડી .. ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે ‘

આ પણ વાંચો : પ્રેમ શાયરી ગુજરાતી 

બેઠલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગ્યાં છે. બેઠલું નાળુ આવે ને આવે જકાતનાકું. જકાતનાકું આવ્યું કે આવ્યું ભાવનગર.

ગિલાનો છકડો છૂટે ને . જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … એમાં હવે ભડી તો ગણવી જ શું કામ ? )

એમાં ગિલાને તો આમેય વચલા ગામ દેખાતાં જ નહિ. છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાતનાકું. જકાતનાકે ઊભી જાવાનું. ડંડાવાળા માલીપા નૉ જાવા દે. નિયમ જ કરી નાખેલો. ચાહે તે ગવંડરનો દીકરો હોય, છકડો જકાતનાકે જ ઊભો રહી જાય. ઊપડે પછી ઊભો નાં રહે.

જાંબાળા … ખોપાળા .. તગડી ને ભડી ( એમાં ભડી તો ક્યાં ગણવાની ! ) આવ્યુ જકાતનાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો.

ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય. વચમાં ભલે જાંબાળા … ખોપાળા … તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય, ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે. એ જાય ! રાખો , રાખો , મારે ભાવનગર … ’ પણ સાંભળે ઈ બીજા. વેગ થંભાવે ઈ બીજા, છકડો નહિ , ઈ તો ઊપડ્યો નથી , ને

જાંબાળા … ખોપાળા … તગડી … ને ( ભડી તો ક્યાં ગણવાની ! ) બેઠલું નાળું વટીને જકાતનાકે ખીલો ! જીવતું પ્રાણી જ જોઈ લ્યો,

એટલે તો ગિલો છકડાને છકડો નાં સમજે એની હારે વાતું કરે ; એને ધમારે , સાફસૂફ કરે ; ઝીણી ઝીણી વાતે , મા બાળકના કાન સાફ કરે એમ , ચકચકાવે , શણગારે , તે પછી છકડા તો ઘણા થયા , પણ ગિલાના છકડા તોલે કોઈ નાં આવે , છકડો તો ગિલાનો , ને ગિલો છકડાનો . કયા ચલ ચોઘડિયે ગિલાએ છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો રહ્યો જ નહિ . છકડો સડક થઈ ગ્યો.

છકડો પવનપંથો ઘોડો થઈ ગ્યો , છકડો પાણીપંથો પ્રાણી થઈ ગ્યો ,

તે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ( ભડી . તો … ! )

કયા ચલ ચોધડિયે ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ ? આમ ને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તો ય ખાટલા વચાળ ને ખાટલા વચાળ રહીશ. એના કરતાં છકડો લીધો હોય તો કેમ ? લાઈન તો હાથવગી છે જ , કાનાનું કેરિયર રાતે બાર વાગે બકાલું ભરીને ઊપડે છે . વચમાં પાંચ ગામનું બકાલું ભરતું ભરતું ચારેક વાગે માર્કેટયાર્ડ પહોંચે છે .

વળતાં ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે છે , આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે . એમાં ને એમાં કાનાએ એની પડખોપડખનું ટીંઢોરનું મકાન પાડીને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું . બેયનો એક કરો મજમ , તે એનોય એ કરો પાકો થઈ ગયો . તે એનો ડોહો રાતદિ ‘ એ કરાને ટીકી ટીકીને જોવે . ભાયુંભાયુંમાં એવું તો હોય જ ને ; આને કેવું – મારે કેવું ! એનો દીકરો કેવો પાટે ચડી ગયો અને મારો …

તે કયા ચલ ચોઘડિયે ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી . ને ડોહાએ જૂના પટારાને તળિયેથી ચીથરાં વીટેલી એક પોટકી કાઢી , ડોશી મરી ત્યારે એના કાન-નાકમાંથી ઉતારી લીધેલાં ત્રણ નંગ હતાં , જે સે ઈ આ સે . ‘ કહીને ડોહા ગિલા સામું જોઈ રહ્યા , ગિલાના દેવ જાગી ગયેલા , ઊંધું ઘાલીને ઊપડ્યો ભાવનગર , થોડાંક નાણાં આપ્યાં ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા ; ને છકડો ઊભો રાખ્યો પાદર માં , લાઈન તો હાથવગી હતી જ , કાંઈ નહિ તો ભળકડે બકાલાનો ફેરો તો નક્કી . કાનાનું કેરિયર અડધી રાતે ઊપડે . મોડા પડનારા કોક કોક રહી જ જાય , એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે , એવાનો કાયમી ફેરો નક્કી . કાનાનું કેરિયર તો પાંચ પાંચ ગામેથી બકાલું ભરીને ક્યારેય માર્કેટ યાર્ડ પૂગે . જ્યારે છકડો તો ઊપડ્યો નથી , ને……

જાંબાળા … ખોપાળા .. તગડી ને ભડી . ( એમાં …. ) ને ભાવનગર , ઊપડવા ભેગો જકાતનાકે , ને જકાતનાકું આવ્યું કે આવ્યુ માર્કેટ યાર્ડ , બકાલાવાળાને ફાવી ‘ ગ્યું . બકાલાવાળાને ફાવી ગ્યું એમ પેસેન્જરોનેય ફાવી ‘ ગ્યું . બસના ભાવેભાવ ભાવનગર ભેળાં , બસ તો ગામેગામ ઊભી રહેતી જાય . કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાળી લગાવવાનું મન થાય તો પાંચ-પંદર મિનિટ વધુ ખોટી થાય . છકડામાં તો એવી કોઈ ડખામારી જ નહિ ; ઊપડ્યો નથી ને

જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને જકાતનાકું .

શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે , બસ વહેલીમોડી હોય તો પડતપે શેકાવાનું . એના કરતાં બે ડગલાં હાલી નાખે તો જકાતનાકે પૂગી જાય . જકાતનાકે તો છકડો મળી જ રહે , બેઠાં નથી ને ગામને પાદર ઊતર્યા નથી ! એટલે જાત – વળતના ભાડાની ઝંઝટ જ નાં રહી . ગામ ગિલાને જાણી ગયું . ચ્હાય તે ટાઢ હોય કે ચ્હાય તે તડકો હોય , વીસમી મિનિટે છકડો જકાતનાકે , ને વીસમી મિનિટે ગામને પાદર , બસ તો ક્યારેક ક્યારેક કલાક – દોઢ કલાક કરે . ડ્રાઈવરે આણીપાનો હોય તો બસ એમનેમ પડી રહેવા દઈને ઘરે આંટો મારી આવે . શું કરીએ , ધણીનો કોઈ ધણી છે ! જ્યારે ગિલાનું એવું નહિ , એ તો આવ્યા ભેગો ઊપડે . બે પેસેન્જર ઓછાં હોય તોય હાંકી મૂકે,

તે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી …. ( એમાં ભડી તો …. ) મલક ગિલાને જાણે , ગિલો છકડાને જાણે , ને છકડો સડકને જાણે. તે હવે તો ગિલાનો હાથ હેન્ડલે ઉપર હોય કે નાં હોય , છકડો તો રોકેટ જેમ ઊડતો જાતો હોય . આઘેથી ભાળે એ ય વરતી જાય કે ગિલાનો છકડો લાગે છે ! એક જ ચાલે . એક જ રમરમાટી . ઊપડ્યો નથી ને…..

જાંબાળા … ખોપાળા … તગડી .. ને …

તે થોડા દિ’માં ગિલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગ્યા . ડોશી ગઈ પછી ડોહો ગોઠણ વાળીને બેસી રહેતો . આમેય આખી જિંદગી કાંઈ કામ કરેલું નહિ , મોસમમાં વાડીખેતરમાં કામ કરે , ને બાર મહિનાનો બાજરો ઘરભેગો કરે . બાકી ગોઠણ વાળીને બેસી રહે , ને હોકલી તાણ્યા કરે , બહુ બહુ તો એક બકરું , તે ઘડીક વાર એને પાદરની વાડિયુંના વાડવેલા બતાડી આવે. આખી જિંદગી રોકડો પૈસો જોયેલો નહિ. એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો , ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. ડોશી ગઈ પછી ગિલો રાતદિ ‘ કાનાના કેરિયરમાં મજૂરી કરે , ને રોટલોય એમાં જ ખાઈ લે ; ડોહા ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે , નહીંતર હરિ ઇચ્છા , ગોઠણ વાળીને બેસી રહે ને હોકલી તાણ્યાં કરે . તે કેડ બેવડ વળી ગયેલી , ચાલે તોય કાટખૂણે . ટીંઢોરનું એક ઢાળિયું મકાન પડતર થઈ ગયેલું. ઘરમાં હાંડલાં હડિયું કરે. ફળિયામાં બકરી હરફર કરે , ને ક્યારેક બેં… બેંએં …કરે એ સિવાય કાંઈ હરફ નૉ નીકળે. સમશાન જ જોઈ લ્યો.

એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો , ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા , કેડ સીધી થઈ ગઈ , સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો . આમ ગિલાનો છકડો … જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી , ને ભાવનગર , આમ ડોહાના દેવ જાગી ગ્યા , તે પગ વાળીને બેસે એ બીજા . આણી કોર છકડાના હપ્તા ભરાય , ને માણી કોર ડોહાને નવા નવા ઉંકરાટા ઊપડે. તે પરથમ પહેલાં તો ઘરની તાસીર ફેરવી નાખી . ત્રણે પડખાં પાકાં કરાવીને કાના જેવું ચૂનાબંધ મકાન કરાવ્યું. ને ડેલીની ખડકીનેય કલર કરાવ્યો , તે એના ચહેરેય રંગ ઊઘડ્યો , ને પાંચ માણસ સંગાથે વાતું કરતો થયો . કાનાના ઘરમાં આવાં ઠામવાસણ છે , તો આપડેય લઈ ખાવો . કાનાના ઘરમાં આવી ચીજ વસ્તુ છે , તો આપડેય હોવી જોઈએ , કાનોભાય આમ કરે છે , તો આપડેય … તે બેત્રણ વરસ ક્યાં ઊડી ગ્યા એની હરવર નાં રહી ;

ને ડોહો નાતગતમાં પુછાવા માંડયો , આખી જિંદગી બે લૂગડાં ય એકસાથે નવાં શીવડાવેલાં નહિ . હવે કોરાં લૂગડે ગામતરાં કરવા માંડ્યો . તે ગિલાના સંબંધની વાત મૂકી તંયે એક કહેતાં એકવીશ કન્યાના બાપનાં કહેણ આવ્યાં . ડોહાએ અપશરા જેવી કન્યાના બાપના હાથમાં બે રૂપિયા મૂક્યા . આ સંધુ છકડાની રમરમાટી માથે તાગડધિન્ના , આમ ગિલાના દેવ જાગી ગયેલા , તે છકડા સિવાય બીજી વાત નહિ .

જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ભાવનગર …

જાંબાળા … ખોપાળા … તગડી , ને ભડી … ( એમાં ભડી તો હવે … )

ગિલાનું જોઈ જોઈને ગામમાં બીજા છકડા થયેલા , પણ ગિલાની તોલે કોઈ નાં આવે . બીજા તો ઝાઝા ફેરા થઈ જાય તો હાંફીને બેસી જાય ; ગિલો ધરાય નહિ , થાકે એ બીજા , એ તો એકધારો … જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ને ( એમાં … ) ને , ગિલો રાતદિ ‘ પગ વાળીને બેઠો એવું જોયું નથી . સાંજ ની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય , ને રડ્યુખડ્યું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને ય છેલ્લે છેલ્લે છકડો તો મળી જ જાય . તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય . સડક પણ પડખું ફરીને સુઈ ગઈ હોય . પણ ગિલો જંપે નહિ . અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જાવાનું થાય તો ગિલો ખડે પગે હોય , ક્યારેય કોઈને ય ના નહિ .

તે લગન પછી ઢીલાશ આવશે એમ કોકને કોકને થાતું’તું . એની ધારણા ય ખોટી પડી . કારણ કે ગિલા કરતાં વહુ માથાની નીકળી . વટનો કટકો , વહુનેય એવું ખરું કે આપડો વટ પડવો જોવે . ગિલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલવહેલા ફટાકડા ફૂટ્યા , ને ડોશીઓનાં બોખાં મોં ફાટી રિયાં , એમ વહુ પહેલવહેલાં ઈસ્ટીલનું બેડું લઈને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી રહેલી . સંધી વાતે વટ પડવો જોવે . વહુનેય એવું ખરું . એટલે અડધી રાતે કોઈ સાદ પાડે કે ‘ ગિલાભાય ! ભાવનગર જાવું જોહે . ‘ તો ગિલો હડફ બેઠો થઈ જાય , ને વહુ ઊંકારો નૉ કરે એ સમજે કે આ સંધા તાગડધિન્ના છકડા માથે છે . છકડો દોડતો રહે છે , તો નસીબ દોડતું રહે છે , તો વટ પડતો રહે છે , તો બે પાંદડે છીએ , તો મન થાય ઈ ચીજ વસ્તુ હાજરાહજૂર હોય છે , તો કોઈ વાતે કમીના નથી . આમ છકડો ચાલે … જાંબાળા … ખોપાળા … તગડી .. ને … ને

આમ , ગિલાના ઘરમાં ચાકળા ચોડેલી ઓસરીમાં ઈસ્ટીલની બે ખુરશી મુકાણી .. ડોહા એની ઉપર બેસીને હોકલી તાણે . આમ છકડો ચાલે … આમ , ઓસરીના ગોખલામાં ટેપ મુકાણું . ડોહા ટેપ ચાલુ કરીને બેસે . મન થાય તો મોરારિબાપુની કથા મૂકે , ને મન થાય તો કવિ કાગની વારતા મૂકે . કાનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી મૂકે ને મનોમન હરખાતો જાય.

એક વખતનું સમશાન જેવું ઘર રાતદિ ‘ ધમધમતું થઈ ગયું . ડોહે નવો અવતાર જીવવા માંડ્યો . એક વખતે ક્યારેક બકરીનો બેંકારો થાતો તો એટલું જ ; આજ ચોવીસ કલાક ધમધમાટી થઈ રહી . રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે તો શેરીનું માણસ જ નહિ , આખું મલક હાજરાહજૂર હોય એવું લાગે એમાં ગામમાં ટી.વી. પહેલપહેલાં જગાભાઈ સોની લઈ આવ્યા , ગામ જોવા ઊમટેલું . પછી તો બે વાણિયાની ઓસરીમાં ને પાંચ કણબીની ઓસરીમાં આ તાગડધિન્નો ચાલુ થયા ; ત્યાં સુધી તો ડોહાના મનમાં નહિ . પણ એક દિવસ કાનોભાય એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા ને બે માણસોએ જાળવીને એક ખોખું હેઠે ઉતારીને ઓસરીમાં મૂક્યું એ ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા . રાત પડીને શેરીની ચારપાંચ બાયું છોકરો વળગાડીને કાનાની ખડકીમાં ગઈ એય ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા , પોતાનું ટેપ બંધ કરીને ખુરશીમાં ગોઠણ વાળીને બેઠા ને મૂંગા મૂંગા હોકલી તાણવા લાગ્યા. અમર_કથાઓ

બે દિવસ ડોહા મૂંગા રહે , તો ગિલાના કાન બેઠા થયા વિના નાં રહે . ત્રીજે દિ ‘ એ વાતનો ફોડ પડે સાંજ પડ્યે વસ્તુ હાજર હોય . આ વખતે વાત જરાક વેંતબા” રી હતી . પણ ગિલો જેનું નામ . થોભલાય તો ગિલો નહિ , કોઈપણ વાતે સોંસરવા નીકળી જાવું એ ગિલાનું નામ.

તે થોડાક પૈસા રોકડા , ને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજે દિ’એ છકડો ઊભો રાખ્યો ખડકી મોર . મોટું ખોખું જોઈને કો’કે પૂછ્યું તો કીધું , ‘ કલર ટીવી સે … ‘ વટ પડવો જોવે ; અને કાના કરતાં તો ખાસ . એટલે ડોહાને સમજણ પાડતાં બોલ્યો , ‘ એક જગાભાયને જ આવું સે , ને બીજું આપડે . બીજામાં કલર નાં આવે અને બીજાને એક જ ટીવી આવે ; આમ , ચાંપુ દબાવતાં જાવ એમ એમ સ્ટેશન ફરતાં જાય . અને , રાત પડ્યે ભાવનગરના લોકલ સમાચાર આવે ઇ વધારામાં . ‘ ડોહા અને બીજા સાંભળી રહ્યા ને અચંબો પામી રહ્યા . ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયો . રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા . એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય એ બોલતો જાય ને નજરોનજર બતાવતો જાય સભા – સરઘસમાં ને એવી વાતોમાં ડોહાને બહુ રસ નૉ પડે. પણ ભાવનગર નજર સામે દેખાય એમાં મજા પડે .

તે બપોરે ધરમશીની વહુ દાઝી ગયેલી , તરત કરી ભાવનગર મોટા દવાખાના ભેળી . એ અત્યારે નજરો નજર જોઈ . ધમાની વહુ દેખાડી , દાક્તરોની હડિયાપાટી દેખાડી , બહાર કોકડું વળીને બેઠેલા ધમો ને એનો બાપ ને જમાદાર ને ખોડુભા સરપંચ સંધાય બતાડ્યા .

ડોહાની આંખો ચકળવકળ થઈ ગઈ : આ માણહ ક્યાંનું ક્યાં પૂગી ગ્યું કે’વાય ! ક્યાં ધમો ને ઈની વહુ ! ને ક્યાં ગામેગામે ને ઘરોઘરમાં ઈના ફોટા તે પછી ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું . આપડા પંથકમાં નવાજૂની થાય એ રાતપડ્યે નજરોનજર જોવાની , એક દિ ‘ જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા , ત્યારે ડોહાને મનમાં થયું કે કો’ક દિ ‘ આપડો ય ફોટો ટીવીમાં આવે તો કેમ ! વટ પડી જાય , એનો ભાય – કાનાનો બાપ બે ઘડી જોઈ રહે ! પાંચસાત દિવસ પછી , ડોહાનો તો નહિ , ગિલાનો વારો પડી ગયો , તે દિ ‘ ખોડુભા સવારના પહોરમાં તૈયાર થઈને પાદરમાં ઊભેલા , એને ભાવનગર જાવાની ઉતાવળ , મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા . જકાતનાકે સામૈયું કરવાનું હતું , આખા પંથકના સરપંચોએ હાજર રહેવાનું હતું . ટાઈમ્ ભરાતો જતો હતો . ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચાનીચા થતા હતા.

એમાં ગિલાનો છકડો આવીને ઊભો , ખોડુભા કહે , ‘ જકાતનાકેથી આવે છે ? ‘ ગિલો કહે , હા . ખોડુભા કહે , ‘ જકાતનાકે માણહ ભેગું થયું છે ? ‘ ગિલો કહે , ‘ માણહ તો મા’તું નથ , કે ‘ તા’તા કે હમણાં મંત્રીશાબ આવવા જોવે , ખોડુભા હાકાવાકા થઈ ગયા , આમ તો કોઈ દિ ‘ છકડામાં બેસે નહિ , પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા , ‘ હાંક્ય સબદણ , નઈતર હું જ રહી જાશે . ‘ કહેતોકને છકડો ઊપડ્યો , ને જાંબાળા .. , ખોપાળા , .. તગડી , ને ભડી … ને જકાતનાકુ .

ઠેઠ જકાતનાકે જવાય એમ નહોતું . લોકોનો મહેરામણ ઉમટેલો , ગિલાએ બેઠલે નાળે છકડો ધીમો પાડ્યો ને કહ્યું , ‘ આંય ઊતરી જાવ , ડંડાવાળા ઠેઠ લગણ નંઈ જાવા દયે , ‘ પણ ખોડુભા હાકાવાકા થઈ ગયેલા , ‘ હવે ડંડાવાળાની મા …. તું તારે લઈ લે ઠેઠ લગણ . કોઈ કાંઈ બોલે તો હું બેઠો છઉં . ‘ ગિલાએ છકડાને રમરમાટી લેવરાવી , તે માણસોનાં ટોળાં વીખતો ઠેઠ જિલ્લા – પ્રમુખ સામે લાવીને ઊભો રાખ્યો , એ વખતે કેમેરાવાળા ફોટા લે . બધું ભૂલીને ગિલો એની સામું તાકી રહ્યો , એને થયું , આજના સમાચારમાં આપડો ફોટો નક્કી ,

બપોરે ખાતાં ખાતો ડોહાને વાત કરી . રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે , ડોહા રાજીના રેડ થઈ ગયા . આજ સુધીમાં કોઈ દિ ‘ ડોહાને એવું થયેલું નહિ , આજ પહેલી વાર ડોહાએ ગિલાને કહ્યું , ‘ તું ય આજ સાંજ પછી ફેરો નંઈ કરતો , ઘરે રહેજે , ‘ આજ સુધી કોઈ દિ ‘ ગિલાને એવું થયેલું નહિ , એ તો વહેલી સવારથી મોડી રાત લગી . જાંબાળા .. ખોપાળા … ને તગડી..ને ભડી … ને ભાવનગર … #અમર_કથાઓ

જાંબાળા … ખોપાળા , તગડી … ને ભડી …. ( એમાં ભડી તો … )

આજ તો સાંજ પડતાં છકડો પાદરમાં પડયો રહેવા દઈને ઘરે આવ્યો . હાથપગ ધોઈને ફળિયામાં ખાટલો પડ્યો ‘ તો એની ઉપર આડો પકડ્યો , ઘણા વખતે એનું લોહી અત્યારે જંપ્યુ હોય એમ લાગ્યું , પડયા પડ્યા એણે ઘરમાં ચોમેર નજ૨ ફેરવી , ઘર ભર્યું ભર્યું લાગ્યું . આણીપા છકડાની રમરમાટી , ને આણીપા ડોહાના કરાટા , તે કોઈ વાતે કમીના નાં રહી , એમાં વહુ માથાની નીકળી . ઘર સંધાય કરતાં સવાયું હોવું જોવે . પાણીયારે ઈસ્ટીલના વાસણ , માથે ભગવાનના ફોટાઓની હાર , ઓસરીમાં ઈસ્ટીલની ખુરશી , ગોખલામાં ટેપ. રંગીન ટીવી . પણ ટીવી બબ્બે ઈટ ગોઠવીને મૂકેલું , એ ગિલાને ખટક્યું . હમણાં તો ટીવીના હપ્તાની ભીસ છે , પણ મેળ પડે તો આજ કાલમાં ઈસ્ટીલનું સ્ટેન્ડ લેતો આવું –

એણે વિચાર્યું – વહુના સીમંત ટાણે મે’માનો આવશે , તંયે વટ પડવો જોવે ને ! ત્યાં બહાર કોઈએ સાદ પાડ્યો , ‘ ગિલાભાય ! ‘ ગિલો હડફ બેઠો થયો . ડોહાએ ખડકી ઉપાડી. આવનારે કહ્યું , ‘ મુખી બોલાવે , પાદર , ભાવનગર જાવું જોહે , અબ ઘડીયે . મુખીની ભેંસને આડું થઈ ગ્યું સ , તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી કરવી જોહે , હાલો જલ્દી . ‘ કોણ જાણે કેમ , ડોહાના દેવ માન્યા નહિ . એ મનોમન બોલી ય ગયો , ‘ છકડામાં ભેંશ રે ‘ શે ? ‘

આવનાર કહે , ‘ ઈ તો બે જણ પકડી રાખશે , આમેય સવારથી ભાંભરી ભાંભરીને ઘેંશ જેવી થતી ગઈ સે . ને આમેય ભાવનગર ક્યાં ઘોડાને ઘેર સે . ઘા એ ઘા જાવાનું સે. ઢોરનું દવાખાનુંય જકાતનાકા પાંહે જ સે ને ?

હાલો હાલો જલ્દી . ‘

કોણ જાણે કેમ , ગિલાના દેવ માની ગયા .

એણે મનોમન વિચાર્યું , ભેંસનું પાંસરું પડી જાય તો મુખી રાજી કર્યા વગર નહિ રહે , તો વળતાં ટીવીનું ઈસ્ટાન્ડ જ ઠોકતો આવું . આપડા સમાચાર આવે ઈ પેલા ટીવી ઈસ્ટાન્ડ ઉપર હોવું જોવે .

ગિલાને ય પોતાનો ફોટો જોવાનો હરખ . ફોટો આવે કે વહુ સામે આંખનો ઉલાળો મારવાનું નક્કી કરેલું . ‘ હમણાં … ગ્યા ભેળો આવ્યો સમજો ‘ બોલતાંક એણે ખડકી બહાર પગ દીધો એને ભાવનગર એટલે જાંબાળા … ખોપાળા … તગડી … ને ભડી … ( એમાં હવે … )

ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા . આમ તો કાનાના બાપ સાથે રોજ ની ઉઠકબેઠક નહિ પ્રસંગોપાત વાત કરી લે , ભાયુંભાયુંમાં એમ જ હોય , આને કેવું ! મારે કેવું ! – મનોમન સમજતાં હોય પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર નૉ રહેવાયું , ‘ આજ તો ગિલો ટીવીમાં આવવાનો સે . ‘ કાનાનો બાપ કહે , ‘ એમ ? ‘ તો તો જોવો જોહે , કંયે આવે સે ? ‘ ડોહા કહે , ‘ નવ વાગે . ” ડોહાના ચહેરા પર ચમકારો હતો , ‘ તો તો જોવો જોહે . હમણાં આવું . અમારે ટીવીમાં એવું ક્યાં આવે છે … ‘ બસ , કાનાનો બાપ આટલું બોલ્યા એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડયો . ભાયુભાયુંમાં એમ જ હોય .

આઠ વાગતાં ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા .

પણ એના મનમાં બેયના આવવાની અધીરપ ઊછળી રહી .

ત્યાં કાનાનો બાપ આવીને બીજી ખુરશીમાં ગોઠવાયો . હજી ગિલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો . ડોહા મનોમન ઊંચાનીચા થતા હતા . આવે વખતે અમંગળ કલ્પના ન આવે તો સમજવું કે માબાપ નહિ .

ના , ના , એવું કાંઈ નાં હોય , ભેંશને આડું હતું એમાં વાર લાગે જ ને એણે સમાધાન કર્યા કર્યું . અને કાનાનો બાપ એના ઘરની રિયાસત પર નજર ફેરવતો હતો તે જોઈ જોઈને રાજી થયા કર્યું . અને ,

નવના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા .

‘ નમસ્કાર દર્શકમિત્રો ! લોકલમાં આપનું સ્વાગત છે . આજના મુખ્ય સમાચાર

મુખ્યમંત્રીશ્રીની આજે ભાવનગરમાં પધરામણી . ભવ્ય સામૈયું .

મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ કરેલો પચીશ પ્રશ્નોને ઉકેલ . મુખ્યમંત્રીશ્રીએ …….

મુખ્યમંત્રીએ ……

‘ ડોહાને એમાં રસ નહોતો .

‘ શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો . ‘

‘ સમાચાર વિગતવાર . ‘

અને પહેલા સમાચારમાં જકાતનાકું દેખાયુ . જકાતનાકે માણસો હકડેઠઠ . મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો . સ્વાગત માટે ઊભેલા શહેરના મોટા મોટા માણસો પર કેમેરો ફરી રહ્યો . ત્યાં ધમધમાટી સાથે ગિલાનો છકડો જિલ્લા પ્રમુખ પાસે આવી ઊભો . ખોડુભા ઊતર્યા . ને જિલ્લા – પ્રમુખને મળ્યા ત્યાં સુધી ગિલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો . ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામું હસી રહ્યો હોય એમ લાગતું હતું .

ડોહાએ હરખઘેલા થઈને કાનાના બાપાને થાપાટોય મારી દીધો . અને એ એક જ મિનિટનો સીન એના મગજમાં તરબતર થઈ ગયો હોય એમ આંખો મીંચી ગયા . હવે એને બીજા સમાચારોની પડી નહોતી . એના મગજ માં છકડાની રમરમાટી ચાલી રહી . એના કાન છકડાનો અવાજ સાંભળવા બેઠા થઈ ગયા , ત્યાં , સમાચાર વાંચનાર બોલ્યો :

‘ અને છેલ્લે , શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં , બેઠલા નાળે ગમખ્વાર અકસ્માત ….

છકડા-ચાલકનું કમકમાટીભર્યું મોત …….

બનાવની વિગતો પ્રમાણે , સાંજના એક ભેંશને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતાં છકડા – ચાલકનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું .

જ્યારે છકડામાં ઊભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા . તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે .

બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછડાવાથી ભેંશને સ્થળ પર જ પાડો જન્યો હતો . #અમર_કથાઓ

જોનારા કહે છે કે……….

‘”છકડા – ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી ગયો હોત , પણ કહે છે , છકડો એનો જીવ હતો…… એ છકડા તરીકે જ ઓળખાતો … ‘”

ડોહાની આંખો ફાટી રહી .

એમ જ રહી .

બોધ વાર્તા ગુજરાતી 

                        3 એક ટૂંકી મુસાફરી                      

આ પણ વાંચો : ગુડ નાઈટ સ્ટેટસ ગુજરાતી                                                                          
  આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળાં મારતા સરોવર જેવો થઈ રહ્યો :
ગામની બહાર નીકળીએ એટલે ચારેતરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર ચૌદ માઈલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહિ થયેલી, એટલે બીજા વીસ માઈલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો, અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું. ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર રાખી લીધો.
સવારે સાતે દેવાને ઘેર પહોંચ્યો, ત્યારે એ હજી નિરાંતે સૂતો હતો. તેને ઊઠાડ્યો. ‘મારાથી તો નહિ અવાય, સાથી આવશે,’ એમ કહીને એ તો પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર સાડાચાર ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ-પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું : જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાંથી શોભતું તે છેક પાસે આવ્યું.
‘લ્યો ચાલો, તૈયાર જ સો નાં ?’
ગુપચુપ સામાન મૂક્યો. સાંઢ પર કાઠું મુકાયું, ને એ પડ્યા કે મર્યા એમ કરતુંકને, પોતાના શરીર જેટલી જ કઢંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું : ‘એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહિ ને સાંઢ ફસાય જાય નહિ.’
‘હવે એમ તે ફંહાય ? અમેય જન્મારો કાઢ્યો સે કે વાતું ?’ એમ બોલતાંકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું.
થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી : ‘ઈ તો દેવાને મારું કર્યું નો કર્યું કરવાના હેવા સે. બાકી મારી બોન બધુંય હમઝે એવી સે તો !’
ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિપંડિતો અતિ અશુદ્ધ બોલે છે. તેમ આ ઊંટ પરનો સજ્જન પણ, પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નથી એવો ‘હ’ ને ‘સ’ નો ક્યારેક ‘ચ’ ને ‘છ’ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરાજરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું : ‘સેઠ ! ભો રાખસો મા હો. હા. તમતમારે ‘ચત્રી’ ઉઘાડવી હોય તો ઉઘાડજો ભઈ ! સાંઢનો ભો રાખહો મા. મારો હાથ વરતે તો.’
એ જ વખતે જરાક ઉતાવળે ચાલતાં, સાંઢનો પગ એ ગયો, એ ગયો એમ થઈ ગયું.
‘તમારે દેવો શું થાય ?’
‘કેમ વળી ? દેવાના ઘરમાં મારી બોન સે તો. દેવામાં શું અકલેય બળી સે; મારી બોન જ બધુંય હાચવે કારવે.’
‘એ…મ?’
‘તંઈ !’
એટલામાં નીચે ચીકણો કાદવ આવતાં સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં ‘જોયાં. કંટોલાં?’ એમ કહીને મને તે કંટોલાંનો વેલો બતાવવા ગયો ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડી ને વાડમાં જ પેસવા માંડી. એને જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડી, ને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકાવવાનો સદાગ્રહ શરૂ કર્યો.
છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અરધું ધોતિયું વાવટાની જેમ કેરડાના છોડ પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે તે પહેલાં ‘ઓ-ય-રે!’ કરીને, જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અરધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂંફાડા મારતો ચાલ્યો ગયો.
‘સાંઢને નો ડગવા દઉં હોં; મારો હાથ વરતે તો. દેવાને હાથ નો રિયે.’ એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું : ‘તમારું નામ ?’
‘મારું નામ કાળો.’
‘એમ કે કાળાભાઈ…. તમે આ ધંધો –’
હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું : ‘આ સાંઢ મારો હાથ બહુ વરતે તો. દેવાને હાથ નો રિયે.’
‘હા પણ કાળાભાઈ….’
પૂરું વાક્ય જ ક્યો ભાઈ થાવા દે ? સવાલ પુછાય તે પહેલાં તો કાળાની જીભ છૂટી : ‘મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું’તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો – ઈ તો હવે બહુબહુ દખ પડ્યાં.’
‘ના પણ કાળાભાઈ. તમે અત્યારેય કાંઈ ઓછા રૂપાળા નથી તો !’
અબનૂસના લાકડા જેવો કાળો ચળકતો વાંસો, કોઈ ચિત્રકારને ‘બ્લૅક’ નો કે ‘શિલહુટ’ નો બહુ શોખ હોય તો ખપ આવે તેવો, મારે સ્ટેશને પહોંચતા સુધી, ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો; એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી.
‘ના, પણ તોય, હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલાં વરહ ધારો સો ?’
મેં પાંચ વરસ ઓછાં કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે તેથી, કે ગમે તેમ, હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણભેર થઈ જાશે તેમ લાગ્યું. પણ જ્યારે જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે ‘સાંઢ મારો હાથ વરતે તો, દેવાને હાથ નો રિયે’ – એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો.
હવે આને બહુ વાતોએ ચડાવવો નહિ, કારણકે એના મનમાં એની આવડતની રાઈ ભરી છે, અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે, માટે ચૂપ જ રહેવું, નહિતર જો સાંઢ ફસાઈ ગઈ, તો નીચે ઊતરવાનો વખત પણ નથી રહેવાનો. ત્રણ દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતાં, એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અરધું ધોતિયું ગયા વિષે મનમાં ને મનમાં કરુણપ્રશસ્તિ શરૂ કરી, ત્યાં તો કાળો બોલ્યો :
‘આ ગામ આવ્યું ઈ રોડું.’
‘હં.’
‘ન્યાં મારી માશી રિયે સે. એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો.’
‘કાળાભાઈ ! દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું, એમ ?’
મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહિ એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે ત્રણ દિવસ પહેલાંનો બનાવ સંભારી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું, ત્યાં તો કાળાએ જવાબ વાળ્યો :
‘તે નો પડે ? શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે ? મારા બાપને ત્યાં તો પંદર સાંઢ. અમારો તો પંદર પેઢીનો ધંધો.’
‘માર્યા. એ…. ગ… યા….’ મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણ હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી.
‘તમે શું કરવા ભો રાખો સો ? આ સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો એને નો ગાંઠે.’
‘હં.’ મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંસ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે, તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ, અરે રામ, આ કાળાભાઈએ ફરી શરું કર્યું.
‘હું પહેલા તો ગધેડામાં જાતો. અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે, સાંઢ્યુંમાં ભીખલાને મોકલો, ભીખલાને.’
માર્યા. મારાથી રહેવાયું નહિ : ‘ભીખલો કોણ ?’
ભાઈશ્રી કાળાભાઈ હસ્યા : ‘મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈં બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે, હો !’
‘એમ કે ?’
‘ને હું એની પાસે રોટલો માગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું.’
મારા મનમાં શંકા ઊઠી કે આવા રૂપાળા ‘ભીખલા’ ભાઈનું ‘કાળો’ નામ શી રીતે પડ્યું અને સેવકને વ્યાકરણવ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ‘ભીખલો-કીકલો-કીલો-કાલો’ એવાં રૂપાંતર હૈયે ચડે નહિ. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. ‘કાળાભાઈ ! જોજો હો, કાદવ આવે છે.’
‘અરે, સાંઢ મારો હાથ વરતે તો. હા, દેવો હોય તો કાંઈ કહેવાય નહિ.’
એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂરદૂરથી દેખાવા લાગ્યું.
‘કાળાભાઈ ! આપણો મારગ તો આ જ કે ?’
‘અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે – હો. જો ને – આઘે જાળનું ઝાડ દેખાય.’
‘હા.’
‘આ ઈ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહિ હો. ઈ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે નાં, ઈ તો મારે ત્યાં કામ કરતો હોય. અને હજીયે મારી બોન જ બધુંય જાળવે છે.’
‘એમ કે ?’
‘તંઈ ! આ જાળ દેખાય છે નાં, ન્યાં, હું ગધેડાં ચારવા આવતો. તે દી અમારે ત્યાં બે ત્રણ સાંઢ પણ ખરી.’
મનમાં વિચાર્યું કે માર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી.
‘એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે.’
હરિ ! હરિ ! હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો – કારણકે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. તેમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે, ને તે પણ બેસનારના ઉપર જ પડવાનો સંભવ; એટલે કાં તો આજે આપના રામ રમવાના છે. પણ હવે થાય શું ? સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય.
કાળાએ તો આગળ હાંક્યું : ‘પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશાં ખાડું ચારવા આવે. ને અમે બેય જણાં – આ તળાવ દેખાય છે નાં – ન્યાં બેઠાં બેઠાં વાતું કરીએ.
કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઊતરતો આવ્યો. એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો. અને કાળીને કહ્યું કે જો તું મારું નો માને તો હું મરું.
મને સાંભરે છે કે બીજે દિવસે કાળી ખાડું ચારવા આવી ત્યારે ઈ ઝાડ – જો, પેલુ દેખાય ઈ – ત્યાં રોઈ; અને મને બધી વાત કરી. ‘મેં તો કહ્યું, હાલ્ય ને પરદેહમાં હાલ્યાં જઈ : ન્યાં કોણ ભાવ પૂછે ?’
પણ કાળીએ કહ્યું, ‘ના, મારી મા મરી ગઈ, ને અમારામાં તો નાતરું-આછું-પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું, કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુ:ખી થાય એ મારે નો જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાઉં ?’
‘તઈં, તારા જીવ મારી હારે ભાળ્યો નથી નાં ?’ મેં પૂછ્યું.
કાળીએ જવાબ વાળ્યો : ‘તારી હારે મારો જીવ ચોંટી ગયો છે. પણ મારે બાપે મારા સાટુ આટલું વેઠ્યું ને હું હવે નગણી થાઉં તો મનખાદેહ લાજે.’
‘પછી મન મૂકીને અમે રોયાં. છૂટાં પડ્યાં ઈ પડ્યાં. આ આજની ઘડી ને કાલનો દી. તે દીથી કાળીને મેં ધરમની બોન માની. ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી માતર મારા માટે હરામ, લ્યો. બે પૈસા થાય તો કાળીને કાપડું કરવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો, પણ ધરમ મોટી વાત છે નાં ? આ દેવાના ઘરમાં છે કે નહિ, એ જ મારી ધરમની બોન… કાળી !’
‘હેં !’
‘હા.’
‘ત્યારે દેવો તમારો સગો નથી એમ ?’
‘ના. પણ કાળી મારી ધરમની બોન છે. હજી ઠેસણે જાવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભરી આવે. પણ કાંઈ ધરમ-વરત ચુકાય ?’
દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કાંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચુપ થઈ ગયો.

ડોશી ની વાર્તા 

4.   રજપુતાણી વાર્તા 

👉ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે   જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બેઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. 
એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી. ખેતર છલક્યાં હતાં. નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ – પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા.
તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી, ઘોડી બહુ પાણીદાર અને જાતવંત હતી. પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી, પાણીમાં ગોથાં લેતાં, ઘૂમરી ખાતાં, ધરામાં જંઈને પડ્યાં. ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ એ સાહસ ને શૌર્ય અચેતન થઈ ગયાં.
રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો , ને સુંદર વનરાજીથી ભરપૂર છે. તેમ જ ગાડાં વિસામો લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે.
એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે ; અને કંઈક થાકેલાં પશુઓ આનંદ પામ્યાં હશે. રૂપેણ નદી , આવો સુંદર વડલો , રૂપાળી ચોખ્ખી જમીન , નાનું પણ સારું ને રળિયામણું , ભયંકર ન લાગે તેવું વન , એ બધાંને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે. પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો. ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા અને એ સુંદર માર્ગ ઉજ્જડ થવા લાગ્યો.
ચારે તરફનાં ગામડાંમાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહીસલામત જઈ શકતો નથી. એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો.
એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો . ગામ સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી કે ‘ ભાઈ , એ રસ્તે જવા જેવું નથી ; એ રસ્તે જનારનું માથું ધડ ઉપર રહેતું નથી. ”
“કેમ ? એવું શું છે ? “
પાંચ વરસ પહેલાંની વાત છે, પણ એક ગરાસિયો અવગતે ગયો છે. ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે. ગરાસિયો ચોમાસામાં નદી ઊતરતાં તણાયો ને આશાભર્યો ગયો. એને જાવું હતું નદી ઊતરીને સામે પાર, પોતાના સાસરાના ગામમાં ઠકરાણાંને તેડવા, પણ અધવચાળે રહી ગયો. ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યો નથી. ”
‘ જોઈ લેશું ” કહીને ચારણે તો ઘોડી મારી મૂકી.
ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા. ચારણે એ પંથ લીધો . બપોર જરાક નમતા હતા. પશુપંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયાં હતાં.
આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી તે વખતે પેલો ચારણ , રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઊર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો : એ..ય … ને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે : બીજી તરફ ખાખરાનાં વન ઊભાં છે . ઘાટી છાયામાં પારેવાં , તેતર ને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યાં છે :
ચારણ તો આ સ્થળ અને આવી રૂપાળી રચના જોઈને, “ ભલે રૂપેણ ! ” “ ભલે રૂપેણ ! ” બોલતો આગળ વધવા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ, એ જોઈને તો આડો આંક વળી ગયો.
વડલાની નીચે, કોઈ પચીસ પચીસ દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર, બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી, ધોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા. ને વચ્ચોવચ્ચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી અને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો. બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા. બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઊતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો, પણ જુનવટ ને શૌર્યની રેખાએ રેખા સાચવતો.
આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઊતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો. એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલકયો. તેણે ડાયરા તરફ અર્થવાહી દૃષ્ટિએ જોયું, ને ચારણને આવકાર દેનારા પચીસ – પચાસ સાદ એકસાથે થઈ રહ્યા : ‘ આવો , આવો , બાપ ! આવો . ટાણાસર છો. કયાંથી આવો છો ?
‘ ચારણ બેઠો , પણ આખી સભામાં કોઈના મોં પર માનુષ તેજ લાગ્યું નહીં તે જવાબ દેતાં ખંચાયો ;
પણ વડલાની નીચે હણહણાટ કરતાં જાતવંત ઘોડાં જોઈને તે ઠંડે પેટે સામે બેઠો. ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો તેની બેચાર ફુક લીધી, ખાસી આડી હથેલી ભરીને કસુંબો પણ લીધો. સ્વપ્નસૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાતજાતની વાતો કરવા લાગ્યો .
‘ દેવીપુત્તર છો કે ? ” પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું : એક સવાલનો જવાબ દેજે .
” ચારણ તેની સામે જોઈ રહ્યો. ‘ એવું છે કે ઈશ્વરે આટલા દી ને આટલી આટલી ઋતુ ઘડી છે પણ એક રતની મીઠાશ બીજી રતમાં મળે નહીં, પણ બધી રતમાં – સારામાં સારી ને મીઠામાં મીઠી કઈ ?
‘ ચારણ જાણે વાત કળી ગયો તેમ ગોઠણભેર થઈ ગયો. ‘‘ દરબાર ! રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતાં નરનારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો, બાપ ! કંઈ શિયાળો થાવો છે ? એ … ને રૂડાં ભાતભાતનાં પકવાન ખવાય , મીઠા તાપે દેહ તપી તપીને રસ રસ થઈ જાય, ને પોંખ ને ઓળા, ને જાદરિયા ને મીઠાં ગોરસ અને ગોરી નાર, ને બાપ ! શિયાળો ઈ શિયાળો. શિયાળો કંઈ થાવો છે ! શંકર – પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે.”
રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો. ‘ પણ માણસમાત્રને જીવન દેનાર વરખા ઋતુ કંઈ થાય ? ” તેણે ફરીને ચારણને પૂછ્યું .
ચારણે માથું ધુણાવ્યું , “ ના , બાપ , ના . જ્યાં ત્યાં ડહોળાં પાણી હાલે ને કાદવ થાય, ને વીજળી ચમકે. ઢોર ખેંચાય, માણસ તણાય … ”
રજપૂત વધારે ટટ્ટાર થયો. તેની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યાં. ચારણ જોયું ન જોયું કરીને આગળ વધ્યો : ‘ એવી ચોમાસાની રત તો બાપ કણબી માટે હોય. એમાં કાંઈ પિયુ ને કામની મલકાતે મોંએ રસની વાતો માંડે ? બાપ, રતમાં રત શિયાળો, તે પછી લ્યો તો ઉનાળો, ને ચોમાસું તો કાંઈ રત કહેવાય ? ઈ તો ક – રત ! ક – રત !
“ભારે કરી ચારણ ! બહુ કરી ! દેવીપુત્તર ખરો ! ” કહીને રજપૂત બેઠો થયો .. તે ઊઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો . ‘
” દેવીપુત્તર ! હું ગરાસ્યો છુ. ” રજપૂત બોલવા લાગ્યો.
ચારણે વિહ્વળતાથી આસપાસ જોયું. ત્યાં ડાયરો ગેબ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસિયો બે જ જણા વડ નીચે ઊભા હતા !
“ અને ભડકતો નહીં હોં … ”
ચારણ હસ્યો : ‘ ભડકું ? બોલ , બોલ રજપૂત ! તારે કહેવું હોય ઈ કહી દે. “
જુવાન રજપૂતના મોં ઉપર આશાનાં કિરણ ફૂટતાં લાગ્યાં. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો : ‘ પાંચ વરસ ઉપ૨ ભરચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, અને પેલો ઘૂનો- ” તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ઘુના તરફ અત્યંત દુઃખભરી દૃષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ ! ”
નિરાશાના ડુંગર દાબવા પ્રયત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો.
‘ અને દેવીપુત્તર ! બે માણસની વિજોગ જેવી વસમી વાત કઈ છે ? ‘
” બાપ , હા. તું તારે તારી વાત પૂરી કરી જા. ”
‘ સાત સાત જનમારાનાં ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યાં છે. તું મારું એક કામ કરે તો આ અવગતિયો દેહ ગતે જાય. તને ખબર છે , કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે તેવા આત્માને પણ ભરખી જાય છે ?
‘ હા. ‘
‘ ત્યારે તું રૂપેણ ઊતરીને આથમણી કોર હાલ્યો જા. પાંચ ગાવ ઉપર દાંતાસર ગામ છે. ત્યાં નરી કંકુમાંથી પડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આવીને દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે ? ”
આજીજીભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વળ્યો : “ રજપૂત ! મારો કોલ છે કે જો સાચો દેવીપુત્તર હોઉં તો રજપૂતાણીને એક વખત આંહીં લાવું. પણ તું જો અણિશુદ્ધ ગરાશ્યો હો તો વેણ દે કે આ રાજમારગ જેવા મુસાફરીના મારગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. ”
‘ કોલ છે , જા , કોલ છે , કે પછી આ મારગ છોડી દેવો ;
અને ચારણ ! હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે, મુસાફરને કંઈ રત સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે ભે’થી માણસ બીજે-ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે કરે છે. એમાં મારો વાંક નથી , ચારણ ! ”
‘ બહુ સારું , બાપ ! ત્યારે આજથી આઠમે દિવસે રજપૂતાણી અહીં આવશે . ”
અને ચારણે ડોકું ધુણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરી વાર જોયું ત્યારે માત્ર વડલાનાં પાન ખખડતાં હતાં, તીવ્ર વેદના ભોગવવા તે એકલો ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો.
રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતાસર આવ્યો. ચારણ તો જુદ્ધરમણે ચડેલા રજપૂતનો આનંદ છે : અને રાજદરબારે, જ્યારે મોંધો રાણીવાસ સૌના ઉપર કંઈ ને કંઈ આળપંપાળ ચડાવી જાય , ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઊતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો
‘’ગરાસણી ! જોજે , બાપ ! પાછું ડગલું ન ભરતી. એક કામ સાટુ સંભારી છે.”
ગરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે. સોનરેખ દાંત દેખાતા હોય , અને ઘાટીલાં નાનાં ઠોળિયાં કાનમાં લટકતાં હોય, એવી ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ગરાસણીએ જવાબ વાળ્યો : “ બોલો , મારા જેવું શું કામ પડ્યું ? ”
‘‘ બાપ ! જીવતા નેહ તો માનવી માતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે.”
ગરાસણી ચમકી. ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની.
‘ દરબાર ગામતરે ગયા કેટલાં વરસ થયાં ? ‘
‘ પાંચ વરસ. ‘
‘ ભલે બાપ ! સાચું બોલજે ; તો પછી તને દરબાર સપનેય ચડેલ ખરા કે ? ’
“ ના , ક્યારેય નહીં. જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ”
“ ના, બાપ , ના. સાચો અણિશુદ્ધ ગરાસ્યો કાંઈ સતીને ભૂલે ? શંકર – પારવતીના જોગમાં કાંઈ મણા હોય ? ભૂલ્યો નથી, હજી ગરાશ્યો તને ભુલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હોં ! સાચી ગરાસણી છો કે ? ’
રજપૂતાણી ટટ્ટાર થઈ : ચારણ ધ્રુજે એટલી દઢતાથી બોલી : “ આજ પરીક્ષા કરવી છે ? …. શું ગરાશ્યાએ ભૂત થઈને મારી ખબર કઢાવી છે ના ? ”
ચારણ હેબતાઈ ગયો : “ રજપૂતાણી ! ગજબ કરી , તને ખબર ક્યાંથી ? “
“ ખબર કયાંથી ? રણસંગ્રામમાં મરે નહીં એ રજપૂતમાત્ર ભૂત. અને એવા ભૂતને વાસનાસહિત જડમૂળથી ઉખેડી નાખવા માટે જ , હું ગરાસણી છતાં સતી નથી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે ? “
“ગરાશ્યો તને મળવા આવતાં રૂપેણમાં ડૂબ્યો છે, એ નેહ કાંઈ જેવોતેવો કહેવાય ? “
“ ના , ના , નેહ જેવોતેવો કહેવાય ? ” ગરાસણી કરડાકીથી બોલી અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમારગ ગરાશ્યો ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે ? ”
‘ સાચું , બાપ ! સાચું , પણ મરેલ હારે કાંઈ વેર હોય ? ભૂતની હારે કાંઈ ભડ થવાય ? ઈ તો એવાની વાસના હોય એને કટકું બટકું નાખો , એટલે જાય ભાગ્યાં.
તે સાંભળ , બાપ , ગરાશ્યાની વાસના છે તને જોવાની. મને બે દી પહેલાં વડ હેઠળ મળ્યો’તો. ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો’તો અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગયેલો. જાણે મરતલોકમાં ફરી વાર અવતર્યા હોય ! મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એક વાર દેખાડ. મેં બાપ ! વેણ આપ્યું છે અને તારે વેણ પાળે છૂટકો છે. અને પછી ગરાશ્યો ઈ મારગે કોઈ દી દેખા નહીં દીએ એવું વેણ લીધું છે. ”
‘ વેણ પાળીશ , એક વાર નહીં , હજાર વાર. પણ હું તો ગરાસણી છું. એણે વટેમાર્ગુને માર્યા છે ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘૂર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે , અને સોનાની રેખ જેવો રાજમારગ કાળોધન કરી દીધો છે. એવો ગરાશ્યો મારો ધણી હોય તો ધણીનેય સોંસરવો વાઢી નાખું.
આવીશ. મળવા આવીશ , પણ ચારણ ! એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી વાર લગન કરવાના એને કોડ જાગ્યા છે. “
“રજપૂતાણી ! બાપ ! આ તો અવગતિયો દેહ. એની હારે કાંઈ ખાંડાની ધારે ધિંગાણાં થાશે ? ઈ તે કાંઈ મનખાદેહ છે કે કબજ રિયે ? ઊડી જાશે , જાણે વંટોળિયો હાલ્યો ગયો. ”
…. કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ . એની પાતળી દેહલતા નાગણની જેમ , જાણે ફૂંફાડા દેતી ઊભી થઈ ગઈ ; મરદના પણ હાડેહાડ ધ્રૂજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી :
‘ દેવીપુત્તર છો ? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે ?
અને ઝડપ દેતીકને એક ફલંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું : “ ચાલો ! દેવીપુત્તર ! મોઢા આગળ થાઓ. આજ એ મારગને નરભે કરી મૂકવો છે. ”
બોલ્યાચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય તેવી રજપૂતાણી ચાલી.
બપોરની બાર વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યાં. વડલાનાં પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યાં હતાં કે કાચુંપોચું . હૃદય તો ત્યાં જ ગેબ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું ; વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો ; અને આવી ભયાનક એકલતામાં ચારણ અને રજપૂતાણી બે જ જણાં ઊભાં રહ્યાં.
“કયાં છે રજપૂત ? ” રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો :
“ આંહીં કોઈ નથી !”
“હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું. ”
થોડી વાર સુધી બન્નેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી.
અચાનક એક ધોડેસવાર દેખાયો. રજપૂત જાણે પોતાની પાણીપંથી ઘોડી લઈને ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે ને સામે મંડાઈ રહી છે.
ચારણે વિવળતાથી રજપૂતાણી સામે જોયું.
રજપૂતાણીના ચહેરા પર ભયનું નામનિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોસથી પકડી , અને ચારણને પડકાર્યો : “ જોજે, મરદ થાજે હોં ! ”
થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો , અઠ્ઠાવીસ – ઓગણત્રીસ વર્ષનો ભરજુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો.
‘‘ બસ , એ જ. આવવા દે. ”
” જોજે હોં ; જોગમાયા ! ઘા ન કરતી”
‘ રજપૂત તદન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણીની સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી .
‘‘ ઓળખાણ પડે છે કે ? ”
“ હા , હા , ” રજપૂતાણીએ જવાબ વળ્યો : ” ઓળખાણ કેમ ન પડે ? જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગુ માર્યા , રાજમારગ અભડાવ્યો , ને ભિખારીની પેઠે ચારણને જાચ્યો અને …
‘‘ હં હં… બાપ ! ” ચારણે રજપૂતાણીને વારી.
રજપૂત ખસિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દૃષ્ટિથી રજપૂતાણી સામે જોયું : “ રજપૂતાણી ! ”
“મારા ગામનાં મારાં આશ્રિત માણસોને માર્યા એનું શું ? ’’
મેં ? મેં નથી. માર્યા રજપૂતાણી ! ‘
‘‘ ખરો અણિશુદ્ધ ગરાશ્યો હો તો તૈયાર થઈ જા. ”
ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રૂજતો હોય તેમ લાગ્યું. પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ગરાસણીના હાથની તલવાર ચમકી ને જનોઈવઢ કાપી નાખવો હોય એવા જોશથી તેણે ગરાસિયા પર ઘા કર્યો.
માર્યા બાપ ! ભારે કરી ! ” કહીને ચારણ વચ્ચે કૂદ્યો.
પણ ગરાસિયો ત્યાં હતો નહીં , અને રજપૂતાણી , તલવારનો જોશભર્યો ઘા ખાલી જવાથી , ગોઠણભર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઊડેલી થોડીક ધૂળ જ માત્ર દેખાણી.
“ ભારે થઈ , બાપ ! ”
” વાંધો નહીં , દેવીપુત્તર ! તેં તારું વેણ પાળ્યું છે.” હવામાં ખાલી શબ્દો જ સંભળાયા !
રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું . ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉધાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ પડ્યો.
રૂપેણનાં ચોખ્ખા પાણી ચાલ્યાં જતાં હતાં. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી. 
” ગરાશ્યો હો તો ઊભો રે ” રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો.   
રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. 
ફરી ત્યાં કોઈ મળે નહીં … પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી.
રજપૂતાણીએ નીચે જોયું. ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં , બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે !
ઘટૂક . ઘટૂક . ઘટૂક … ઘૂંટડા લે છે .
રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું. પણ આહ ! કેટલી વેદના ! કેવું દુઃખ ! કેવી નિરાશા ! કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. રજપૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ ગયું : “ રજપૂત ! આ શું ? ” 
” બસ , હવે તૃપ્તિ – અતિતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે, રજપૂતાણી ! એ બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે.”
રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ.
તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો.   
રજપૂતે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી પકડ્યો : 
“ તું ક્યાં ડૂબ્યો છે ? હવે તું ક્યાં જાય છે ? “
રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં તેની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ.
“હવે તને નહીં જવા દઉં ! ” રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો.
પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો.
રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો.
ચારણે કાંઠા પરથી બૂમ પાડી : “ ગરાસણી, પાછાં વળો. હવે પાણી ઊંડું છે. એ તો ઊડી ગયો. બાપ , પાછાં વળો !
મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી : ‘ જા , જા , દેવીપુત્તર ! હવે તું સુખેથી ઘેર જા. મારે તો આ દુ:ખી ગરાશ્યાનું ઘર ફરીને વસાવવું છે. ”

——–ધૂમકેતુ 

ગુજરાતી વાર્તા વાંચન 

5. લોહીની સગાઈ વાર્તા 

મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એક જ જવાબ આપતાં : ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’
અમરતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતાં, ચાકરી કરતાં અને લાડ લડાવતાં એ પ્રત્યક્ષ જોઈ લોકો એમનાં વખાણ પણ કરતાં કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે; બીજાને ઘેર હોય તો ભૂખી-તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય.
મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં : બે દીકરા અને એક દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા. દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી.
અમરતકાકી એ ત્રણે સંતાનોને વીસરી ગયાં હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ-પૌત્ર-પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઊઠતું, છતાં દાદીમા તરીકે અમરતકાકી હરખપદૂડાં થઈ જતાં નહીં. ભાગ્યે જ બાળકોને તેડતાં, રમાડતાં કે લાડ કરતાં. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી :
‘દીકરાઓનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી.’
માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમરતકાકીને અન્યાય કરી બેસતી એટલું જ, બાકી દીકરીનાં બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યાં રહી જતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી : ‘મંગુને ખોટાં લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરનેય ઝાડો-પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે, તો બાર વરસની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂંગી છે, પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે.’
દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી : ‘તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુ:ખી દુ:ખી થઈ જશે.’ સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ‘કહેવત છે એ ખોટી નહીં કે પારકી મા જ કાન વીંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો-પેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે.
ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી.’ અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં ત્યારે લોકો પરાયાં તરીકે જે કહી શકતાં નહીં તે દીકરી કહી નાખતી : ‘દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે!’
મંગુના મોતને અમરતકાકી પણ છૂટકારો માનતાં હતાં – જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણીજોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો : સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા-ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળાખાટે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અરથ નથી. મંગુની સાચી મા બની રહું, ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તોપણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરતકાકી તૈયાર ન હતાં.
દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. વળી ઉચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે ત્રણ ગોરા નિષ્ણાત દાક્તરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાકતરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો-પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા.
છતાં અમરતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજિત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતાં પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરતકાકી માનતાં કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એટલે બીજાને મન ગાંડીઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતાં અને શ્રદ્ધાથી એનો અમલ કરતાં.
જોષીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોષીએ ભાખ્યું હતું કે, આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પૂરાં થઈ રહેતાં હતાં એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરતકાકી ચડી જતાં –
ચૌદમું ઊતરતાં કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો… મૂઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતાં સમો હા પાડી દે! – અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં – કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે, પછી મંગુનાં લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં!
એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતાં અમરતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું : ‘જોષીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી!’ સાંભળનારને ગળે આ વાત ઊતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી!
અમરતકાકીની નજર એ ભણી જતાં ડાહી દીકરીને શિખામણ આપતાં હોય તેમ ધીમેથી કહેતાં : ‘મંગુ! એવું ગંદુ ન કરાય, હો બેટા!’ મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી : ‘મેં કહ્યું તે સમજી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ!’ આમ અમરતકાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાહી ન થઈ પણ શહેરના કન્યાવિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી – કુસુમ – ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડાપેશાબનું ભાન ન રહ્યું.
અમરતકાકીને એથી દુ:ખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહીડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ?
કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમરતકાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચાતાં મંગુને આ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દશ્ય એમને કંપાવી ગયું.
પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા : એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડાપેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે : ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી.
એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઊમટ્યું હતું. સૌથી મોખરે અમરતકાકી હતાં. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરતકાકીને દરેક સલાહ આપવા મંડી ગયું : ‘કાકી! તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ; જરૂર એને મટશે.’ અમરકથાઓ
અમરતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યાં. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. મા દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો દાકતર-નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઊકલી ગઈ.
નર્સ કે દાકતરને કોઈ કોઈ ગાંડાં તમાચા મારી જાય તોપણ એ લોકો એના ઉપર ખિજાતાં નથી કે એને મારતાં નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર? આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી?
છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ હતી – જાણે પોતે હારીને આ કામ કરી રહ્યાં હતાં એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું, બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોકિયાં કરતું એમને દેખાતું હતું.
મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતાં હતાં એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ, જો એને દવાખાનામાં ગોઠી જાય, તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું.
આ વિચારવહેણ સાથે અમરતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઊઠતું – ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમેય દીકરીથી થાક્યાં છો! અમરતકાકી ઊંઘમાંથી ઝબકી જતાં, બોલી ઊઠતાં : ‘શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઊઠતું : એક વાર નહીં ને હજાર વાર!
અમરતકાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલીય વાર ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડી ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત…. પરંતુ પત્ર મળતાં દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મૅજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
અમરતકાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતાં તરત આવી શું કામ પહોંચે? લાગવગ વાપરી તરત ને તરત દાક્તર તથા મૅજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ? એમને થયું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી. પણ દીકરાને કહેતાં જીભ ઊપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલાદુખલી કરાવી લીધું. હવે ના પાડું તો એને થાય, કે માને બીજો ધંધો નથી.
મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમરતકાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ નછૂટકે જવા તૈયાર તો થયાં, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો.
આંખમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી તે કેમેય ઊખડતી ન હતી. મંગુ એને પહેરાવેલાં નવાં કપડાંનો રંગ ધારીધારીને જોતી રહી ગઈ. ગેલમાં આવી હોય તેમ અમરતકાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમું અમરતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે; મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતાં અમરતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યાં, હૈયું કકળી ઊઠ્યું : ‘અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં – સગી મા પણ એની ના થઈ!’
દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. મા સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો, તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણિયે જોડેલા બળદ પગ ઉપાડવા તળે-ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતાં કહ્યું : ‘મોડું થાય છે. હવે નીકળવું જોઈએ.’ અને ફળિયા બહાર નીકળતાં એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી.
પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમરતકાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભાં થયાં. બે જણે ઝાલીને ચડાવ્યાં ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જણાતાં ગાડીમાં મુસાફરોને મઝાનો ખોરાક મળી ગયો.
‘આવી ખાધેપીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ!’
‘અમારા ગામમાંથી એક ડોસીને એના દીકરા પાંચ વરસથી મૂકી આવ્યા છે પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય છે તો રડવા લાગે છે, પગે પડીને કહે છે : ‘મને અહીંથી તેડી જાઓ’ પણ આજના દીકરા લાવતા જ નથી!’
‘દીકરાઓ શું દીસ્તા રાખવાના?’
‘દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ… જાણો છો ને! પહેરી-ઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી.’
‘આ છોડીને મા નથી?’
અમરતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયાં. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથેસાથે માથું નમતાં મા તરીકેનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો.
‘બાપ રે! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાંનો શો દોષ કાઢવો!’
અમરતકાકી જો એકલાં હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછાં ફર્યાં હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયાં. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાસંબંધી છૂટાંછૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણાં જમતાં. કોઈ કોઈ ફળ ખાતાં હતાં.
એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો તેને બાઝી પડી હતી અને બાજુમાં ઊભેલી વૉર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી – આ ભૂતડીઓ મને સારાં કપડાં પહેરવા આપતી નથી; સારું ખાવાનું આપતી નથી; માથામાં નાખવા તેલ આપતી નથી. અમરતકાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યાં હતાં.
પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી : ‘હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એક વાર ખાઈ લ્યો.’ પેલી ગાંડી બાઈ છણકો કરતાં બોલી : ‘મેં દાતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું.’
અમરતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખિજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવરાવ્યું, નૅપ્કિન વતી મોં લૂછી નાખ્યું. અમરતકાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ.
દાક્તર અને સ્ત્રી-વૉર્ડની મેટ્રન આવી પહોંચ્યાં. અમરતકાકીના દીકરાએ મૅજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું.
મેટ્રને કહ્યું : ‘એ બાબતમાં તમારે ચિંતા ન કરવી….’
વચ્ચે અમરતકાકી બોલ્યાં : ‘બોન! ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી….’ આટલું બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી.
એક બોલી : ‘તમે બા, કોઈ જાતની ફિકર કરશો નહીં. અમે એને મોમાં કોળિયો ઘાલીને ખવડાવીશું.’
ગળગળા સાદે અમરતકાકી બોલ્યાં : ‘એ જ બોન, મારે કહેવું છે. એને ઝાડા-પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે.’ અમર કથાઓ
બીજી પરિચારિકા બોલી : ‘રાતમાં ચારપાંચ વખત તપાસ કરવામાં આવે છે.’
અમરતકાકી : ‘રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી.’
‘જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ.’
‘એને બીજાં તોફાની મારે નહીં તે જોજો.’
‘તોફાની હોય તેને જુદાં રાખવામાં આવે છે. રાતે બધાંને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે.’
મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતાં ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખૂલતું એ તક ઝડપી લઈ અમરતકાકીની નજર બે-ત્રણ વખત અંદર ડોકાઈ રહી હતી. ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે, અસ્તવ્યસ્ત કપડાંમાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યાં. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી : ‘મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો.’
મેટ્રને કહ્યું : ‘અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી.’ ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરતકાકીની સોડમાં લપાઈ.
માથે હાથ મૂકી અમરતકાકી રોજનો વહાલસોયો ‘બેટા’ શબ્દ ઉચ્ચારવા ગયાં ત્યાં એમનો સાદ ફાટી ગયો. મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યાં. આવા રુદનથી ટેવાઈ ગયેલાં દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં પણ ભરાઈ આવ્યાં. દીવાલો પણ ધ્રૂજી ઊઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી!
અને પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી : ‘લે, જોઈએ છે તારે?’ એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશભર્યા શબ્દો બોલી :
‘તું મારી પાસે રહીશને, બહેન? હું તને સારું સારું ખાવાનું આપીશ. નવાં નવાં કપડાં પહેરાવીશ.’
મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતાં ‘ચાલ આપું.’ કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખૂલું થઈ મંગુને ગળી ગયું.
‘મંગુ…. મંગુ…’ ની કાળજું કંપી જાય તેવી ચીસ અમરતકાકીએ ફરી નાખી.
દાકતરે આશ્વાસન આપતાં કહ્યું : ‘ઘરડાં બા!’ અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતાં જણાવ્યું : ‘આ તમારા દીકરા જેવો મને આ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો.’
આધેડ ઉંમરની; બાળવયથી વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતાં કહ્યું : ‘આજ સુધી તમે એનાં એક બા હતાં; આજથી હું એની નવી બા થઈ છું.’
અમરતકાકી ડૂસકું ભરતાં બોલ્યાં : ‘એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનાનું મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી…’ અને એમનો કંઠ રૂંધાઈ ગયો.
મેટ્રન : ‘એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે.’ અમરતકાકીનું ડૂસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યાં : ‘એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો; દૂધ ના હોય તો દાળમાં.’
અમરતકાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નીચી દષ્ટિ રાખીને કહ્યું : ‘સારું.’
અમરતકાકી : ‘એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજેત્રીજે દહાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.’
અમરતકાકી અને દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડબામાં પગ મૂકતાં અમરતકાકીને સાંભરી આવ્યું – દવાખાનામાં સૂવા ખાટલો આપતાં હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે.
મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભરી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલાં છે, એવી ખાતરી અમરતકાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધાં ન હતાં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને?
એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું; ભૂતની માફક ભમતી ગંદી, જથરતથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યાં. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી : ‘કેમ બા, રડો છો? કોઈનું મૈણું થાય છે?’
રાત્રે પોણા અગિયાર વાગ્યે ઘેર આવ્યાં ત્યારે એમની વાટ જોતી પડોશણ, જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળુ કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઊપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. અમરતકાકીના અંતરમાં એક જ તંબૂરો વાગી રહ્યો હતો – મંગુ અત્યારે શું કરતી હશે?
પળે પળે એ જ વિચાર એના હૈયાને વીંધી રહ્યો હતો : કેટલી ઠંડી છે? ઓઢાડ્યું હશે ? પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યાં હશે? જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યાં : ‘બેટા! પેશાબ ન કરતી. ઓઢાડેલું કાઢી ન નાખતી.’ આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતાં, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતાં.
મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતાં, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરતકાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું : મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે? એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું : હું મા થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી! એમનાથી ડૂસકું ભરાઈ ગયું. અમર કથાઓ
બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. માનાં ડૂસકાં સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં : પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો.
એનું હૈયું પોકારી ઊઠ્યું : માનું આ દુ:ખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી : હું મંગુને જીવતાં સુધી સારી રીતે પાળીશ, વહુ એનાં મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ! એ સાથે વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો.
અમરતકાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યાં હોત, પરંતુ એ જંપી ગયેલાં લાગ્યાં એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીંચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ.
વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાંનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી : ‘ધાજો, રે….. ધાજો, મારી મંગુને મારી નાખી રે…..’
દીકરો ખાટલામાંથી ઊછળી પડ્યો. પાડોશી દોડી આવ્યાં. ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યાં અને આવ્યાં તેવાં હબકી ગયાં :
અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં!

દોસ્તી વાર્તા 

6 . સિંહની દોસ્તી વાર્તા 

ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે , નમતા બપોરે દરબાર માત્રા વાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતાં આ રાજા – રાણીને દરબાર જોઈ રહ્યા.
સિંહ અને સિંહણ પાણી પીવા ઊતર્યા ; પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણ કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી , પણ એની કારી ફાવી નહિ. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ – પાછળ ગયો , પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેલૂરમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથીય વરતાઈ આવતી હતી.
દરબાર ક્યારનાય આ દૃશ્ય જોઈ રહ્યા હતા.
સિંહ હવે શું કરશે એ જોવા – જાણવાની એમની ઇચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું : “ તમતારે સૌ જાવ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે, એ મારે જોવું છે. મારે માટે વાળુય અહીં લેતા આવજો. ”
સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહિ. રાત આખી નદીના ખળખળ વહેતાં પાણી સામે એ સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રા વાળા પણ એ વિજોગીને જોતાં બેઠા રહ્યા. ‘’આ જાનવરનેય એકબીજા માટે કેવાં હેતપ્રીત છે ! ” દરબારના મનમાં વારેવારે આ વિચાર આવ્યા કરતો હતો.
આમ ને આમ બે – ત્રણ દી ’ નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીનાં ઘૂમરી લેતાં પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. માત્રા વાળા પણ સિંહને જોતા – જોતા ખેતરમાં જ રાત – દી ‘ રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઊભરાતું હતું.
બે – ત્રણ દી ’ થયા ને એક દી ‘ પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા . મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો ; પછી વળી થોડો પાછો આવ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો .
સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો . જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો , પણ મગરનું જોરેય કંઈ ઓછું ન હતું . પોતાની પૂંછડીથી સિંહને ભિડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો . બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા . ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો , તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો.
ગામનાં લોકો પણ ખબર પડતાવેંત રૂંવાડાં બેઠાં કરી દેતું આ દૃશ્ય જોવા સીમમાં દોડી આવ્યાં હતાં. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતાં હતાં. આશરે એક કલાક સુધી આ જીવસટોસટનો જંગ ખેલાયો.
આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો. પણ આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો , તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો.
#અમર_કથાઓ
દરબાર માત્રા વાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી . સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠયું. જયાં સિંહ પડ્યો હતો , ત્યાં જવા એ ઊભા થયા .
ગામલોકોએ એમને વાર્યા , પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહિ. નદીની ઊંચી – ઊંચી ભેખડો ઊતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહનાં જખમ સાફ કર્યા , વનસ્પતિનાં પાંદડાં વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો .
થોડીવારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા – ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મિંચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભોય થયો ; પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી, એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો.
દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભાપગે સિંહની સેવા – ચાકરી કરી. દરબારનાં પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે ?
એ તો માત્રા વાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જયાં જાય , ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય ; દરબાર ખેતરેથી ઘેર આવે, ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણાં ઘરોમાં કૂતરાની ચોકી તો હોય , પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી !
એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઇરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા . સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક – બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા.
આ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. માત્રા વાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એક વાર દરબાર માત્રા વાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આઘોપાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઊઠ્યા જ નહિ .
એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે દી ‘ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠુ. દરબારની સ્મશાનયાત્રામાં સિંહ પણ જોડાયો ! સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ.
અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો , તે હવે ત્યાં નહોતા.
આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી.

7 . શેઠની ચતુરાઈ 

અરધી રાતનો ગજર ભાંગ્યો. માણસને પોતાનો હાથ નો સૂઝે એવી મેઘલી રાત છે. ચોહલાં પાડી લ્યો એવા અંધારામાં શેઠ કરમચંદ પોતાના ઓરડામાં સૂતા છે.
પડખે શેઠાણી પોઢ્યા છે.
દીવાનો ઝાંખો પ્રકાશ દીવાલું માથે અજવાળું લીંપી રહ્યો છે. શેરીમાં કૂતરા જોરજોરથી ભસી રહ્યા છે.
શેઠની ઊંઘમાં ખલેલ પડી, જોરથી ભસતા મોતીના અવાજે શેઠ જાગી ગયા. ઉપર જોયું … પરથમ નળિયાં ખસેડવાનો અવાજ સાંભળ્યો, પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો. શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યાં અને ઉપર જોવા ઇશારત કરી. શેઠાણી હબકી ગયાં. એ પોકરાણ પાડી દેકારો કરે એ પહેલાં શેઠે મૂંગા રહેવા ઇશારો કર્યો.
એટલી વારમાં તો ચોરના પગ મેડી માથે અટક્યા. શેઠે ખોંખારો ખાઈ દિવાની વાટ સંકોરી અને શાંતિથી ઉમળકાભેર આવનાર ચોરને કહ્યું , “આવો ! પધારો ! જાળવીને ઊતરજો. કેટલા દીથી તમારી વાટ જોતા હતા”
ચોરને નવાઈ લાગી : આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ ચોરને ? ચોર મૂંઝાઈને હેઠે ઊતર્યો.
શેઠે શેઠાણીને કહ્યું , “જો , ભગવાને સામું જોયું. લે , પરભુએ તારી અરજ સાંભળી. દીકરો – દીકરો કર્યા કરતી’તી ને , તે દીનાનાથ દીકરો દીધો : જુવાનજોધ દેવના ચક્કર જેવો ! ”
શેઠાણી અવાચક થઈ ગયાં. શેઠની વાત તેને સમજાણી નહિ
શેઠે કીધું “ જોઈ શું રહ્યાં છો ? દીકરાને વધાવો ! ગાદીતકિયા માથે બેસાડો ! ચાંદલો કરો ચોખા ચોડો ! દીકરાનું મોટું મીઠું કરાવો ! જલદી કરો , શેઠાણી ! વેળા વીતી જાય છે.
શેઠે ચોરને કહ્યું , ” આવ , દીકરા , આવ ! અહીં તકિયા માથે બેસ . તું તો દેવનો દીધેલ છો ? “
ચોરને થયુ ચોરી કરવી , રાતનું ભટકવું , જીવનું જોખમ ખેડવું . પકડાઈને પોલીસનો માર ખાવો એના કરતાં તૈયાર ગાદી માથે બેસી શેઠનો દીકરો થવામાં શો વાંધો ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો , “ શેઠ ! દયા તો ભગવાને મારા માથે કરી છે … તમારાં જેવાં મા – બાપનો મેળાપ કરાવ્યો ! ”
ચોર શેઠ – શેઠાણીને પગે લાગ્યો . શેઠે તેને પ્રેમથી ગાદી માથે બેસાડ્યો . શેઠાણીએ દીવો થાળીમાં મૂક્યો , કંકાવટી રાખી , ચોખા મૂક્યા .
શેઠ કહે , ‘ ગગાનું મોઢુ મીઠું કરવા ગોળ મૂકો .
શેઠાણીએ ડબામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો .
રાણી – છાપનો ચાંદીનો એક રૂપિયો શુકનનો રાખ્યો .
પછી શેઠાણીએ આવી પરથમ ચોરને પાણી પાયું .
પછી કંકાવટીમાંથી કંકુ લઈ ચાંદલો કર્યો . માથે ચોખા ચોડ્યા . મોઢું મીઠું કરાવી પુત્રનાં ઓવારણાં લીધાં .
ચોરને ધરપત થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું સાચા ઘરે .
શેઠ શેઠાણીને કહે , ” હવે બેસો નિરાંતે.
જુઓ , ભગવાને ઘણાં વરસે દીકરો દીધો છે .
હવે આપણે એનું નામ પાડવાનું છે . ”
શેઠાણી કહે , ” મેં તો નક્કી કર્યું છે – અમીચંદ .”
શેઠ કહે , “ ના , નૂરમહંમદ.”
શેઠાણી કહે , ” તમે ગાંડા થયા ? આપણામાં નૂરમહંમદ નામ હોતું હશે ? નેમચંદ હોય , ફૂલચંદ હોય , રતિલાલ હોય . સારું પાડવું હોય તો પ્રવીણચંદ્ર હોય.”
“નૂરમહંમદ ! ” શેઠે જોરથી રાડ્ય પાડી , હા નૂરમહંમદ . . . નૂરમહંમદ ! “
“અરે ! પ્રીતમલાલ નામ પાડો !” શેઠાણીએ આજીજી કરી , પણ શેઠ ધુંવાફુંવા થઈને બોલ્યા , ” નૂરમહંમદ ! એક વાર નહિ , સાત વાર નૂરમહંમદ ! “
હવે પડખે જ ફોજદારસાહેબ રહેતા હતા. એમનું નામ નૂરમહંમદ હતું. ઉપરાઉપર ત્રણચાર વાર શેઠ નૂરમહંમદનું નામ બોલ્યા એટલે નૂરમહંમદ તરત જ ઊઠી ખભે રીવૉલ્વર લઈ શેઠની ખડકીએ પહોંચ્યા અને ખડકી ખખડાવી , “ શેઠ , ખોલો તો ! “
અવાજ આવતાં શેઠાણીએ ખડકી ખોલી. ફોજદાર નૂરમહંમદે પૂછ્યું : ” શેઠ , શું રાડ્યું પાડો છો ? “
શેઠે માત્ર પુત્રરત્ન પ્રત્યે આંગળી ચીંધી. નૂરમહંમદે ઉપર છતમાં ખસેડાયેલાં નળિયાં જોયાં , ગાદી માથે બેઠેલા માણસને જોયો , ત્યાં બધું સમજી ગયા . ઉપાડીને એક લાફો વળગાડ્યો ત્યાં ચોર અલગોઠિયું ખાઈને ગાદી પરથી ફળિયામાં પડ્યો.
ચોર કહે , “ભાઈસાબ , મારો માં !” આટલો દેકારો થયો ત્યાં જમાદાર અને રામદાસ મા’રાજ આવી પહોંચ્યા . ચોરના મોઢામાંથી ફોજદારે થપાટ મારી ને ગોળનો ગાંગડો પડી ગયો .
ફોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથકડી પહેરાવી , સાથે રહેલા પોલીસે ચોરને બાંધ્યો અને ઉપાડ્યો સાથે.
શેઠે ચોરને કીધું , “ બેટા , સુખેથી રે’જે અને કોઈ જાતના ઉધામા કરતો નહિ. ભગવાન સુખી રાખશે. જે રસ્તો તેં લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ પૂરો થાય છે.”

પ્રેણાદાયક વાર્તા 

8 . ખાનદાની વાર્તા 

“હલ્લો ! વીજળીવાળા સાહેબ બોલે છે ? ” ફોન પર કોઈનો ગભરાટ ભર્યો અવાજ સંભળાયો.
સવારના સાડાસાત વાગ્યા હતા. ફોન કરનાર માણસ ખરેખર ખૂબજ ચિંતામાં હોય એવું લાગતું હતું. ફોન જાફરાબાદથી હતો.
“હા, હું ડૉ. વીજળીવાળા બોલું છું. બોલો, શું કામ છે ? ” મે કહ્યું.
“સાહેબ, મારો મોટો દીકરો લલિત સવારથી એના બન્ને પગ દુ:ખવાની ફરિયાદ કરે છે. શું કરવું ? મને ખૂબ ગભરાટ થાય છે. જાફરાબાદથી હું શામજીભાઈ બોલું છું ” સામેથી અવાજ આવ્યો.
શામજીભાઈ મારા ખૂબ જુના દર્દી. હમણાં જેના અંગે એમણે વાત કરી એ લલિતથી નાના એમનાં એક દીકરાને હૃદયની બીમારી હતી. એ વખતે અમદાવાદ સિવિલમાં એનું ઓપરેશન કરાવેલું, પરંતુ કમનસીબે ઓપરેશન પછી થોડા વખતમાં એ દીકરો અચાનક જ ગુજરી ગયેલો. લલિત સૌથી મોટો, અગિયાર વરસનો. એને એજ અરસામાં કંઈક થાય તો સ્વાભાવિક છે કે શામજીભાઈને ચિંતા થાય જ.
પણ આ ઉમરનાં બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય છે. રમતા હોય, સાયકલ ફેરવતા હોય એટલે એમનામાં પગ દુખાવાની ફરિયાદ ઘણી વાર રહેતી હોય છે. મને ચિંતા એ વાતની થઇ રહી હતી કે આવા મોટા ભાગનાં દુ:ખાવા વધારે રાત્રે જ થતા હોય છે. સવારમાં ઊઠતાવેંત આ ફરિયાદ રોગ સૂચવતી હતી.
છતાં એમને શાંતિ થાય અને કોઈ નિષ્ણાતનો અભિપ્રાય મળી જાય એ આશયથી મેં કહ્યું કે, “ શામજીભાઈ ! તમે ચિંતા ન કરો, તમારા દીકરાને કોઈ લોકલ ડોક્ટરને બતાવી દો, લગભગ તો પગનાં સ્નાયુનો દુખાવો હોઈ શકે, બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય એટલે આવું થતું હોય છે. કદાચ સામાન્ય દવાથી જ સારું થઇ જશે. તેમ છતાં વધારે તકલીફ દેખાય તો ભાવનગર લેતા આવજો.” એમને આટલું સમજાવીને મેં ફોન મૂક્યો.
મોટેભાગે તો આવા બાળકો સાદી દવાથી જ સારાં થઇ જતાં હોય છે. પણ શામજીભાઈ આટલા બધા ગભરાયેલા શું કામ લાગતા હતા એ મને નહોતું સમજાતું. મેં ફોન મૂક્યો છતાં વારંવાર આ વાત મારા મગજમાં ઘુમરાયા કરતી હતી. અમરકથાઓ
આ પચીસેક વરસના અનુભવ પરથી મને બરાબર સમજાઈ ગયું છે કે દરેક માતાપિતાને કુદરતે એક છઠ્ઠી ઇન્દ્રિય આપેલી હોય છે. પોતાના બાળકને આજે કાંઈક વધારે પડતું છે. એની સમજ એ લોકોને આપોઆપ પડી જ જતી હોય છે. શામજીભાઈના અવાજમાં પણ એ પ્રકારની દહેશત સ્પષ્ટ જણાઈ આવતી હતી. એમનો અવાજ જ કહેતો હતો કે નક્કી લલિતને થઇ રહેલો પગનો દુ:ખાવો સાદો તો નથી જ ! આ બધા વિચારોમાં અટવાતો હું હજુ તો ચા પૂરી કરું એ પહેલાંજ …
શામજીભાઈનો ફરીથી ફોન આવ્યો , ” સાહેબ ! લલિત ઊભો થવા ગયો પણ ન થઇ શક્યો. મને લાગે છે કે એના પગમાં કાંઈક વધારે તકલીફ ઊભી થઇ લાગે છે. હું એને લઈને ત્યાં આવવા નીકળી જાઉં છું. ”
બસ, એટલું કહીને એમણે ફોન મૂકી દીધો. મને હવે બરાબર સમજાઈ ગયું કે શામજીભાઈનાં અવાજમાં આટલી દહેશત પ્રથમ ફોન વખતે શું કામ હતી. એમને ખ્યાલ આવી જ ગયો હતો કે લલિતનો રોગ સાદો નહોતો જ. એટલે જ એમના અવાજમાં એક ધ્રાસ્કો ભળેલો હતો. એમને વાત પરથી મને પણ ખાતરી થઈ ગઈ હતી કે લલિત કોઈ વધારે મોટી તકલીફમાં સપડાયો છે.
હું લલિતનાં નિદાન અંગે વિચારવા લાગ્યો.
એ છોકરાના લક્ષણો પરથી એને ગુલેન – બારી નામનો એક ભયંકર રોગ હોવાની સંભાવના હતી. એ રોગમાં અમુક વાયરસ ( વિષાણું ) નાં ચેપ પછી ચેતાતંત્ર પર ખૂબજ વિપરીત અસર થતી હોય છે. ચેતાઓની ઉપર આવેલું સફેદ પડ ઊખડી જવાના કારણે ધીમે ધીમે આખા શરીરને લકવો – પેરાલિસિસ થઇ જાય છે. જો મગજ આ રોગની ઝપટમાં આવી જાય તો પછી દર્દીની જિંદગી પણ જોખમમાં મૂકાઈ જાય છે.
આ રોગ સામે એક ખૂબજ અસરકારક એવી આઈ.વી.આઈ.જી. નામની દવા ઉપલબ્ધ છે. પણ કઠણાઈ એ છે કે એ ખૂબ મોંઘી મળે છે. એક ઈન્જેકશનનો ભાવ લગભગ ૮૦૦૦ રૂપિયાથી વધારે થાય છે. લલિતને જો એજ રોગ હોય તો એની ઉમર પ્રમાણે એને લગભગ ૪૦૦૦૦ – રૂપિયા ચાલીશ હજારથી વધારે ખર્ચો ફક્ત ઇન્જેકશનનો થઈ શકે.
શામજીભાઈની આર્થિક પરિસ્થિતિ આ બોજ ખમી શકશે કે કેમ તે અંગે વિચારતો હું તૈયાર થઈને ૮-૩૦ વાગ્યે હોસ્પિટલ પહોંચ્યો. દાખલ થયેલા દર્દીઓને જોવા હું રામ નર્સિંગ હોમ નામના નર્સિંગ હોમ ગયો.
નર્સિંગ હોમમાં દાખલ થયેલાં દર્દીઓનો રાઉન્ડ મેં પૂરો કર્યો એટલી વારમાં જ શામજીભાઈ ટેક્ષી કરીને ભાવનગર પહોંચી ગયા. લલિતને તેડીને ટેક્ષીમાંથી ઉતારવો પડ્યો. એને તેડીને નર્સિંગ હોમના પગથિયાં ચડાવતી વેળાએ એના લબડતા પગ જોઇને જ મને મારી શંકા વાસ્તવિકતાનું સ્વરૂપ લેતી જતી હોય એવું લાગ્યું .
મેં એને ટેબલ પર સુવડાવ્યો. એને તપાસ્યા પછી તો મારા નિદાનમાં શંકાને કોઈ સ્થાન જ નહોતું.
લલિતને ગુલેન – બારી ( Guillain Barré syndrome ( GBS )) થયો હતો. એના બન્ને પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. બંને પગનો પેરાલિસિસ થઇ ગયો હતો. લલિતને તપાસીને હું શામજીભાઈ સામે ફર્યો.
આવી વાત છોકરાના બાપને કઈ રીતે કહેવી એની અવઢવ થઇ આવી. તેમ છતાં વાત કર્યા વિના પણ છૂટકો નહોતો. મેં કહ્યું , “શામજીભાઈ ! લલિતને એક એવો રોગ થયો છે કે જેમાં એના આખા શરીરમાં પેરાલિસિસ થઈ શકે. અત્યારે જે અશક્તિ અને પેરાલિસિસ ફક્ત પગમાં જે દેખાય છે એ ધીમે ધીમે આગળ વધશે. આ રોગની સારવાર માટે અને પેરાલિસિસને આગળ વધતો અટકાવવા માટે એક ખાસ પ્રકારના ઇન્જેક્શન આપવા પડશે. અને એ ઈન્જેકશન ખૂબ મોંઘા આવે છે. ”
” કેટલાક મોંઘા સાહેબ ? ” શામજીભાઈએ પૂછ્યું.
“આપણે અત્યારે જ લગભગ ચાલીસેક હજાર રૂપિયાનાં ઇન્જેકશન જોઇશે. વ્યવસ્થા થઈ શકશે ? ” મેં સાશંક પૂછ્યું.
” સાહેબ ! હું તો સાડા આઠ હજાર રૂપિયા લઈને નીકળ્યો છું. અત્યારે તો હું પહોંચી શકું તેમ નથી. થોડોક સમય મળી જાય તો ઉછીના – પાછીના પણ કરી શકાય કે કંઈક વ્યવસ્થા કરી શકાય. બાકી … અત્યારે તો તમે જે કરો તે ! ” શામજીભાઈ બોલ્યા.
અમે વિચારમાં પડી ગયા. અમારી પાસે વધારે સમય તો હતો જ નહીં. કારણકે આ રોગમાં ૭૨ કલાક સુધી પેરાલિસિસ ઝડપભેર વધતો જાય એવી પૂરી શક્યતા હતી. શામજીભાઈ પાસે જેટલા પૈસા હતા એમાંથી ફક્ત એકજ ઇજેક્શન ખરીદી શકાય તેમ હતું. પરંતુ અમારે તો એવા પાંચ ઇજેક્શનની જરૂર હતી.
” સાહેબ ! શું કરશું ? મારા લલિતને સારું થઈ જાશે ? ” શામજીભાઈએ ધ્રાસ્કાવાળા અવાજે સવાલ કર્યો.
પોતાનો દીકરો વધારે પડતો સિરિયસ છે એની એમને ખાતરી થઈ આવી હતી. નબળાં એંધાણ જોઈ ગયેલા માણસના ચહેરા પર જે ભાવ આવે એ બધાંજ એમના મો પર છવાઈ ગયા હતા. મેં એમની સામે જોયું. લલિત સારો થઇ જશે એવું કહ્યું પણ ખરું, પરંતુ ‘ કઈ રીતે ? એ તો મને પણ નહોતી ખબર. અમર કથાઓ
પરંતુ ભવિષ્યની ચિંતા ઉપરવાળા પર છોડીને મેં લલિતને દાખલ કરી દીધો. મુખ્ય ઇજેક્શન સિવાયની બાકીની સારવાર શરૂ કરાવી. પરંતુ મારા મનને શાંતિ નહોતી થતી. મેં મારા મિત્રોને ફોન કર્યો. મારા બે દરિયાદિલ મિત્રો શ્રી મનીષભાઈ રાઇમગિયા તથા શ્રી સંદીપભાઈ સોપારીયા કોઈ વિગત પણ પૂછ્યા વિના દસ – દસ હજાર રૂપિયા આપી ગયા. બાકીના દસ હજાર મેં મારા ખિસ્સામાંથી નાખ્યા. આદિત્ય મેડીકલ સ્ટોરવાળા શ્રી હિતેશભાઈએ આઈ.વી.આઈ.જી. બનાવતી કંપનીનાં રિપ્રેઝન્ટેટિવ સાથે વાત કરીને અમને ઈજેકશનની કિંમતમાં ખૂબ ફાયદો કરાવી દીધો.
બધાના સહિયારા પ્રયત્નોને કારણે બરાબર સાડા અગિયાર વાગ્યે અમે લલિતને આઈ.વી.આઈ.જી.નું પહેલું ઇજેક્શન નસમાં આપવાનું શરૂ કર્યું. એ બે – ત્રણ જ કલાકમાં એનાં બંને હાથમાં પેરાલિસિસની શરૂઆત થઇ ચૂકી હતી.
એ પછી થોડા કલાકો અમે ફડકા સાથે વિતાવ્યા. અમને બીક તી કે કદાચ દવાની અસર શરુ થાય એ પહેલા રોગ શ્વાસના કેન્દ્રો સુધી પહોંચી જશે તો લલિતને બચાવવો મુશ્કેલ થઇ પડશે. પરંતુ એવું ન બન્યું. બે દિવસે ઇન્જેકશનનો કોર્સ પૂરો થયો ત્યાં સુધીમાં રોગે પણ આગળ વધવાનું બંધ કરી દીધું હતું. ચોથા દિવસ પછી તો એનો એક પગ પણ ધીમે ધીમે હલવા માંડયો. અમારાં બધાનાં આનંદનો પાર ન રહ્યો. સાતમાં દિવસે લલિતે થોડા ડગલાં પણ માંડ્યા.
આઠમાં દિવસે અમે એને રજા આપવાનું નક્કી કર્યું.
મારે તો કાંઈ ચાર્જ લેવાનો નહોતો. ( આમેય ચમત્કારિક રીતે બચ્યા હોય એવા સિરિયસ દર્દીઓનો હું ક્યારેય ચાર્જ નથી લેતો. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા જ્ઞાન કરતાં પણ કોઈ અગમ્ય શક્તિની મદદથી જ બચી જતા હોય છે અને એટલે એ પૈસા લેવાનો મને અધિકાર નથી. )
રામ નર્સિંગ હોમવાળા ડૉ. રાણીંગા સાહેબે પણ ઘણી રાહત કરી આપી. અને સૌના સહિયારા પ્રયત્નો તેમજ સમયસર દવાઓ મળી જવાથી મોતને પણ હરાવીને પાછો આવેલો લલિત એના બાપુજીના ટેકે ટેકે હોસ્પિટલમાંથી ઘરે જવા નીકળ્યો ત્યારે અમારા સૌના મનમાં પણ હરખની હેલી ચડી આવી હતી.
એને રજા આપીને હું નર્સિંગ હોમમાંથી બહાર આવ્યો. મારી ગાડીમાં બેઠો. હું ગાડી સ્ટાર્ટ કરું એ પહેલા લલિતને રોડના સામા કાંઠે ઊભો રાખીને શામજીભાઈ મારી પાસે આવ્યા, જોડે એમના ભાઈ હતા. બે હાથ જોડીને બોલ્યા, સાહેબ ! મારો લલિત સાજો થઈ ગયો ! તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે. તમે જો મદદ.. ” એ આગળ ન બોલી શક્યા.
મેં એમના હાથ પકડી લીધા, આગળ બોલવાની ના પાડી. પણ એ વખતે હું પણ બોલી શકું એવી હાલતમાં હતો જ નહીં. મેં ફક્ત આકાશ સામે આંગળી ઊંચી કરી. પછી થોડાક સ્વસ્થ થઈને કહ્યું , ” શામજીભાઈ ! બધું કરનાર તો ત્યાં ઉપર બેઠો છે ! આપણે તો બસ મહેનત કરવાના અધિકારી. એનો પાડ માનો કે આપણી મહેનત કામ આવી ! ”
થોડીવાર પછી શામજીભાઈ પણ સ્વસ્થ થયા. એમણે કહ્યું, ‘ સાહેબ ! હું બને તેટલો જલદી તમારા પૈસાની વ્યવસ્થા કરીને તમને પાછા આપી જઈશ. ચાલો ત્યારે, અમે નીકળીએ. ’ એમની આંખો ભીની થઇ ગઈ.
“નહીં શામજીભાઈ ! ‘ હું બોલ્યો, ‘ તમારે એ પૈસા મને પાછા નથી આપવાના. એ તો અમારાં બધાં તરફથી લલિતને અમે આપેલી ભેટ ગણવાની છે. એટલે એ પૈસાની હવે ચિંતા નથી કરવાની. એ તો તમે ભૂલી જ જજો. ’
‘ નહિ સાહેબ ! એ તો મારે દૂધે ધોઈને આપવાના હોય ! ‘ એમણે કહ્યું, એ ન આપીએ તો નગુણા કહેવાઈએ. એટલે એ તો હું આપી જ જઈશ. ”
‘‘ ના શામજીભાઈ ! જરાય નહીં ! ” ઘસીને ના પાડી, ‘ તમારે એ પૈસા પાછા આપવાના જ નથી અને ખોટો ધક્કો પણ નથી ખાવાનો. બસ, એ વાત જ ભૂલી જજો ! અને ઈશ્વરનો આભાર માનજો. ચાલો , આવજો ત્યારે ! ” એમને પૈસા પાછા આપવા આવવાની સ્પષ્ટ ના પાડી, એ લોકો સામે હાથ હલાવી હું ઘરે આવવા વળ્યો.
શામજીભાઈએ પણ વધારે કાંઈ દલીલ ન કરી.
બીજાના હાથમાં લબડતી લાશની જેમ ઊંચકાઈને આવેલો લલિત હળવે હળવે પોતાની જાતે રિક્ષામાં બેઠો એ સુભગ દૃશ્ય મમળાવતાં મેં કાર મારા ઘર તરફ લીધી. એક મહિના પછી શામજીભાઈ લલિતને બતાવવા આવ્યા. મારી ઓપીડી પૂરી થઈ ત્યાં સુધી બહાર બેઠા. મેં સૌથી છેલ્લે લલિતને તપાસ્યો. હવે એ ખાસ્સો સારો થઇ ગયો હતો. કોઈ પણ જાતના ટેકા વિના ચાલી શકતો હતો. અગિયાર વરસનો એ દીકરો ખુબજ મીઠું હસતો હતો. મેં થોડી જરૂરી દવાઓ લખીને એમને રવાના કર્યા.
એ લોકો ગયા પછી મારું એ દિવસનું કામ પતાવીને લગભગ એકાદ કલાક પછી હું બહાર નીકળ્યો. જોયું તો વેઈટીંગ રૂમમાં શામજીભાઈ અને લલિત હજુ બેઠા હતા.
‘ કેમ શામજીભાઈ ! હજુ ગયા નથી ? હવે તો જાફરાબાદની બસ પણ જતી રહી હશે. ’ પૂછ્યું.
શામજીભાઈ ઊભા થઈને મારી પાસે આવ્યા. પછી ધીમેથી બોલ્યા, ‘ સાહેબ ! મારી પાસે થોડાક પૈસાની ફર્ય ( સગવડ ) થઇ છે. એટલે આપવા માટે આવ્યો છું. ”
‘ કેમ ? આપણે તો વાત થઇ હતી કે તમારે એ પૈસા પાછા નથી આપવાના, તો પછી શું કામ લાવ્યા છો ? અને આટલા બધા પૈસાની આટલા ટૂંકા ગાળામાં સગવડ કરી કઈ રીતે ? ક્યાંક વ્યાજે તો નથી લીધાને ? ” મેં પૂછ્યું.
કોઈ વ્યાજે પૈસા લઈને આવે એ હું ક્યારેય સહન કરી શકતો નથી. વ્યાજનાં ચક્કરનું વરવું સ્વરૂપ મેં મારી વીતેલી જિંદગીમાં નજરે જોયું છે. એટલે વ્યાજ શબ્દ તો મારા માટે એક બિહામણા સપનાનો પર્યાય બની ચૂક્યો છે. ના સાહેબ ! પૂરાં પૈસા નથી લાવ્યો અને વ્યાજેય નથી લાવ્યો. ખાલી ત્રણ હજાર રૂપિયાની ફર્ય થઇ છે આ મહિને એટલું કામ થયું છે એટલે એટલાં જ લાવ્યો છું. શામજીભાઈ બોલ્યા.
હું છક થઇ ગયો. કરોડો રૂપિયા પાસે હોવા છતાં ફક્ત થોડાંક લાખની લોન ન ચૂકવતા કહેવાતા શ્રીમંતોનાં મોં પર આ માણસનો જવાબ એક લપડાક સમાન હતો.
રાત દિવસ કટકીનો કારોબાર ચલાવતા હોવા છતાં કામવાળા કે નોકરને પગારથી વંચિત રાખતા અને પૈસાદાર હોવાનો દેખાવ કરતા લુચ્ચાઓ કરતા મને આ સાવ સાદો માણસ વેંત ઉંચો લાગતો હતો.
એ પછી ઘણી રકઝક થઇ. મેં ખૂબ ના પાડી. પણ શામજીભાઈ તો જાણે કે સાહેબને પૈસા આપ્યા વિના જાફરાબાદનું પાણી ન પીવાના સોગંદ લઈને નીકળ્યાં હોય એમ કાંઈ સાંભળવા જ તૈયાર નહોતા, માણસો માગવા છતાં પૈસા નથી આપતા જયારે અહિયાં હું સતત ના પાડતો હતો તેમ છતાં જાણે પોતાની ધૂનમાં બીજું કાંઈ સાંભળવું જ ન હોય એમ શામજીભાઈ આગ્રહ છોડતા જ નહોતા. વારંવાર કહેતા હતા કે , “સાહેબ ! બાકીની રકમ પણ હું કટકે કટકે આપી દઈશ ! ”
હું ગળગળો થઇ ગયો. મેં એમનો હાથ પકડીને કહ્યું , ‘ બસ , શામજીભાઈ, બસ ! તમે આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું. હવે તમારે કાંઈ જ આપવાનું રહેતું નથી. અને એના માટે હવે ક્યારેય ધક્કો પણ ખાવાનો નથી. અને બાકી રહી વાત આ ત્રણ હજાર રૂપિયાની, તો આ ત્રણ હજાર રૂપિયા પણ અમારા તરફથી લલિતને ભેટ રૂપે ગણી લેજો. અને હવે પછી એ ભૂલી જજો કે અમે તમને મદદ કરી હતી.
અરે ભલા માણસ ! અહિયાં કોણ કોને મદદ કરે છે એ આપણને કોઈ દિવસ ખબર જ નથી પડતી. એટલે હવે એ બધો હિસાબ આજે પૂરો થયેલો ગણજો. ” એટલું કહીને મેં માંડ એમને પાછા મોકલ્યા. શામજીભાઈ અને લલિત ગયા. હું ઘડીક ત્યાજ ઊભો રહી ગયો. મારા મનમાં થતું હતું કે ખરેખર, શામજીભાઈ જેવાં માણસોને કારણે જ આ દેશ મહાન બન્યો હશે. અને આવા લોકોને કારણેજ આ દુનિયા પણ ટકી રહી હશે. બાકી તો એ ક્યારની રસાતાળ ગઈ હોય ! અમરકથાઓ
  

9 દીકરો લોકકથા 

” આપા દેવાત! આ તમ સારુ થઇને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.”
એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુંનું પડતલું ધરે છે અને જાણે કોઇ ખાંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકું હલાવે છે. એની સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.
ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે:”આપા દેવાત! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમારા સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા!” થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.
“—ને આ ઊનની દળી—“ એમ કહેતા ત્રીજા ભાઇ આગળ આવે છે: “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઇ પડશે. ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હો!”
ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાનાં આઇને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઇ છે. દેવાતને રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.
આઘેની એક થાંભલીને ડિલ ટેકવીને એક આઘેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે: “કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઇ ? જેની આટલી બધી ભાટાઇ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક?”
“ચૂપ, ભાઇ ચૂપ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”
“હું? મારા આંબાની કેરિયું ? હું દેવાતને ડરથી દેવા જાઉં? ના,ના, એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા: કોણ રાંક, ને કોણ રાણા! આવી રજવાડી ભાટાઇ મારાથી તો ખમાતી નથી.” બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલો વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું.
 ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું:
“ઇ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો?
ઉઘાડું બોલો ને, બાપા!” ”આપા દેવાત વાંક!” આદમીએ થડ્ક્યા વિના જવાબ દીધો: “ઇ તો હું લાખો વાળો છું ને ભણું છુ કે કાઠીના દીકરા તો સહુ સરખા: છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઇ કરવા બેસી જાય, ઇથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે, હરખાવું નો જોવે.”
“આપા લાખાવાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !”
“તું તારે ચડી આવજે, આપા દેવાત! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું , પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”
“લે ત્યારે, લાખાવાળા!” એમ બોલીને દેવાતવાંકે પોતાની અંજલિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું:” લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર…..”
“હાં…. હાં…. હાં…. ગજબ કરો મા, બા! ” એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું: “આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદર પેટ રાખવું જોવે.”
”ના ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે, હોકે!” એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઇને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો:” કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ગા વાળે ઇ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”
એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.
ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાયછે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાયછે: જાણે કોઇ ભૂતાવળ નાં છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યા છે. એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગક્ન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે. સતજુગના ઋષિ જેવા એક જૂના વડલા ની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠાં છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખી ને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે. નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોર ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. કુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનામાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે. !
એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતાં: શૂરવીર ને પ્રેમી હતાં.એ ગામના તોરણ બાંધનારો જ આ લાખા વાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.
લાખાપદર આવીને એણે ભાઇઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઇઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઇને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.
એ વાતને તો છ-આઠ મહિના થઇ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માંગી, પણ ઓઘડવાળો કહે: આપા, આજની રાત તો નહિ જાવા દઇએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે?” લાખો વાળો કચવાતે મને રોકાયો.
આંહી લાખાપાદરમાં શું થયું?
સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઇને આવેછે. ગામનો ઝાંપો બંધ કરી , આડાં ગાડાં ગોઠવી , લોકો હથિયાર લઇ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઇ, ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.
દેવાતનું કટક પડ્યું.
ઝાંપા ઉપર લાખાપાદરના કંઇક જુવાન કામ આવ્યા.
ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઇ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા મંડ્યા.
ગામમાં મસાણ જેવી શાંતિ છવાઇ ગઇ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઇ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઇને હાકલા કરવા મંડ્યો:
“કાઠી! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું ક્યે મોઢે બકી ગયો’તો!”
ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો: “આપા દેવાત! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.”
ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઇને લાખા વાળાની દીકરી હીરબાઇ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઇ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઇક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય એવી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ધૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું: ને હીરબાઇએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીને કાંઠા ગૂંજી ઊઠે એવો “તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઇ કંઇ વાર ગાયો હતો. ગાયું હતું કે:….

” ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે
એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યારે.
કાકો વાંચે ને દાદો રહરહ રોવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે
શીદને રોવોછો, દાદા, શું છે અમને કે’જો રે
દળકટક આવ્યું, દીકરી વારે કોણ ચડશે રે !
સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે!
હૈયે હિમ્મત રાખો, દાદા, અમે વારે ચડશું રે.”

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો!
દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઇ જઇને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઇને હાલશે!” પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા મંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઇની સામો રહ્યો.
ઓરડામાંથી મા કહે: ”બેટા હીરબાઇ, આંહીં આવતી રહે.” પણ હીરબાઇ શું જોઇ રહી છે?
તૈયાર ભાલો, તૈયાર બરડો, અને નિર્જન ફળિયું!
વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો.
ભચ દેતો ભાલો શરીર સોંસરવો ઉતરી ગયો.
દેવાતને ધરતી સાથે જડી દીધો.
નીચે ઊતરી દેવાતની જ તરવાર કાઢી હીરબાઇએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી: માડી, પછેડી લાવ્ય. ગાંસડી બાંધીએ.”
દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઇને ખબર ન પડવા દીધી.
ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઇ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે.
દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે:
” ગઢવી, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઇને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”
ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા!
‘હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું?
પરબારો શત્રુઓના હાથે જ મરીશ…
પણ એકની એક દીકરીના સમ!
ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે?
મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું? કાંઇક કારણ હશે! જાઉં તો ખરો.’
દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરી એ કહ્યું : ”બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઇ જઇને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.
દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું.
એણે દીકરીને માથે હાથ મૂક્યો: “બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના,ના, મારે તો દીકરો છે!!”
“અને મૂરખા દેવાત ! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડ્યું? પણ તારાં અભેમાન ક્યાં ઓછાં હતાં!”

                                                                                              —-  ઝવેરચંદ મેઘાણી 

10 ભાઇબંધી ——સૌરાષ્ટ ની રસધારા 

બહોળા ઘાસપાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રો વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા : વચ્ચે મીઠાં પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરૂ રોજેરોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે. એક ટાણુંય એકલો રોટલો ખાતો નથી.
એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરૂ દાતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લેવાય છે. એટલે માત્રો વરૂ ઘોડીઓનાં અંગેઅંગ ઉપર હાથ ફેરવી પોતાનાં પ્યારાં પશુઓની રેશમી રુવાંટી ઉપર ક્યાંયે ડાઘ તો નથી રહી ગયો ને, એની તપાસ કરી રહ્યો છે.
તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામરામ કર્યા. માત્રાભાઈએ સામા રામરામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચીંથરેહાલ છે. હાડકાંના માળખા જેવું શરીર છે, હજામત વધી ગઈ છે, છતાં એની અમીરાત અછતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેંતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે.
વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરૂએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રો વરૂ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાસિયો હોવો જોઈએ.
વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો.
“ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ
રાજા જદુવંશરા, બે ડોલરિયો દેશ.”
જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદ સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળનાં રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. બાર ગામના ભાયાતી તાલુકા નળિયાકોઠારાનો એ તાલુકદાર હતો. પણ કચ્છભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસંગનું પરગણું આંચકી લીધું.
હઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો, ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાંવહાલાંમાં ઘણા માસ ભટક્યો, આખરે પૈસેટકે ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઊતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રા વરૂને ઓટલે બેઠો છે.
માત્રા વરૂએ એનો તિરસ્કાર ન કર્યો, એને પૂછપરછ પણ ન કરી, કારણ કે દુઃખિયાને શરમાવવા જેવું થાય. માનપાનથી જાલમસંગને રાખ્યો, હજામત કરાવી, ખૂબ નવરાવ્યો-ધોવરાવ્યો, બે જોડ નવાં લૂગડાં કરાવી આપ્યાં. પોતાની સાથે જ બેસાડીને જમાડતા. જાલમસંગ પણ કાંઈ બોલતો નથી. મુખમુદ્રા પર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયાકોઠારા સાંભર્યા કરે છે અને –
“નીંદર ના’વે ત્રણ જણાં, કો’ સખિ, કિયાં?
પ્રીતવછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં.”
(હે સખી! કહે તો ખરી : ક્યાં ત્રણ જણાંને નિદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયાં હોય, જેનાં ઉપર ઘણાં કરજ (ઋણ) હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ ત્રણને નિદ્રા ન આવે.)
એ ન્યાયે જાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વીતાવે છે. આવી રીતે પંદર દિવસ વીત્યા. પછી તો જાલમસંગને શરમ આવી. એણે રજા માગી.
માત્રા વરૂએ કહ્યું : ‘ભાઈ, આંહીં ઈશ્વરે જાર-બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહિ પડો.’
જાલમસંગની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. એ ન રોકાયો. ચાલી નીકળ્યો. માત્ર વરૂએ પાશેર અફીણ, દસ રૂપિયા તથા બે જોડ લૂગડાં સાથે બંધાવ્યાં.
ચાલતો ચાલતો જાલમસંગ નાગેશરી ગામને પાદરે આવ્યો. થાકી લોથપોથ થઈ એક આટો પર સૂતો સૂતો વિચારે ચડ્યો : આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિય છું : મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતાં બહારવટું ખેડીને કાં ન પ્રાણ આપું? સદ્દગતિ તો થશે! અને કદાચ પ્રભુ પધારો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બહારવટું કરવું કેવી રીતે? મારી પાસે તરવાર તો છે, પણ ઘોડું ક્યાં?
હાં, યાદ આવ્યું. હેમાળે, માત્રા વરૂની ઘોડારમાં, આપશે? આપે નહિ! ત્યારે બીજું શું? ખા..ત…ર…? અરર! જેનું ખાધું એનું જ ખોદવું? પાપનો પાર રહેશે? કાંઈ વાંધો નહિ. પાછળથી એકને સાટે દસ ઘોડાં દઈશ.
મનસૂબો થઈ ચૂક્યો. જે દસ રૂપિયાની ખરચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધાં. લઈને પાછો હમેળાને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી, મધરાત થઈ. જાલમસંગ માત્રા વરૂના દરબારગઢની પછીતે (ભીંતે) જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા (બાકોરું ખોદવા) લાગ્યો. ગઢમાં તો બધાંય ઘસઘસાટ ઊંઘતાં હતાં. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું.
રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્રો વરૂ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જ એનો સાચો ગરાસ. માત્રા વરૂએ માણસોને ઉઠાડ્યાં, પહર ચારવા ઢોર છોડ્યાં. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય. એ રીતે માત્રો વરૂ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો.
જાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘલી રાત : માથે ખૂબ વરસાદ પડેલો : પવનના સુસવાટા પણ નીકળેલા : બંધાણી આદમી, જર્જરિત શરીર, તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી : એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થરથર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું.
ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણિયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રા વરૂએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈને પીધો, તોય શરદી ન તરી. શરદી ઊતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય! બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું?
ઓરડામાં નજર ફેરવી : રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે, તેમ ઓરડામાં ઊંચે ઢોલિયે સુંવાળી રેશમી તણાઈ અને હૂંફાળાં ઓઢણ દીઠાં. બેહોશ દેહ ધ્રૂજતો કાંઈ સમજ્યા વિના ઢોલિયે ધસ્યો. પણ ઢૂકડો જતાં જ થંભ્યો. જાણે આંચકો વાગ્યો. ઢોલિયે કોઈક સૂતું છે.
જબ્બર કાયા, નમણું ઘઉંવર્ણ મોઢું, થોડે થોડે ઘરેણે શોભતાં નાક, કાન ને લાંબી ડોક, ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઢાંકી બે આંખ : કેવાં અનોધાં તેજ એ આંખડીઓમાં ભર્યા હશે? એ બાબરિયાણી પોઢેલી હતી, ડુંગરામાં ભમનારી, શૂરવીરની ઘરનાર હતી : નિર્દોષ, ભરપૂર ને ભયંકર ! ફણીધરના માથા ઉપર મઢેલા મણિ જેવી. અમરકથાઓ
પણ જાલમસંગની આંખે અંધારાં હતાં. રજપૂતની નજર પારકાં રૂપ નીરખવાનું નહોતી શીખી. આ વાતનું એને ઓસાણ જ નહોતું, એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણું છે.
એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે, બનાવટી ગરમી હવે કામ કરતી નથી, જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. આંહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરું હોય, હે મધરાત! હે વિશ્વંભર! તમે સખિયા રે’જો.
પથારીમાં માત્રા વરૂનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ-ધમણ અને નસકોરાંની ધીર બંસી જેવો સૂર, એ સિવાય બધુંય શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો.
વચ્ચે ખુલ્લી તરવાર મૂકીને જાલમસંગે શરીર ઢાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઊઠી જઈશ એમ જાલમસંગના મનમાં થતું હતું, ત્યાં તો બંધાણીની આંખ બિડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી જ બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ! નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંધી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા.
પ્રભાત થયું, ત્યાં પહર ચારીને માત્રો વરૂ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તરવારની મૂઠ પર પડ્યો. નજરે જોયા પછી બીજી શી વાર હોય? બન્નેના કટકા કરવા એણે ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો, મૂઆ માણસના ભૂત જેવો.
આદમી ! પંદર દિવસ સુધી મારે આશરે પડેલો : મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો : આવા ઉપર આ બાબરિયાણી મોહે? આ મુડદાની ઉપર? અને આ સ્ત્રી-પુરૂષ વચ્ચે તલવાર શાની? કાંઈક ભેદ છે. મારીશ, પણ એક વાર ખુલાસાનો સમય આપીશ.
પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો, ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેબાકળી બેઠી થઈ ગઈ.
‘આ કોણ?’ માત્રાએ આંગળી ચીંધાડી.
પડખામાં સૂતેલા પુરૂષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી, એટલું જ બોલી શકી : ‘હું કાંઈ નથી જાણતી.’
‘ઠીક, જા, જલદી શિરામણ તૈયાર કર.’
સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરૂએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો, બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્રા વરૂએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા : કહ્યું : ‘ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે.’ અમરકથાઓ
મહેમાન જાગ્યો. આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા! પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે, રાવની ફોજને ધમરોળે છે, રાવને મહેલે ચડે છે – એવું સ્વપ્નું ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામું ખડું થયું, પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે!
પણ એ જાણે કાંઈયે બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું, ધોબા ભરી ભરીને માત્રો વરૂ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી. આગ્રહ કરી કરીને, સોગંદ આપી આપીને, માત્રા વરૂએ કસુંબો લેવરાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા : ‘બસ, માત્રા વરૂ, હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો.’
વરૂએ કહ્યું : ‘સાચું કહી દ્યો, શું થયું?’
‘વિશ્વાસ પડશે?’
‘નહિ પડે તો તરવાર ક્યાં આઘી છે?’
‘મોતની બીક હવે મન ન હોય.’
‘ત્યારે બોલો.’
જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કહી બતાવી. ઘોડારમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી. સાંભળીને માત્રો બોલ્યો : ‘ભાઈ! જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કાં ન લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી?’
‘અરે બાપ! મારી દશા ફરી, એટલે જ મને કુમત્ય સૂઝી.’
માત્રા વરૂએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું. રૂપિયા એક સો રોકડા જાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી, ડેલીએ જઈને બોલ્યા : ‘લ્યો જાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાવ ને ગરાસ ઘેર કરો.’
જાલમસંગે હાથમાં લગામ તો લીધી, એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી, એ ધારતો હતો કે થોડે આઘે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે.
માત્રા વરૂએ એક બાજુનું પેંગડું પકડ્યું, મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભના રામરામ કહ્યા. જોતજોતામાં તો ઘોડી હેમાળનાં ઝાડવાં વટાવી ગઈ.
કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ જાલમસંગનો ગરાસ ઝૂંટાયો, એમ કાલે આપણો પણ ઝૂંટાશે. જાલમસંગ સહુના સામટા બળે ઝૂઝવા લાગ્યો.
રાવની ફોજ આવા આખા ભાયાતમંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો.
જાલમસંગનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું, એટલું જ નહિ પણ એ અન્યાયનાં તમામ વરસોની નુકસાની ભરી આપી.
કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસંગ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે ‘માત્રાભાઈને કહેજો, એક આંટો આવ જાય.’ એવાં અનેક જણાં જઈને માત્રા વરૂને સંદેશો આપે, પણ વિનાનિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામતરે શી રીતે નીકળાય? જાલમસંગના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રો વરૂ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો.
સંવત 1885માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રા વરૂ જેવા માલધારીનો આધાર તો કેવળ મે પાણી ઉપર જ હોય. એટલે દુકાળે એનાં ઢોરનો કચ્ચરઘાણ વાળ્યો, એનું ગામ ઉજ્જડ થયું. એવાના ઘરમાં નું બહું ન હોય, હતું એટલું ઢોરને ખવરાવી દીધું. એને ઉંબરે ભૂખમરો આવી ઊભો. સ્ત્રી-પુરૂષને બંનેને ત્રણ-ત્રણ તો લાંઘણો થઈ. માત્રો વરૂ ક્યાં જાય?
ચતુર સ્ત્રીને સંભારી આપ્યો કે, ‘કચ્છ જાયેં, જાલમસંગભાઈ જરૂર આશરો લેશે.’
માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું. પણ પોતાના મિત્રનું પારખું કરવાનુંય મન થયું. બેય ચાલી નીકળ્યાં. બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલો સૂંડો, અને એમાં થોડાક ગાભા : એ જ એની ઘરવખરી હતી.
જોડિયા બંદરે તરીને ધણી-ધણિયાણી નળિયાકોઠારને માર્ગે ચડ્યાં. પાદર પહોંચ્યા. પાદરમાં એક તળાવડી હતી. માત્રા વરૂએ બાઈને કહ્યું : ‘તું આંહીં બેસજે. હું ત્યાં જાઉં. એનું મન કેવુંક છે તે જોઉં, આદરમાન જોઈશ તો તને તેડી જઈશ. નહિ તો બે જણાં બીજે ક્યાંક ચાલી નીકળશું.’ અમરકથાઓ
બાબરિયાણી તળાવડીની અંદર કરમડીના ઢૂવાની ઓથે બેઠી. માત્રો વરૂ ગામમાં ગયો. બજારની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠાં બેઠાં જાલમસંગે મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસારી આવી, પણ મનમાં થયું કે ‘અરે! માત્રા વરૂની કાંઈ આવી હાલત હોય?’ વળી વિચાર આવ્યો કે ‘કેમ ન હોય?’ હું બાર ગામનો ધણી હતો, તોય બેહાલ બની ગયેલો, ત્યારે આ તો માલધારી છે. એને પાયમાલ થતાં શી વાર?
ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો, ડેલીમાંથી સામે દોટ કાઢીને જાલમસંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી. પછી પૂછ્યું : ‘પણ મારાં બોન ક્યાં?’
‘પાદર, તળાવડી કાંઠે બેઠેલ છે.’
‘અરર! ત્યાં બેસાડી રાખ્યાં?’ જાલમસંગે પોતાની પાસે ચાર વરસનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું : ‘જા બેટા, તારી માને કહે કે રથ જોડીને બધાં ગાતાં ગાતાં પાદર જાય ને ફુઈને તળાવડીની પાળેથી તેડી લાવે.’
‘ફુઈ! એવું નામ સાંભળીને ગગુભાએ દોટ મૂકી.’
ફુઈ! અને તે તળાવની પાળે! ઓહો! કેવીહશે એ ફુઈ! અદ્દભુત ફુઈ! હું પરબારો જ જાઉં! એકલો જઈને તેડી લાવું! માબાપ પાસે જશ ખાટું! એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢની અંદર ન જતાં તો પાદર તરફ જ દોડ્યો, લોકોની હડફેટને ગણકારી નહિ. તળાવડીને કાંઠે આવ્યો. સૂકી તળાવડીની અંદર, કરમડીના ઢૂવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી વાણીમાં પૂછ્યું કે ‘આંઈ માલી ફૂઈ છે ને?’
‘હા, આવ બેટા! હું જ તારી ફુઈ છું. આવ મારા ખોળામાં.’
આતુર બાળક તળાવડીમાં ઊતર્યો. બાબરિયાણેએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાહ્યોડમરો થઈને ચૂપચાપ બેઠો. ફુઈના મોં સામે જોઈ જ રહ્યો. એના શરીર પર હેમના દાગીના હતા.
બાબરિયાણીને અવળી મતિ સૂઝી! ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી. એક તીણો અવાજ સંભળાણો, અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો.
બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી સૂંડામાં મૂક્યા. મુડદાને ઢૂવાની અંદર ઊંડે ઘાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સૂંડો લઈ તળાવની પાળે આવીને બેઠી.
થોડીવારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમસંગનાં ઠકરાણી નીચે ઊતર્યા. એકબીજાનાં મળ્યાં અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયાં.
બહેન-બનેવી તો હવે આંહી લાંબો વખત રહેવાનાં, એમ સમજીને એક અલાયદી મેડી મહેમાનને માટે કાઢી આપી. સૂંડો લઈને કાઠિયાણી પોતાની મેડી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સૂંડો અળગો કરતી નથી.
જમવાનો વખત થયો, ગાદલી નંખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ, પણ જાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભર્યો.
‘એલા, ગગુ કેમ નથી દેખાતો?’
ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોર કહે કે ‘મેં ગઢમાં મોકલેલો.’ રાણી કહે કે ‘ગગુ અંદર આવ્યો જ નથી.’ ગગુને અંગે દાગીના હતા. એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવીને ધમકાવવા ને મારવા લાગ્યા! પણ કોઈ ન માને, કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ‘ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા.’ માત્રો વરૂ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને!
સ્ત્રીએ બધી વાત કહી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્રો વરૂ પથ્થરનું પૂતળું બની ગયો!
‘તેં-તેં આ ગજબ કર્યો!’
‘મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે આંહીં ભાઈ આદરમાન નહિ આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું અસ્ત્રી જાત : બુદ્ધિ બગડી, ડોક મરડીને મુડદું તળાવડીની અંદર કરમડીના ઢૂવામાં દાટ્યું છે.’
પછેડીમાં દાગીનાની પોટલી બાંધી, બગલમાં છુપાવી, માત્રો વરૂ કાળુંધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું : ‘શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યા અપરાધી!’ એમ કહીને દાગીના બતાવ્યા, બધી હકીકત કહી.
જાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલી, એ બોલ્યા : ‘માત્રાભાઈ! ચૂપજ રહેજો. લાવો દાગીના મારી પાસે, ખબરદાર, જરાયે કચવાશો નહિ. હું હમણાં આવું છું.’
બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમસંગ એકલા તળાવડીમાં પહોંચ્યા.
ઢૂવા પાછળ લપાઈને કુંવરનું મડદું કાઢ્યું. એકેએક દાગીનો મુડદાને ફરી પહેરાવી દીધો. મુડદાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને ‘એલા, આંહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને?’ એમ બોલતા ઝપાટાભેર અગાશી ઉપર ગયા. બાળકના મુડદાને અગાશીની દીવાલ ઉપરથી ભરબજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી : ‘અરર! ગજબ થયો. ગગુ પડી ગયો.’
પોતે નીચે ઊતર્યા. ગગુનું મુડદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સહુને કહ્યું : ‘હું ઉપર જોવા ગયો, ગગુ બારીમાં રમતો હતો, મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો, ડરથી પડી ગયો.’
‘ભાઈ! તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો.’
‘માત્રાભાઈ! મારા જીવનદાતા! કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ? તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર, ને ક્યાંથી હોત એ મોલાત મેડી?’
‘પણ જાલુભા! અમારાં પગલાં ગોઝારાં થયાં!’ એમ બોલતાં માત્રા વરૂનું હૈયું ભરાઈ આવ્યું.
‘માત્રાભાઈ! આમ જુઓ, એક વરસ રહો, અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું : ગગુ તો ઘણા મળશે, પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું, તો પછી ક્યાં ગોતું?’
માત્રાભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું, બન્ને જંપીને ત્યાં રહેવા લાગ્યાં. આદરમાનમાં લગારે ઊણપ આવી નહિ. દીકરાના મરણની વાતનો જો જામલસંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત જ બંધ કરાવી.
પાંચ વરસ વીતી ગયાં. કાઠિયાવાડમાં સારાં વરસ થયાનું સાંભલ્યું, માત્રા વરૂને જનમભોમ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી.
‘ભાઈ! આંહી રહો તો મારાં છ ગામ કાઢી આપું.’
માત્રો વરૂ માન્યો નહિ. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી, ઊંટ આપ્યાં. કળશીના કળશી દાણા દીધા, સાથે બે ઘાડીઓ આપી. રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્રધર્મ બજાવી જાલમસંગ પોતાને વતન પાછા વળ્યા.

                                            ——-જવેરચંદ મેઘાણી 

11 બહારવટિયો લોકકથા 

 ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો.

બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન કર્યો: “મારું મૉત કહી દેશો, જોશી?”

“મારવું-જિવાડવું એ તો પ્રભુના હાથની વાત છે, રાજાજી! હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું.”

“મારું ભવિષ્ય જોશો?”

“આટલાં બધાં માણસોની વચ્ચે કહેવરાવવું રહેવા દ્યો, મહારાજ! ફરમાવો તો હું આપને એકાંતે મળું.”

“ના, ના, જોશી! આ તમામ મારા સાટે જીવ દેનારા રજપૂતો છે; એનાથી મારે અંતરપટ ન હોય. કહો, જે કાંઈ મારી જન્મકુંડળીમાંથી નીકળતું હોય તે.”

“ઠીક ત્યારે, બાપુ! આજથી ઓગણત્રીસમે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે.”

મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આભમાં વાદળાંનું ધાબું પણ નહોતું. રાત પડતાં નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આભને આઘે આઘેને ખૂણે વરસાદના વાવડ નથી. કલ્યાણમલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા.

“મહારાજ!” જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું: “આ આંકડાની ગણતરી છે — વિધાતાના લેખ જેવી. ઓગણત્રીસમે દિવસે જતન રાખજો.”

“અને ગણતરી ખોટી પડે તો?”

“તો જનોઈ બાળીને પી જાઉં.”

“એમ નહિ, મા’રાજ, જુઓ: તમારું ભાખ્યું જૂઠું પડે, તો જન્મકેદ દઈશ; અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પતરું.”

ત્રાંબાનું પતરું મંગાવી કલ્યાણમલે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો; આજ્ઞા દીધી કે “ઓગણત્રીસમો દિવસ ઊતરીને ત્રીસમો દિવસ ઊગે, અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો.”

બ્રાહ્મણને નજરકેદ રાખવામાં આવ્યો. અને ઓગણત્રીસ દિવસની અવધિ ઓરી ને ઓરી આવવા લાગી. થતાં થતાં બાવીસ દિવસ ઊગ્યા ને આથમ્યા, ત્યારે રાજનાં ચતુર માણસોનાં મનમાં વિચાર ઊગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગાએ ઓથ લેવો ભલો.

બ્રાહ્મણે કહ્યું: “બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મૉત છે; હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓથ લઈને તમે એ ઘાત મોળી પાડી શકશો.”

અમર કથાઓ

“ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરાનું ભોંયરું છે.” એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાડવાનું નક્કી થયું. ભોંયરામાં સાફસૂફી થઈ, અને સરંજામ પહોંચ્યો.
વાદળની સાથે વાતો કરતો, જુગજુગથી વીજ-વરસાદના ને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો; કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો, ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે. એની ભૈરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી: કોઈ વ્રતધારી જોદ્ધો જાણે કવચ પહેરીને આઠેય પહોરની આલબેલ દેતો ઊભો છે.
એવા અટંકી ડુંગરાની પલોંઠી નીચે મોટી દરબાર-કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર બાવીસમા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણલજીએ, પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવતેવડા ને બુઝર્ગ મળી પાંચસો સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું, રોજ રાતે ગાણાં-બજાણાંના રંગરાગ રેલાવા લાગ્યા.
સાત દિવસમાંથી એક દિવસ વીત્યો… બીજો દિવસ ઊગીને આથમ્યો… ત્રીજા દિવસની ઝડ લાગી… તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે પાંચસો સાથી સોનાની મૂઠે તરવાર લઈને પોતાની ચોગમ વીરાસને ઝૂકતા હતા તેમાંથી રોજરોજ થોડા થોડા સરકીને ઘરભેળા થવા લાગ્યા છે. કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ જોદ્ધાઓ આમ ઓછા થાય છે, તેથી રાવને તો કંઈયે વહેમ નથી આવતો. ‘કંઈક કામે જતા હશે,’ ‘કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે’, એવો અર્થ કરીને રાવ મન વાળે છે.
પણ એમ જોતાં જોતાં ઓગણત્રીસમા દિવસનું પ્રભાત પડ્યું અને આભને આરે કાળના કાફલા નાંગરતા હોય તેવાં વાદળાંની આવ-જા મંડાઈ ગઈ. એક પહોર… બે પહોર… અને ત્રીજે પહોરે તો દોવળા ને ચોવળા થર બાંધીને વાદળાંએ આભમાં ટપોટપ જમાવટ કરી દીધી. કાળનાં ડમરું બાજતાં હોય તેવી ધણેણાટી એ ઘઘૂંબેલા ગગનમાંથી ઊઠવા લાગી. પ્રલયનાં નગારાં માથે કાળભેરવો વજ્રની ડાંડી વડે ધોંસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારે મંત્ર છાંટીને મૉતની સેનાને જગાડી મૂકી છે.
કલ્યાણમલજીના હાથમાં હોકાની નળી રહી ગઈ છે, અને એને વીંટીને હવે એકસો જ સાથી બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ જેમ તોફાનનાં મંડાણ જામતાં ગયાં, અને આભનાં ગડેડાટથી જોધપરિયો ડુંગર ગુંજવા લાગ્યો, તેમ તેમ કલ્યાણમલે દીઠું કે પોતાની હજૂરમાંથી એક પછી એક સાથી નોખનોખાં બહાનાં બતાવી લપાતો લપાતો સરતો જાય છે. એમ થાતાં થાતાં બપોરટાણું થયું ત્યાં તો પાંચસોમાંથી ચારસો-પંચાણું ફટકિયાં મોતી વિણાઈ વિણાઈને બહાર નીકળી પડ્યા, અને બાકી રહ્યા એંશી-એંશી વરસના પાંચ બુઢ્ઢાઓ. એ પાંચ ડોસા કઠણ છાતી કરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણમલથી આઘેરા જઈને ભોંયરાના છેટા ખૂણામાં લપાતા બેઠા: પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળી પડવાની બીક હતી!
દુનિયા! વાહ દુનિયા! વાહ દુનિયા!’ એવા ત્રણ નિ:શ્વાસ રાવના હૈયામાંથી નીકળી પડ્યા. મરક – મરક – મરક મુખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી ઘૂંટો તાણવા લાગ્યા. બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો.
ઘડી આભનાં અંતર ભેદતી ને ઘડી ધરતીને માથે ગડથોલાં ખાતી વીજળીએ મહાઘોર નાટારંભ માંડ્યો: કડડ! કડડ! ત્રણ કટકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી. પીળા, લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરનાં શિખર ખડેડીને ભુક્કો બની જશે, એવી ઘડીઓ ગણાતી થઈ.
ઈડર શહેરને ગઢે, કોટે, કાંગરે ઝાડવે ને ઝરૂખે હજારો માનવી ચડીચડીને જોધપરિયા ડુંગરા માથે મૉતની આતશબાજી મંડાણી હતી તે નીરખી રહ્યા: ઘડીક જળળળ અજવાસ: ઘડીક ઘોર અંધારું: કડેડાટ અને પવનના સુસવાટા: હમણાં ડુંગર તૂટશે… એ તૂટ્યો… એવા ફફડાટ: મહેલમાં માળાઓ લઈને ‘હર! હર! હર!’ કરતી બેસી ગયેલી રાણીઓ: અને હૈયે હૈયું દળાય તેવી મેદની: એની વચ્ચે કલ્યાણમલ હોકાની ઘૂંટો તાણતા, મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે.
એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો પોતાની પીઠ ઉપર બે બોકાનીદાર પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યો આવે છે. જમીન ઉપર લા બળતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો, ડિલને નીડોળીને પંદર-પંદર હાથ માથે ઝાંફો ભરતો, પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો, કટકા કરી નાખે તોપણ કણકે નહિ એવો, અને પા ગાઉ માથેથી પણ માનવીનાં પગલાં કળીને ખેતરવા જેટલે આઘે તરી જનારો, બા’રવટાંની રીતનો જાણનારો અસલ થરનો ઊંટ એ ડુંગરિયા પંથ કાપતો આવે છે.
માથે બેઠેલ અસવારો દૂધમલિયા જુવાનો જ છે. એમાંના એકનું નામ કલ્યાણસંગ અને બીજાનું નામ ઉમેદસંગ છે. બેયની કમ્મરે તલવારો લટકે છે, અને બેયના ખોળામાં લાંબી નાળીવાળી અક્કેક બંદૂક છે.
“ઉમેદા!” મોટા અસવારે યાદ કીધું.
“બોલો, ભાઈ!”
“ઉમેદા, જોજે હો, થડકારો થાય નહિ! આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને કૂટવામાં નથી રોકાવું. બહુ વાર બાપડા નિર્દોષોનાં માથાં ઉતાર્યાં છે. આજ તો ઈડર રાજનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે, હો! ભલે ત્યાં કટકા થઈ જઈએ!”
“મોટાભાઈ! મૂંઝાઓ મા. આ વખત છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી. ગળોગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુધિરમાં આપણી દાઢી-મૂછોના કાતર્યા ભીંજવવા છે.”
“ટીંટોઈની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નીંદર ન કરી શકે, એવી રીતે આજ મરી જાણવું છે, હો ભાઈ!”
“બહુ સારું, ભાઈ! અહાહાહા! પણ આ શો મામલો? ગઢનો કાંગરે કાંગરો ને ઝાડની ડાળીએ ડાળી આજ સજીવન કાં? કાળી રાતે ક્યાંય નહિ ને જોધપરિયા માથે વીજળી કાં ગડથોલાં ખાય?”
“અરે, પણ સીમાડે ક્યાંય એંધાણ નહિ ને શહેરમાં આ મેઘાડમ્બર ને વાવાઝોડું ક્યાંથી?”
બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વજ્ર-શી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી, થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો, અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું: “આ બધું શું છે આજ?” ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટચ ઉત્તર દીધો: “રાવસાહેબને માથે વીજળી પડનારી છે.”
“કોણે કહ્યું?”
“અમરેલી ગામના જોશીએ.”
“ક્યાં છે રાવ?”
“જોધપરિયાના ભોંયરામાં.”
“કોણ કોણ છે સાથે?”
“હતા તો પાંચસો, પણ અટાણે પાંચ રહ્યા — તે પણ આઘેરા જઈ બેઠા છે.”
“ઉમેદા! સાંઢિયાને હાંકી લે જોધપરે!” એમ કહી કલ્યાણસંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે! વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આભ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે.
અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો. ઊંટ ઝૂક્યો–ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઊતર્યા; ભોંયરાને બારણે દાખલ થયા.
“ઉમેદા! જોજે હો, તું કાંઈ કરતો નહિ; હું જ હિસાબ ચૂકવીશ.”
એટલું કહીને કલ્યાણસંગ દાખલ થયો. અંદર જઈને જુએ તો હલમલીને તૂટું તૂટું થતા ડુંગરાની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલ દીઠા.
એકલો, નિરાધાર અને મરવાની અણી ઉપર.
કલ્યાણસંગના અંતરમાં ઊભરો આવ્યો: “અહાહાહા! મારો ભાઈ, ઈડરનો છત્રપતિ એકલો!”
“મોટાભાઈ, ભારી લાગ મળ્યો! ફૂંકી દઉં છું. જે મોરલી…” એમ કહીને જ્યાં ઉમેદસંગ બંદૂક ઉગામવા જાય છે, ત્યાં તો કલ્યાણસંગે ઉમેદાનો હાથ ઝાલ્યો: “ઉમેદા! જામગરી ઓલવી નાખ!”
બેઉ ભાઈ રાવની પાસે જઈ ઊભા રહ્યા.
“કોણ તમે?” બોલતાં જ રાવનો અવાજ ફાટી ગયો.
“અમે કોણ? નથી ઓળખતો, બાપ? તેં રાન રાન ને પાન પાન કરી નાખેલ તારા ભાઈ! ઓળખ્યા કે નહિ?”
એટલું કહીને બંને જણાએ બુકાની છોડી. સૂસવાતા વાયરામાં બંનેની વાંકડી મૂછો ફરકી રહી.
“આ કોણ? કલ્યાણ! ઉમેદા! તમે આવી પહોંચ્યા?”
“હા, બાપ! અટાણે ન આવીએ તો પછી ક્યારે!” કહીને કલ્યાણસંગ કરડું હાસ્ય કર્યું.
“ભલે આવ્યા, કલ્યાણ–ઉમેદા! બ્રાહ્મણની વાણી સાચી પાડવા ભલે આવ્યા. તમારા મ્યાનમાં પણ વીજળી છે ને! ખેંચો ભાઈ!”
સાંભળીને બહારવટિયાની આંખ પલળતી દેખાઈ. બહારવટિયા કાંઈ બોલી ન શક્યા. ત્યાં તો ક-ડ-ડ-ડ ડુંગરો કડેડ્યો, અને રાવે કહ્યું: “કલ્યાણસંગ! ભાઈ! તું ભાગી જા. હમણાં વીજળી પડશે.”
“ભાગી જાવું હોત તો તો આવત જ શા માટે? અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા! એની ભંભેરણીથી તો તેં અમારો રોટલો ઝૂંટવ્યો છે!”
ક-ડ-ડ-ડ! બીજી વાર મૉતનો સાદ પડ્યો, અને મોટેરા બહારવટિયાએ કલ્યાણસંગ રાવનો હાથ ઝાલ્યો: “ઊઠ, ભાગી જા! બહાર નીકળી જા!”
“અને તું?” રાવે પૂછ્યું.
“હું તારો નામેરી છું. ઊઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે. હું ખાઈ-પી ઊતર્યો છું. તું લાખોનો પાલણહાર —”
“હું ઊઠીને તને મારી ઘાત ઝીલવા દઉં? રામ રામ રામ…” ત્યાં તો કડડડ! ત્રીજો કડાકો થયો… આભ તૂટી પડ્યું… ડુંગરો હલમલ્યો… ઉપરથી શિખર ચિરાણું… બાર સૂરજ ભેળા ઊગ્યા હોય તેવો ઉજાસ થયો… અને એક પળમાં તો બહારવટિયા કલ્યાણસંગે રાવનું બાવડું ઝાલી ઘા કર્યો. રાવ આઘેના ખૂણામાં જઈ પડ્યો, અને ઉપરથી વીજળી પડી. બહારવટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી, પાછી છલંગ મારી, ગુફાના જાણે ચૂરા કરી નાખશે તેવી કિકિયારી કરતી, તાંડવ રમતી ઈંદ્ર મહારાજની સળગતી સમશેર ગગનમંડળમાં પાછી ચાલી ગઈ.
પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા: ‘કલ્યાણ’ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખતસર રાજા કલ્યાણમલની ઘાત લીધી.
“ભાઈ… મારો ભાઈ…!” એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો.
અમરકથાઓ
ગદગદ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહિ.

                                                                              ___ઝવેરચંદ મેઘાણી 

12 .પ્રેમ એટલે શુ ?

       ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની પૂછપરછની બારી પરના ઘડિયાળમાં સમય થયો હતો….છ વાગવામાં પાંચ મિનિટ ઓછી. એક કદાવર અને ફૂટડો આર્મી જવાન ઝીણી આંખ કરીને સમય નોંધી રહ્યો હતો. એક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાના કાંડાઘડિયાળ સામે જોઇને એણે બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યાં છે તેની ખાતરી કરી લીધી. એનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલનચલન એ અતિ આતુરતાપૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યો છે એવું બતાવતાં હતાં.
    થોડી થોડી વારે એ ઊંડો શ્વાસ લઇને છોડતો હતો. હાથ નો પરસેવો લૂછતો હતો. પોતાના હાથમાં પકડેલા રાતા ગુલાબને જોઇને આમથી તેમ આંટા પણ મારી લેતો હતો. અને આવું બધું થાય તેમાં કંઇ નવાઇ પણ નહોતી. છેલ્લા અઢાર અઢાર મહિનાથી જે સ્ત્રીએ એના જીવનમાં અમૂલ્ય સ્થાન મેળવી લીધું હતું એ સ્ત્રી આજે એને પ્રથમ વખત મળવાની હતી.
       જે સ્ત્રીના લખેલા પત્રો અને એમાંના અદ્દભુત શબ્દો ના સહારે એણે યુદ્ધભૂમિ પરનું દોઢ વરસ પસાર કર્યું હતું એ સ્ત્રી આજે એને ફક્ત પાંચ જ મિનિટ પછી એટલે કે, બરાબર છના ટકોરે મળવાની હતી. બંને એ એકબીજાને ક્યારેય જોયાં નહોતાં. ફક્ત પત્રના માધ્યમથી જ મળતાં રહેલાં. આજે છ વાગ્યે રાતા ગુલાબની નિશાની સાથે બંને મળવાના હતાં. હવે ફ્ક્ત ચાર જ મિનિટ બાકી હતી છ વાગવામાં. એ જવાનને આજની પાંચ મિનિટ એની જિંદગીની સૌથી લાંબી પાંચ મિનિટ લાગી રહી હતી.
     એ જવાનનું નામ હતું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. અમેરિકન યુદ્ધવિમાનોના કાફલાનો એક બાહોશ પાઇલોટ. હવાઇ ગોળાબારી અને અદ્દભુત ઉડાનકલા માટે એ પૂરા હવાઇ કાફલા માં જાણીતો હતો. યુદ્ધ મોચરા પર બ્લાન્ડફોર્ડને એ યુવતી – જેને તે ફક્ત થોડી જ મિનિટ પછી મળવાનો હતો – તેનો પત્ર મળેલો. એમાં લખેલું કે, ‘તમને હવાઇ હુમલો કરતી વેળા ક્યારેય ડર લાગે છે ખરો ?’
      ‘હા ! દુશ્મનોનાં વિમાનો ઘેરી વળે કે પીછો પકડીને ઊડી રહ્યાં હોય ત્યારે જરૂર બીક લાગે છે !’ લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડે જણાવેલું.
      ‘વેરી ગુડ ! તમારી નિખાલસતાં માટે મને માન છે. દરેક બહાદુર માણસને બીક લાગે છે ! અરે, આવા સમયે દરેક માણસને બીક લાગે છે. લોકો એ વાત સ્વીકારતા નથી હોતા. પણ બહાદુર માણસો એ બીકને કાબૂમાં રાખી શકે છે.’ પેલી એ લખેલું. પછી આગળ જણાવેલું કે, ‘તમે પણ બીકને કાબૂમાં રાખી શકો છો. હવે પછી ક્યારેય બીક લાગે ત્યારે એટલું જરૂર યાદ રાખજો કે ભગવાન તમારી સાથે જ છે અને હું પણ તમારા માટે પ્રાર્થના કરું છું.’
                           આ શબ્દોથી લેફ્ટનન્ટ ને ખૂબ જ સહારો મળેલો. એની હિંમતમાં પણ ઘણો વધારો થયેલો.
એ જ વખતે એક યુવતી એની નજીકથી પસાર થઇ. લેફ્ટનન્ટનું હ્રદય જોરથી ધડકી ઊઠ્યું. પણ પેલી યુવતીના હાથમાં રાતું ગુલાબ નહોતું. લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ આગળ વધતાં અટકી ગયો. ‘હાય હેન્ડસમ !’ એટલું કહી એ યુવતી ચાલી ગઇ. બ્લાન્ડફોર્ડ ફરીથી વિચારોમાં ડૂબી ગયો. પોતાના ટ્રેનિંગ કેમ્પમાં એક પુસ્તકમાં આ છોકરીના હસ્તાક્ષર તેમજ નામ જોયેલું. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું સરનામું મેળવી એણે કાગળ લખેલો. પેલી સ્ત્રી જેનું નામ હતું હોલીસ મેયનીલ….એણે જવાબ આપેલો.
પછી તો પત્રો લખવાનો ક્રમ નિયમિત રૂપે ચાલતો રહેલો. કામના બોજા નીચે લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ ક્યારેક આ ક્રમ ચૂકી જતો પણ હોલીસ મેયનીલ ક્યારેય ન ચૂકતી. દોઢ દોઢ વરસના આ ક્રમ પછી બંને પણ એકબીજાને અત્યંત ચાહવા લાગ્યાં હતાં તેની બંનેને ગળા સુધી ખાતરી થઇ ચૂકી હતી.
લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડને બીજું પણ એક આશ્વર્ય થતું હતું. આટલા વખતમાં એણે જેટલી વખત એનો ફોટો મોકલવાનું લખેલું એટલી વખત હોલીસ મેયનીલે ઘસીને ના પાડી દીધેલી. બ્લાન્ડફોર્ડે એક વાર અતિ જીદ કરેલી ત્યારે એણે લખેલું કે, ‘જો મારા માટેની તારી લાગણી સાચી જ હશે તો હું કેવી દેખાઉં છું એ વાતનું કોઇ મહત્વ જ રહેતું નથી. એટલે મારી વિનંતી છે કે તું ફોટો ન મંગાવીશ, કારણ કે જો હું ખૂબ જ રૂપાળી તેમજ દેખાવડી લાગતી હોઇશ તો તું મારા રૂપને લીધે મારી સાથે સંબંધ રાખે છે તેમ મને લાગશે. અને એવા સંબંધ માટે મને ભારોભાર નફરત છે.
      ધારો કે હું કદરૂપી હોઇશ (અને એવું કદાચ હોય પણ ખરું) અને પછી પણ તું લખવાનું ચાલુ રાખશે તો મને એવું લાગ્યા કરશે કે અત્યારે યુદ્ધમોરચે તું એકલો છો અને તારી સાથે બીજું કોઇ નથી એટલે તું મને લખવા મજબૂર બન્યો હઇશ. એટલે હવે ક્યારેય મારો ફોટો મંગાવીશ નહીં. તું પોતે ન્યુયોર્ક આવે અને મને જુએ ત્યારે જ તું જે કંઇ અભિપ્રાય બાંધવો હોય તે બાંધે તેવું હું ઇચ્છું છું’ અને એને હોલીસ મેયનીલનાં આ વાક્યો અદ્દભુત લાગેલાં.
છ વાગવામાં હવે ફક્ત એક જ મિનિટ બાકી રહી હતી. બ્લાન્ડફોર્ડનું હ્રદય હવે એને જરાય ગાંઠતું નહોતું. છેક ગળા સુધી ઊછળી ઊછળીને ધબકતું હતું. બરાબર એ જ વખતે જાણે આસમાનમાંથી કોઇ પરી ટપકી પડી હોય તેવું સંદર રૂપ ધરાવતી એક યુવતી પિસ્તા કલરના ડ્રેસમાં એના તરફ આવતી દેખાઇ. અતિ સુદંર, આકર્ષક અને નમણો ચહેરો, લાંબા પગ, વાંકડિયા લાંબા સોનેરી વાળ, સાગરનું ઊંડાણ ભરેલું હોય તેવી આંખો, મુખ પર મંદ મંદ સ્મિત અને ચાલવાની અદ્દભુત છટા જોઇને આફરીન થઇ જવાય તેવું વ્યક્તિત્વ.
એ યુવતી એની તરફ જ આવતી હોય તેવું લાગતા બ્લાન્ડફોર્ડ હાથમાંનું રાતું ગુલાબ એના તરફ લંબાવીને આગળ વધ્યો. ત્યાં જ એની નજર પડી કે એ યુવતી પાસે પણ નિશાની મુજબનું રાતું ગુલાબ નહોતું. મનને ન ગમ્યું છતાં પણ એ અટકી ગયો.
મારું કંઇ કામ હતું સોલ્જર જવાન ?’ અચાનક પોતાની આગળ ઊભા રહી ગયેલા બ્લાન્ડફોર્ડને ઉદ્દેશી ને એ યુવતી બોલી.
‘ઓહ નો ! નહીં નહીં ! માફ કરજો ! કંઇ નહીં, અમસ્તું જ !’ બ્લાન્ડફોર્ડે એટલું કહીને એ યુવતી ને જવાનો માર્ગ કરી આપ્યો. એ યુવતી હસી પડી. પછી રોડ ક્રોસ કરીને સામેની બાજુએ ચાલી ગઇ.
બ્લાન્ડફોર્ડ એને જતી જોઇ રહ્યો. એનું મન એક વખત બોલી ઊઠ્યું કે…. કેટલી સુંદર હતી એ !……
બરાબર એ જ વખતે નિશાની મુજબ હાથમાં રાતું ગુલાબ લઇને એની જ તરફ આવતી એક સ્ત્રી દેખાઇ. એ બરાબર એની સામે આવીને ઊભી રહી ગઇ. પરંતુ એ કોઇ યુવતી નહોતી. એ તો આધેડ ઉંમરની – બિલકુલ બેઠી દડીની સ્ત્રી હતી. એના માથાના અર્ધાથી ઉપર વાળ સફેદ થઇ ચૂક્યા હતા. ચરબીયુક્ત શરીર, સૂજી ગયેલાં પોપચાં, જાડા પગ, જાડા કાચવાળાં ચશ્માં – ટૂંકમાં સાવ જ અદોદરું શરીર. હાથમાં રાતું ગુલાબ લઇ ને એ હસતી હસતી ઊભી હતી.
‘હમ…મ…મ..! એટલે જ એણે પોતાનો ફોટો નહીં મોકલ્યો હોય ! મે પણ ક્યારેય એની આશરે ઉંમર પણ ન પૂછી. પણ એણે આવો ઉલ્લેખ તો પોતાના કાગળમાં કરેલો જ !’
બ્લાન્ડફોર્ડના મનમાં વિચારોનું વાવાઝોડું ઊમટી આવ્યું. બે ઘડી તો એ થોડોક લેવાઇ ગયો. એકાદ ક્ષણ પૂરતું એનું મન પેલી પિસ્તા કલરના ડ્રેસવાળી સુંદર યુવતીનો વિચાર કરી રહ્યું. પણ બસ ! ફક્ત એ એકાદ ક્ષણ જ ! તરત જ એને વિચાર આવ્યો કે, ‘સાચી સુંદરતા તો મનની જ હોય છે. મેયનીલ ખૂબ રૂપાળી અને પોતે કદરૂપો હોત તો ? એટલે શરીરનો વિચાર કરી જે યુવતી એ કપરામાં કપરાં દોઢ વરસ સુધી પોતાને ટકાવી રાખ્યો હતો એને અન્યાય ન જ કરાય. પોતાના ખરાબ સમયમાં સહારો બનેલું આ એ જ અદ્દભુત વ્યક્તિત્વ જ્યારે હવે સદેહે સામે ઊભું છે ત્યારે બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપવાનું હોય જ નહીં.’
બધા જ આડાઅવળા વિચારો ને મનના કોઇ અજ્ઞાત ખૂણામાં ધરબીને મોં પર સાચું હાસ્ય તેમજ સાચી ખુશીના ભાવો લાવી એ આગળ વધ્યો. પેલી સ્ત્રી નો હાથ પકડી તેના હાથમાં રાતું ગુલાબ, મૂકતાં એ બોલ્યો, ‘મિસ હોલીસ મેયનીલ. હું છું લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ. ખરેખર તમને મળીને ખૂબ જ ખુશી થઇ. હું તમને પ્રપોઝ કરવા માંગું છું. તમે મારા સાથી બનવા રાજી થશો ખરાં ? અને જો તમારો જવાબ ‘હા’ માં હોય તો તમને હું આજ રાતના ખાણા માટે હ્રદયપૂર્વક આમંત્રણ પાઠવું છું.’
પેલી બેઠી દડીની જાડી સ્ત્રી ખડખડાટ હસી પડી. હસતાં હસતાં જ એણે કહ્યું, ‘ દીકરા ! વહાલા જવાન ! તું શું કહી રહ્યો છો એ મને કાંઇ સમજાતું નથી. હું હોલીસ મેયનીલ પણ નથી. હોલીસ મેયનીલ તો હમણાં અહીંથી પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને જે સુંદર યુવતી ગઇને તે હતી. એણે મારા હાથમાં આ રાતું ગુલાબ પકડાવેલું અને કહેલું કે જો તું મને આટલી મોટી ઉંમરની તેમજ જાડી હોવા છતાં પણ પ્રેમથી, લાગણીથી, ઉમકળાથી તેમજ આદરથી ડિનર માટે આમંત્રણ આપે તો જ મારે તને જણાવવું કે એ રોડની સામેની તરફ આવેલા રેસ્ટોરાંમાં તારી રાહ જુએ છે. આ કોઇક પ્રકારની કસોટી છે એવું પણ એ બોલેલી. તું તેમાં પાસ થયો છે બેટા ! હવે જા જલદી, એ તારી વાટ જોતી હશે !…..’
રોડની સામેની તરફ પગ ઉપાડતાં પહેલાં કેટલીય વાર સુધી લેફ્ટનન્ટ બ્લાન્ડફોર્ડ એ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઇ રહ્યો ! પછી એક સ્મિત કરીને એ પેલી પરીને મળવાં રેસ્ટોરાં તરફ આગળ વધ્યો !

                                                                    _______   ડો .આઈ .કે વીજળીવાળા 

13 હોથલની પદમણી ઓઢો જામ અમર પ્રેમ કથા 

હોથલ પદમણી અને ઓઢો જામ
આજે અહી વાત કરવી છે વચને અને પ્રેમે બંધાયેલ એક બેલડીની કે જેનું નામ છે ઓઢો જામ અને હોથલ પદમણી.
(ઓઢો જામ એ કચ્છના કિયોર કકડાણાના મનાઈનો સૌથી નાનો પુત્ર હતો,
મોટાભાઇ હોથીની પત્નીએ ઓઢા વિરુદ્ધ પતિને કાનભંભેરણી કરી.
લખમણ જતિ જેવા નાનાભાઈને કાળા કપડા પહેરાવીને કાળા ઘોડા ઉપર દેશવટો અપાવવામાં સફળ નીવડી.
વીસળદેવ વાઘેલાની રાજધાનીમાં આવીને ઓઢાએ આશરો લીધો.)
એક દિવસ બન્ને ભાઈઓ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વીસળદેવે નિસાસો મેલ્યો.
“ અરે હે ભાઈ વીસળદેવ ! અન્નદેવતાને માથે બેસીને ઊંડો નિસાસો કાં નાખ્યો ? એવડાં બધાં તે શાં ગુપ્ત દુઃખ છે તારે, બેલી ? ” ઓઢાએ ભાઈને પૂછયું.
વીસળદેવે જવાબ દીધો કે ‘ હે બેલી , બાંભણિયા બાદશાહનાં મે’ણાં મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે. નગરસમોઈની સાત વીસું સાંઢયો જયાં સુધી હું ન કાઢી આવું, ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાકું છું. ”
બાંભણિયાની સાંઢ્યું ? ઓહો , પારકરની ધરતી તો મારા પગ તળે ઘસાઈ ગઈ . પલકારામાં સાંઢયું વાળીને હાજર કરું છું . મારા બસો જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે. એને હક કરી આવું, ” એમ કહીને કટક લઈને ઊપડ્યો.
“ઓટે સરવર પાર, નજર ખણી નિયારિયું ,
એક આવે અસવાર, નીલો નેજો ફરુકિયો. “
એક તળાવડીને આરે ઓઢો જામ તડકા ગાળવા બેઠેલ છે. વાયરામાં લૂ વરસે છે. હરણાંનાં માથાં ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે. એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે . આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે. લીલી ધજા ફરકે છે. અસવારના અંગ ઉપરનું કસેલું બખતર ઝળકારા કરતું આવે છે. કૂકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર, અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો, એમ એક અસવાર , ત્રણ – ત્રણ અસવારો દેખાડતો આવે છે . સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઊગ્યો !
ઓઢાના અસવાર માંહોમાંહી વહેંચણ કરવા મંડ્યા : “ભાઈ, ઈ મુસાફરનો ઘોડો મારો ! ‘ ”
“ ઘોડાનો ચારજામો મારો ! ” –
“ અસવારનું બખતર મારું ! ”
“ આદમીનો પોશાક મારો ! ”
સામી પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાતો કાનોકાન સાંભળી રહ્યો છે . મરક મરક હસે છે. જરાક પરચો તો દેખાડું , એમ વિચારીને એણે ઘોડાનો તંગ તાણ્યો. એવો તંગ તાણ્યો કે …
” તેજી તોળ્યો ત્રાજવે , જેમ બજારે બકાલ,
માર્યો જેનો નૈ મરે , ગાંડી મ કૂજ્યો ગાલ. “
જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો ! એ જોઈને ઓઢો બોલ્યો , ‘ એ રજપૂતો ! ચીંથરાં ફાડો મા ; આમ તો જુઓ ! ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગમાં ઊંચો ઉપાડી લીધો , એવો જોરાવર આદમી કોઈનો માર્યો મરે નહિ, અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહિ, એને લૂંટવાની ગાંડી વાતો છોડી દો ! “
અમરકથાઓ
ત્યાં તો અસવાર લગોલગ આવી પહોંચ્યો .
મોઢે મોસરિયું બાંધ્યું છે , મૂછનો દોરોય હજુ ફૂટયો નથી , ઘૂમતા પારેવાના જેવી રાતી આંખ ઝગે છે , ભમ્મરની કમાનો ખેંચાઈને ભેળી થઈ ગઈ છે , મોં ઉપર મીટ મંડાય નહિ એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઊભો .
અહાહાહા ! ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો. સાહેબધણીએ સંસારમાં શું રૂપ સરજ્યું છે ! ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય ? કોઈક ગઢને ગોખે વાટ જોતી મૃગનેનીને મળવા જાતો હોય , ને કાં મળીને પાછો વળતો હોય , એવા દીદાર છે. સગો ભાઈ હોય, બાળપણનો ભેરુબંધ હોય, એવું હેત મારા કલેજામાં આજ કાં ઊગે ?
‘’ કાં રજપૂતો ! ” સવારે ૫ડકાર દીધો : ‘ મને લૂંટવો છે ને તમારે ? શૂરવીરો , એમાં કાં ભોંઠા પડો ? ઊઠો. કાં અક્કેક જણ આવી જાઓ, ને કાં સહુ સાથે ઊતરો ; જોર હોય તો મારાં લૂગડાંઘરેણાં આંચકી લ્યો .
રજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢો બોલ્યો : “ માફ કરો , મારા ભાઈ , મનમાં કાંઈ આણશો મા. મારા રજપૂતોએ ભૂલ કરી,ઊતરો બા , કસુંબો લેવા તો ઊતરો .
******* #અમર_કથાઓ *******
‘ ના , ના , એમ મારાથી ન ઊતરાય. તમ સરખા શૂરવીરના દાયરામાં હું કેમ શોભુ ? અરે દાયરાના ભાઈઓ, આમ જુઓ આ ખીજડાનું ઝાડ જોયું ? એના થડમાં હું તીર નાખું. તમે એને ખેંચી કાઢો એટલે બસ. બાકીનું બધું તમારું ! “
એમ કહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી . ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું. ઘોડાના પેંગડા ઉપર ઊભો થઈ ગયો. કાન સુધી પણછ ખેંચીને તીર છોડ્યું. હવામાં ગાજતું જતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના થડમાં ખૂંતી ગયું. ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર રહી.
રજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢો જામ અસવારના મો સામે જોઈને ફૂલેલ છાતીએ બોલી ઊઠયો : “ વાહ બાણાવળી ! વાહ ધનુર્ધારી ! વાહ રે તારી જનેતા ! ધન્યભાગ તારાં વારણાં લેનારી રજપૂતાણીનાં ! વાહ રજપૂતડા ! ”
“ઝાડે ઘાવ ન ઝીલિયો , ધરતી ન ઝીલે ભાર ,
ને કાળા મથ્થાજો માનવી , અંદરો અવતાર , “
( આ ઝાડે પણ જેનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે , એ પુરુષ કાળા માથાનો માનવી નહિ , પણ સાચોસાચ ઇન્દ્રનો અવતાર દીસે છે. )
અસવારે હાકલ દીધી . : ‘ ઠાકોરો ! ઊઠો , કોઈક જઈને એ તીર ખેંચી લાવો તો પણ હું સરસામાન સોંપી દઉં . ’
રજપૂતો ઊઠ્યા , ચાર આંગળની લાકડી ખેંચવા મંડ્યા પણ તીર ચસ દેતું નથી . “ જુવાનો , ઉતાવળા થાઓ મા. ફરીને બળ વાપરો. ’
પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો. જઈને તીર તાણ્યું. જેમ માખણના પિંડામાથી મોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચાઈ આવ્યું.
અજાણ્યા પરદેશીનાં એક પછી એક શૂરાતન જોઈ જોઈને ઓઢાને લોહી ચડતું જાય છે . પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો હોય તેમ ઓઢો ઓછો ઓછો થઈ રહ્યો છે. ઓઢો ઊઠયો. બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો, ઘોડાના ધાસિયા પાથર્યા હતા, તેની ઉપર બેસાડીને પ્રેમભીની નજરે ઓઢાએ પૂછ્યું :
“ઓઢો મુખથી આખવે, જાણાં તોજી જાત ,
નામ તો હોથી નગામરો , સાંગણ મુંજો તાત . “
“ બેલીડા ! તમારું નામ , ઠામ , ઠેકાણું તો કહો .
” મારું નામ હોથી નગામરો. સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ્લ .
” એકલમલ્લ ! ” નામ લેતાં તો ઓઢાનાં ગલોફાં જાણે ભરાઈ ગયાં : “ મીઠું નામ ! ભારી મીઠું નામ ! શોભીતું નામ ! ”
“ અને તમારું નામ , બેલી ? ” એકલમલ્લે પૂછ્યું .
“મને ઓઢો જામ કહે છે .”
“ આ હા હા હા ! ઓઢો જામ તમે પોતે ? ઓઢો કિયોરનો કહેવાય છે એ પંડે ? ભાભીએ દેશવટો દેવાર્યો એ કચ્છમાં અમે જાણ્યું હતું . પણ કારણ શું બન્યું’તું, ઓઢા જામ ?”
‘‘ કાંઈ નહિ , બેલી ! એ વાત કહેવરાવો મા. હોય , માટીના માનવી છીએ , ભૂલ્યાં હશું”
“ ના , ના , ઓઢા જામ ! હનુમાનજતિ જેવો ઓઢો એવું ગોથું ખાય નહિ . કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવું માને નહિ . ”
‘‘ બેલી ! આપણે પરદેશી પંખીડાં કહેવાઈએ . કરમસંજોગે ભેળાં મળ્યાં . હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય . બે ઘડીની લેણાદેણી લૂંટી લઈએ , જુદાઈની ઘડી માથે ઊભી છે . કલેજાં ઉઘાડીને વાતો કરવા જેટલો વખત નથી . માટે મેલો એ વાતને . આવો , કસુંબા પિયે . “
“ઓઢાએ ને એકલમલ્લે સામસામી અંજલિ ભરી . એકબીજાને ગળાના સોગંદ આપીને અમલ પિવરાવ્યાં . પીતાં પીતાં થાકતા નથી . હાથ ઠેલતાં જીવ હાલતો નથી . કસુંબાની અંજલિઓમાં એક બીજાનાં અંતર રેડાઈ ગયાં છે . અમલ આજ અમૃતના ઘૂંટડા જેવું લાગે છે. જેમ…..
“મૂંમન લાગી તુંમનાં , તુંમનાં લાગી મૂં ,
લૂણ વળુંભ્યાં પાણીએ , પાણી વળુંભ્યાં લૂણ . “
જાણે લૂણ – પાણી ઓગળીને એકરસ થઈ જાય તેવાં સામસામાં અંતર પણ એકાકાર થઈ ગયાં . મુખે ઝાઝું બોલાતું નથી . ઓઢો વિચાર કરે છે કે “ હે કિસ્મત ! આ બસ્સોને બદલે એકલો એકલમલ્લ જ મારી સંગાથે ચડ્યો હોય , તો આભજમીનનાં કડાં એક કરી નાખતાં શી વાર ?
એકલમલ્લે પૂછ્યું : “ ઓઢા જામ , કેણી કોર જાશો ? “
ભાઈ , નગરસમોઈનાં બાંભણિયા બાદશાહની સાંઢયું કાઢવા. કેમ કે , એ કારણે પીરાણા પાટણનો ધણી મારો મશિયાઈ વીસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે. પણ તમે ક્યાં પધારો છો ?
એકલમલ્લે મોઢું મલકાવ્યું : “ બેલી, એક જ પંથે એક જ કામે. ”
“ઓહોહો ! ભારે મજાનો જોગ ; પણ તમે કોની સારુ ચડ્યા છો ? ”
“ઓઢા જામ ! કનરા ડુંગરની ગુંજમાં અમારાં રહેઠાણ છે . બાપુ મોતની સજાઈમાં પડ્યા . છેલ્લી ઘડીએ જીવ નીકળતો નહોતો . એને માથેય બાંભણિયાનાં વેર હતાં . બાંભણિયાની સાંઢ્યો લાવવાની પ્રતિજ્ઞા અધૂરી રહેતી હતી , એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો . મેં પાણી મેલ્યું અને બાપુને સદગતિ દીધી . ”
“ એકલમલ્લ ભાઈ ! આપણે બેય સાથે ચડીએ તો ? “
“ ઓઢા જામ ; સાથે ચડીએ , પણ મારો કરાર જાણો છો ? મહેનત અને કમાણી, બેયમાં સરખો ભાગઃ અરધમાં તમે બધા અને અરધમાં હું એકલો : છે કબૂલ ? ”
ઓઢો કબૂલ થયો. પણ ઓઢાના રજપૂતો રાઈતું મેળવવા મંડ્યા.
પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે . પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં , દેવસ્થાનો , નદીનાળાં અને ગઢ કાંગરાનાં નામ લઈ લઈ ઓઢાને હોશે હોંશે ઓળખાવતો જાય છે . બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા , નટવાની જેમ નાચ કરતા કરતા , નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે .
બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઈને ગઢ પહોંચ્યા . એ કોટમાં સાતવીસ સાંઢ્યો પુરાઇ છે. દેવળના થંભ જેવા પગવાળી , રેશમ જેવી સુંવાળી રુંવાટીવાળી , પવનવેગી અને મનવેગી – એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા બાદશાહનાં સાચાં સવા – લખાં મોતી જેવી છે.
રાતોરાત પચાસ – પચાસ ગાઉની મજલ ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યો બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ઘાણીને (ઊંટનો તબેલો) બારણે ચડવાનીયે કોની મગદૂર ? રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથાનાં કાછલાં થઈને ઊડી પડે. પણ આજ ઘાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી ગઈ છે.
એકલમલ્લ બોલ્યો : ‘ ભાઈ ઠાકોરો , બોલો , કાં તો હું ઘાણીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો , કાં તો તમે ઝાંપો તોડો તો હું સાંઢ્યો લઈ જાઉં. ’
“ એકલમલ્લ , તમે ઝાંપો તોડો , અમે સાંઢ્યો બહાર કાઢશું.”
રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો.
એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી , ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.
રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢયો નીકળતી નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢ્યો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે, એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે છે.
ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા – પડકારા ગાજી ઊઠ્યા . બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ” ચોર ! સાંઢયુંના ચોર !” નગારાને માથે ધોંસા પડ્યા. અને રજપૂતોએ કાયર થઈને કરગરવા માંડ્યું : “ એકલમલ્લભાઈ , હવે અમારી આબરૂ તારા હાથમાં …. ”
બસ , દરબારો ! શૂરાતન વાપરી લીધું ? સાંઢ્યોં લેવા આવતાં પહેલાં ઈલમ તો જાણવો’તો ! ” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાક્યું . એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈને ભીજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.
લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢયોએ દોટ દીધી , મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે એક સો ને ચાલીસ સાંઢ્યોં ગાંગરતી આવે છે . વાહ એકલમલ્લ ! વાહ એકલમલ ! વાહ બેલીડા ! ” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.
ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંહે જુએ છે તો દેકારા બોલતા આવે છે . ધરતી ધણેણી રહી છે આભમાં ડમરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે . એકલમલ્લ બોલ્યો : ‘’ રજપૂતો ! કાં તો તમે સાંઢ્યોને લઈ ભાગી છૂટો , ને કાં આ વારને રોકો . ” રજપૂતો કહે : “ ભાઈ ! તમે વારને રોકો.”
“અમે સાંઢ્યોને લઈ જઈને સરખા ભાગ પાડી રાખશું ! ”
એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઈ રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢ્યો વાંહે દોડી આવે છે. પોતાના લોહીની ધ્રાણ એને એવી મીઠી લાગે છે.
ઓઢા જામ ! તમેય ભાગો. શીદ ઊભા છો ? મારી પાછળ મોટું કટક આવે છે તમે બચી છૂટો.” એકલમલ્લ બોલ્યો.”
” બેલી , કોના સારુ બચી છૂટું ? કોઈનો ચૂડો ભંગાવાનો નથી.”
“ અરે, કોઈક બિચારી રાહ જોતી હશે .”
“કોઈ ન મળે, બેલી ! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી “
એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી , સામાન આડોઅવળો નાખી , ઘોડાને ખરેરો કરવા માંડ્યો.
“ અરે, એકલમલ્લભાઈ ! આવી રીતે મરવું છે ? વાર હમણાં આંબશે, હો ! “
“ આંબવા દયો, ઓઢા જામ ! તમે આ ઘાસિયા ઉપર બેસો. જો મરવું જ છે , તો મોજ કરતાં કરતાં કાં ન મરવું ?”
“બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઈ રહ્યો છે : “વાહ અલ્લા ! વાહ તારી કરામત ! બેય દુશ્મન ધરપત કરીને બેઠા છે – કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઈએ ! ”
“એઈ બાદશાહ ! ” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો : પાછો વળી જા. એઈ લાખોના પાળનાર , પાછો વળી જા. તારી બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે. ”
ખડ ! ખડ ! ખડ ! ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઈને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.
” પેલે વેલે બાણ , પૂવે તમારી પાડિયા ,
કુદાયા કેકાણ , હોથી ઘોડો ઝલ્લિયે . “
( પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો , ડંકો ધૂળમાં રોળાણો. )
તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું , તીર ચડાવ્યું , કાન સુધી પણછ ખેંચી પડકાર્યુ : ” બાદશાહ, તારી થાળીમાં લાખોના કોળિયા કહેવાય , તને મારું તો પાપી ઠરું ; પણ તારું છત્તર સંભાળજે. ”
એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું. બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું .
“બીજે ઘાયે બાણ , પૂવે છત્તર પાડિયો ,
કુદાયા કેકાણ , હોથી હલ્લી નીકળ્યો. “
( છત્ર પાડ્યું , ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઈને બાંભણિયો થંભી ગયો. )
“ વાહ , રજપૂત , વાહ વાહ ! ” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે :
” માડુ તોં મુલાન , તું કિયોરજો રાજિયો ,
પૂછે દરિયલખાન , રૂપ સોરંગી ઘાટિયો. “
( એ માનવી , તું એવો બહાદુર કોણ ? તું પોતે જ શું કિયોરનો રાજા ઓઢો ? )
“નૈ માડુ મુલાન , નૈ કિયોરજો રાજિયો ,
ખુદ સુણ દરિયલખાન, ( હું ) ચાકર છેલ્લી બાજરો”
( હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે. માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ – પચીસ વીઘાં વધી પડશે. )
“બાંભણિયો કે બેલીડા , કરીએ તોજી આસ,
કરોડ ડીજા કોડસું , ચંદર ઊગે માસ. “
બાંભણિયે સાદ દીધો કે “હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ”
“માફ કરજે, બાંભણિયા રાજા ! મને દર ગુજર કરજે ! “
“કરોડ ન લીજે કીનજા ન કીજેં કીનજી આસ ,
ઓઢો અસાંજો રાજિયો , આઉં ઓઢે જો દાસ. “
( કોઈની કરોડ કોરી લૂંટીશ નહિ , મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું. )
‘ યા અલ્લા ! ‘ એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો.
ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો છે , ઓઢાને વાચા જડતી નથી. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થઈ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે ! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે ?
“ઓઢા જામ ! ” એકલમલ્લે સાદ કર્યો : “ કોનું ધ્યાન ધરી રહ્યો છો ? કહેતા હતા ને , કોઈની સાથે માયા લગાડી નથી ? “
“બેલી ! બેલી ! બેલી ! ‘ ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો , જીભના લોચા વળી ગયા.
ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા. એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે અને ખાંડિયાબાંડિયાનું ટોળું બનાવીને રજપૂતો બોલ્યા : ‘એકલમલ્લભાઈ , લ્યો આ તમારો ભાગ.”
“ઓઢા જામ ! ” એકલમલ્લ મરકીને બોલ્યો : જોયા તમારા રજપૂત ? કેવી ખાનદાની બતાવી રહ્યા છે !”
“ ધિક્કાર છે , ૨જપૂતો ! જનેતાઓ લાજે છે ! ” એમ કહીને ઓઢાએ બેય ટોળાની વચ્ચોવચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખા ભાગ પાડી નાખ્યા. “ લ્યો ભાઈ , તમારો ભાગ ઉપાડી લ્યો એકલમલ્લ ! ”
“ઓઢા જામ , મને મારો ભાગ પહોચી ગયો છે. મારી સાંઢયો હું તમને ભેટ કરું છું. મારે સાંઢયોને શું કરવી છે ? મારા બાપુના જીવની હું સદગતિ સારુ જ મેં તો આ મહેનત કરી, અને હવે ઓઢા જામ રામરામ ! અહીથી જ હવે નોખા પડશું .”
ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને ઓઢો બોલ્યો :
“બેલીડા ! વીસરી તો નહિ જાઓ ને ?”
“ઓઢા જામ ! હવે તો કેમ વીસરાશે ? ”
“જો વિસારું વલહા , ઘડી એક જ ઘટમાં ,
તો ખાંપણમાંય ખતાં, ( મુંને ) મરણ સર્જાયું નવ મળે.”
( એક પલક પણ જો મારા હૈયામાંથી હું મારા વા’લાને વિસારું તો તો , હે ઈશ્વર , મને મરણ ટાણે સાથરોય મળશો મા , અંતરિયાળ મારું મૉત થાજો. મારું મડદું ઢાંકવા ખાંપણ પણ મળશો નહિ. ઓઢા જામ , વધુ તો શું કહું ? )
“જો વિસારું વલહા , રુદિયામાંથી રૂપ ,
તો લગે ઓતરજી લૂક , થર બાબીડી થઈ ફરાં”
( હે વા’લીડા , અંતરમાંથી જો તારું રૂપ વીસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઊના વાયરા વાજો. અને થરપારકર જેવા ઉજજડ અને આગઝરતા પ્રદેશમાં બાબીડી ( હોલી ) પંખિણીનો અવતાર પામીને મારો પ્રાણ પોકાર કરતો કરતો ભટક્યા કરજો. )
” લ્યો ઓઢા જામ , પરણો તે દી એકલમલ્લભાઈને યાદ કરજો. અને કામ પડે તો કનરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો. બાકી તો જીવ્યા – મૂઆના જુહાર છે.
એટલું બોલીને એકલમલ્લે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો , એ ખંભે પડેલી કમાન , એ તીરનો ભાથો , વંકો અસવાર , વંકો ઘોડો અને અસવારને માથે ચામર ઢોળતો એ ઘોડાના પૂંછનો ઝૂડો : બધુંય ઓઢો જામ ઊભો ઊભો જોઈ રહ્યો.
પાછો વળી વળીને એકલમલ્લ નજર નાખતો જાય છે. સલામો કરતો જાય છે. જાય છે ! ઓ જાય ! ખેપટમાં અસવાર ઢંકાઈ જાય છે. માત્ર ભાલો જ ઝબૂકે છે.
****** અમરકથાઓ *****
એક ઘોડો ! ઓઢાનો ઘોડો જંબુમોર અને એકલમલ્લનો ઘોડો એળચી : એકબીજાને દેખ્યાં ત્યાં સુધી બેઉ ઘોડા સામસામી હાવળ દેતા ગયા. ઘોડાનેય જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી.
પંખી વિનાના સૂના માળા જેવું હૈયું લઈને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો. એને બીજું કાંઈ ભાન નથી. એના અંતરમાં છેલ્લા એ ઉદગારોના ભણકારા બોલે છે : ” સ્ત્રી પુરુષને કહે એવા દુહા એકલમલ્લે કાં કહ્યા ? એની તણખા ઝરતી આંખડીઓ એ ટાણે અમીભરી કાં દેખાણી ? ” એના સાવજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટૌક્યા ?
એણે ઘોડો થંભાવ્યો.
” ના, ના, હે જીવ , એ તો ખોટા ભણકારા. ”
ઘોડો હાંક્યો , પણ મન ચગડોળે ચડ્યું. કોઈક ઝાલી રાખે છે , કોઈ જાણે પાછું વાળે છે. ફરી વાર થોડો થંભાવ્યો. સાથીઓને કહ્યું : “ ઓ ભાઈઓ ! “
“ઝાઝા ડીજ જુવાર, વીસરદેવ વાઘેલકે,
જિતે , અંબી વાર , તિતે ઓઢો છંડિયો.”
( જાઓ , જઈને વીસળદેવ વાઘેલાને મારા ઝાઝા કરીને જુહાર દેજો , અને જો પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો , કે જયાં બાંભણિયાની સેના આંબી ગઈ ત્યાં ધીંગાણું કરતાં કરતાં ઓઢો કામ આવી ગયો. )
એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાળ્યો. પોતાને રસ્તાની જાણ નથી. જંબુમોરની ગરદન થાબડીને બોલ્યો : “હે દેવમુનિ, તારી કાનસૂરીએ ચોકડું છોડી દઉં છું. તને સૂઝે તે માર્ગે ચાલ્યો જાજે.”
જંબુમોર ઘોડો પોતાના ભાઈબંધ એળચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો.
ચખાસર સરોવર કિનારે ઝાડવાંની ઘટા ઝળુંબી રહી છે . પંખી કિલ્લોલ કરે છે .
ચખાસરનાં ઝુંડમાં જઈને જંબુમોરે હાવળ દીધી. ત્યાં તો હં – હં – હં – હં ….! કોઈક ઘોડાએ સામી હણેણાટી દીધી .
અવાજ ઓળખાણો. એકલમલ્લના ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો , ભાલો , ભાથો , તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં.
અહાહા ! એ જ મારા બેલીડાનો સામાન , બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો , ઝબક્યો. શું જોયું ?
“ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં ,
વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી. “
( પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે. )
“ચડી ચખાસર પાર , હોથલ ન્યારી હેકલી ,
સીંધ ઉખલા વાર , તરે ને તડકું દિયે “.
( એકલી સ્ત્રી ! દેવાંગના જેવાં રૂપ ! પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે. )
પદ્મણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જળની અંદર સંતાડી લીધું. ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો :
“ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ ,
નહિ એકલમલ્લ ઉમરો, હોથલ મુંજો નામ.”
“એ ઓઢા જામ, ઝાડની ઓથે ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ , હું તો હોથલ છુ.”
મહા પાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઊતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળી ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઈ ગયા છે. એની રોમરાઈ ઊભી થઈ ગઈ છે.
પધ્મણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મોતીનો હાર વીખરાયો હોય એવાં પાણીનાં ટીપાં માથાના વાળમાંથી નીતરવા મંડ્યાં, થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યા. પછી બોલી : ‘‘ ઓઢા રાણા, આવો.”
વાચા વિનાનો ઓઢો, હાથ ઝાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરામાં પહોંચ્યાં, ભોંયરામાં દાખલ થયાં. પાષાણના બાજઠ , પાષાણની સજાઈ , પાષાણનાં ઓશીકાં : એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદ્મણી ઊંડાણમાં ગઈ.
થોડીવારે પાછી આવી. કેસર – કુંકની આડ કરી, સેંથામાં હિંગળો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંપો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાણે હંસલી આવી. જાણે કાશ્મીરની મૃગલી આવી. સિંહલદ્વીપની જાણે હાથણી આવી. હોથલ આવી.
એકલમલ્લની કરડાઈ ન મળે , બાણાવળીના લોખંડી બાહુ ન મળે , ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે..લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા !
“ઓઢા જામ ! સમસ્યા પારખીને આવ્યો ? “
“હે દેવાંગના ! હું આવ્યો તો હતો તમને ભેરુ જાણીને. મારો સંસાર સળગાવીને આવ્યો છું . મારા ‘એકલમલ્લ’ બેલીને માટે ઝૂરતો આવ્યો છું. ”
“ઓઢા , બાપની મરણ – સજાઈ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યુ વાળ્યા પહેલાં વિવા ન કરું એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઈ – બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આખો ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર , ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના’વા પડી. તે મને ના’તી ભાળી. બસ , હવે હું બીજે ક્યાં જાઉં ? ”
ઓઢો ધરતી સામે જોઈ રહ્યો .
“પણ ઓઢા , જોજે હો ! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે . હું મરતલોકનું માનવી નથી . તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે , હો ! ”
ઓઢાની ધીરજ તૂટી –
“ચાય તો માર્ય જિવાડ્ય , મરણું ચંગું માશૂક હથ ,
જીવ જિવાડણહાર , નેણાં તોજાં નિગામરી.”
( હોથલ , હે નિગામરાની પુત્રી , ચાહે તો મને માર , ચાહે તો જિવાડ , તારે હાથે તો મરવુંયે મીઠું . )
પછી તો –
“રણમેં કિયો માંડવો , વિછાઈ દાડમ ધ્રાખ ,
ઓઢો હોથલ પરણીજેં,( તેંજી )સૂરજ પૂરજે સાખ.”
( વનરાવનમાં દાડમડીનાં ઝાડ ઝૂલી રહ્યાં છે. ઝાડવાંને માથે દ્રાક્ષના વેલા પરથરાઈને લેલૂંબ મંડપ રચાઈ રહ્યા છે. એવા મંડપનો માંડવો કરીને ઓઢો હોથલ આજ હથેવાળે પરણે છે. હે સૂરજદેવ , એની સાક્ષી પૂરજે. )
“ચોરી આંટા ચાર , ઓઢે હોથલસેં ડિના ,
નિગામરી એક નાર , બિયો કિયોરજો રાજિયો. “
( તે દિવસે સાંજને ટાણે , ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો. એક નિગામરા વંશની પુત્રી , ને બીજો કિયોર કકડાણાનો રાજવી : માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરનાં ઘર કર્યા. પશુપંખીનો પરિવાર પાળ્યો. )
******* અમરકથાઓ *******
——— સજણ સાંભરીયા ——–
એવા રસભર્યા સંસારનાં દસ – દસ વરસ જાણે દસ દિવસ જેવડાં થઈને વીતી ગયાં છે. હોથલના ખોળામાં બે દીકરા રમે છે.
કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલી હાલી છે, ઘટાટોપ ઝાડીમાં હિલોળા મચ્યા છે.
એવે એક દિવસ આધે આ ઓતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીએ એકબીજાને બથ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠો છે. એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ – ધરતીના આલિંગનમાંથી વરસાદના દોરિયા ફૂટ્યા.
“ઉત્તર શેડ્યું કઢિ્ઢયું , ડુંગર ડમ્મરિયાં ,
હેડો તડફે મચ્છ જી , સજણ સંભરિયાં. “
( ઓતરાદા આભમાં વાદળીઓની શેડ્યો ચડી , ડુંગરા ઉપર મેઘાડંબર ઘધૂંભ્યો. આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ વાદળીઓ લીલુડા ડુંગરાને હૈયે અઢળક નીરે ઢળવા લાગી. અને થોડા પાણીમાં માછલું તરફડે તેમ ઓઢાનું હૈયું તરફડવા મંડ્યું.
ઓહોહો ! ઓઢાને સ્વજન સાંભર્યા. પોતાની જન્મભોમ સાંભરી. બાળપણાના મિત્રો સાંભર્યા. વડેરો અને નાનેરો ભાઈ સાંભર્યા. કિયોર કકડાણાનો પથ્થરે પથ્થર અને ઝાડવે ઝાડવું સાંભરી આવ્યાં .
ઓઢો ઉદાસ થઈ ગયો. જન્મભોમની દિશામાં જોઈ રહ્યો. )
દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહિ. દોડીને દીકરાઓએ માતાને જાણ કરી : “ માડી , બાપુ આજ કેમ બોલતા નથી ?”
લપાતી લપાતી હોથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી. તોય ઓઢો બોલ્યો નહિ.
“ ઓઢા જામ ! શું થયું છે ? રિસાણો છો ? કાંઈ અપરાધ ? “
ત્યાં તો કેહૂ … ક ! કેહૂ … ક ! મોરલો ટૌક્યો. જાણે કિયોરની ધરતીમાંથી મોરલો સંદેશા લઈને કનરે ઊતર્યો. ડળક ! ડળક ! ડળક ! ઓઢાની આંખમાંથી આંસુ વહેવા મંડ્યાં. મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો ! ‘ કહીને હોથલે હાકલ દીધી.
“મત લવ્ય મત લવ્ય મોરલા, લવતો આઘો જા ,
એક તો ઓઢો અણોહરો, ઉપર તોંજી ધા. “
( ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા. આજ એક તો મારો ઓઢો ઉદાસ છે , અને તેમાં પાછો તું ધા પોકારીને એને વધુ અફસોસ કાં કરાવી રહ્યો છે ? )
અને મોરલા –
“મારીશ તોંકે મોર , સિગણજાં ચડાવે કરે ,
અર્થે ચિતજા ચોર , ઓઢેકે ઉદાસી કિયો.”
( તું ઊડી જા , નીકર તને તીર ચડાવીને વીંધી નાખીશ ; હે ચિતડાના ચોર , આજ તે મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો. )
કેહૂક ! કેહૂકે ! કેહૂક ! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે :
“હે હોથલ ! અસીં ગિરવરજા મોરલા , કાંકર પેટભરાં , ( મારી ) રત આવે ન બોલિયાં, ( તો તો ) હૈડો ફાટ મરાં.”
( હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડાં કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે , પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ , ચૂપ બેસી રહીએ , અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ , તો તો અમારાં હૈયાં ફાટી જાય , અમારું મોત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય ? )
એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકળ ( ડોક ) ના ત્રણ – ત્રણ કટકા કરીને કેહૂકે ! કેહૂક ! ટૌકવા લાગ્યો.
હોથલે ખભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી.
ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો. “હાં ! હાં ! હાં ! હોથલ ! “
“ગેલી મ થા ગેલડી , લાંબા ન બાંધ્ય દોર ,
ગાળે ગાળે ગળકશે , તું કેતાક ઉડાડીશ મોર ? “
( હે ઘેલી , ધનુષ્યની પણછ ન બાંધ. ગર ની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે , એમાં તું કેટલાકને મારી શકીશ ? )
“કરાયલકે ન મારીઍ , ઍ રત્તા નેણ ,
તડ વીઠાં ટૌકા કરે , નીત સંભારે સે’ણ . “
( અરે હોથલ , બિચારા મોરને તે મરાય ? એનાં રાતુડાં નેત્ર જો , કેવાં પ્યારાં લાગે છે ? અને એ બિચારાં પંખી તો ટૌકતાં ટૌકતાં એનાં વહાલેશરીને સંભારે છે. )
અરે હોથલ !
“રેલમછેલા ડુંગરા , ચાવો લગે ચકોર ,
વીસર્યા સંભારી ડીએ , તે ન મારીજે મોર. “
( આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતાં સુખની વચ્ચે માનવીને પોતાનાં વિસારે પડેલાં વહાલાં યાદ કરાવી આપે એવા પરોપકારી મોરલાને ન મરાય. )
કહેતાં કહેતાં ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે .
“ અરે ઓઢા જામ ! એવડું તે શું દુ:ખ પડ્યું ? આજે શું સાંભર્યું છે ? ” એમ પૂછતી પૂછતી હોથલ એને પંપાળે છે. પણ ઓઢાનાં આંસુ થંભતાં નથી .
એમ કરતાં કરતાં તો –
“છીપર ભીંજાણી છક હુવો , ત્રંબક હુઈ વ્યાં નેણ ,
અમથી ઉત્તમ ગોરિયાં , ચડી તોજે ચિત સેણ. “
( જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ.
ત્યાર પછી હોથલ ગરીબડું મોં કરીને બોલી : ‘’ ઓઢા , શું મારાથી અધિક ગુણવતી કોઈ સુંદરી તારા ચિત્તમાં ચડી ? નીકર , તું મને આજે આમ તરછોડત નહિ. ” )
અને –
“ખેરી બૂરી ને બાવરી , ફૂલ કંટા ને કખ ,
( પણ ) હોથલ હલો કછડે , જિતેં માડુ સવાયા લખ”
( કચ્છમાં તો ખેર , બાવળ અને બોરનાં ભૂંડાં કાંટાળાં ઝાડ ઊગે છે. ત્યાં કોઈ ફૂલ – મેવાની વનસ્પતિ નથી. તોય , એ હોથલ , મને આજ મારો કચ્છ સાંભરે છે , કેમ કે , ત્યાં લાખેણા જવાંમર્દો નીપજે છે. હાલો, હોથલ , એ ઉજ્જડ રણવગડા જેવી તોય મરદોની ભોમકામાં હાલો. )
મારો કચ્છા ! વાહ , મારું વતન ! હોથલ , મને કચ્છ વિના હવે જંપ નથી. ઓહોહો ! જયાં
“ભલ ઘોડા , કાઠી ભલા , પેનીટક પેરવેશ ,
રાજા જદુવંસરા , ઓ ડોલરિયો દેસ. “
( એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે , જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે , તે પોતાના દેહને જરાયે ઉઘાડો રાખવામાં એબ સમજે છે , અને જ્યાં જાદવવંશના ધર્મી રાજા રાજ કરે છે : એવા મારા ડોલરિયા દેશમાં – મારા કચ્છમાં – એક વાર હાલો , હોથલદે ! )
“અને વળી – વંકા કુંવર, વિકટ ભડ, વંકા વાછડીએ વછ,
વંકા કુંવર ત થિયેં પાણી પીએ જો કચ્છ. “
( રાજાના રણબંકા કુંવરો , બંકા મરદો અને ગાયોના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગી આવે , મારા જખરા – જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ , તો એ સાવજ સરખા બને. )
“હાલો , હોથલ , હાલો કચ્છમાં ; અરે , દેવી !
હરણ અખાડા નહિ છડે , જનમભોમ નરાં ,
હાથીકે વિંધ્યાચળાં , વીસરશે મૂવાં. “
( કનરાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું ? હરણ એના અખાડાને , માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે ? એ તો મરીએ ત્યારે જ વીસરાય . )
હોથલ ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી. મારાં સૂકો સળગતો કચ્છ સાંભર્યા કરે છે.
“ગર મોરાં , વન કુંજરાં , આંબા ડાળ સૂવા ,
સજણરો કવચન , જનમધર , વીસરશે મૂવા. “
( હોથલ , મારી હોથલ , મોરને એનો ડુંગર , કુંજરને એનાં જંગલ , સૂડા – પોપટને એની આંબાડાળ , વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ : એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે. )
જનમભોમની આટલી ઝંખના ! હોથલ સડક થઈ ગઈ. માનવીને માનવીના કરતાંયે જનમભોમનાં ઝાડ – પથરા આટલાં બધાં વહાલાં ? હોથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એણે જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી : “ ઓઢા રાણા ! કચ્છમાં ખુશીથી હાલો. ”
******** અમર કથાઓ ********
———- જનમ ભોમમાં ———-
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.
“હોથલ ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઈને ભેટી રહ્યાં છે. ધરતીએ સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા ! હોથલ , જનમભોમની માયા તો જો !
” ઓઢા જામ ! ” હોથલ હસી : “ હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઈને તપાસી આવો , અમે અહીં બેઠાં છીએ. “
“ કાં ? ”
” ઓઢા , ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછાં વળી જશું. “
” અંધારે ઓઢો એકલો ચાલ્યો ; શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાંનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઈ ગયાં છે. ઘરેઘરને ઓટલે ઓઢો બેસવા જાય છે ત્યાં ઘર ધણીઓ કૂતરાની જેમ હુડકારે છે.
” કોઈ એકાંતેય મારું નામ સંભારે છે ? ” ઘરેઘર ની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઈના મોમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વીસરાયા છે. વાહ ! વાહ ! સમય ! હું થાપ ખાઈ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો ત્યાં તો –
“ બાપ ઓઢાણ્ય ! બા … પો ઓઢા … ણ્ય ! બે … ટા ઓઢાણ્ય ! ” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો . ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે ?
પાછો અવાજ આવ્યો – “ બાપ ઓઢાણ્ય ! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો , બાપ ! લે હવે તો પ્રાસવ્ય ! “
મોઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો. ઓઢાને સમજ પડી : ‘ આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેસની પાડીનું એણે ‘ ઓઢાણ્ય ‘ નામ પાડ્યુ લાગે છે. ‘
ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રાસવો મેલ્યો અને ચારણે સાદ કર્યો : ‘ હાં ચારણ્ય ! તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો , ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય.
” તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી , અને દોહતો દોહતો ચારણ ‘ વાહ ઓઢા ! વાહ ઓઢા ! વાહ ઓઢા ! તારા નામને ! ‘ એમ પોરસ દેતો ગયો.
પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.
” મિતર કિજે મંગણાં , અવરાં આરપંપાર ,
જીવતડાં જશ ગાવશે , મુવાં લડાવણહાર , “
( મિત્ર કરીએ તો ચારણને જ કરીએ ; બીજી સહુ આળપંપાળ , ચારણ જીવતાં તો જશ ગાય , પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે . )
******* અમરકથાઓ *******
પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો. “ ઓઢા ! બાપ ઓઢા ‘ ઓઢા , જીવતો છો ? ”
“સાહેબધણીની દયાથી ! ”
બેય જણ બથ લઈને ભેટ્યા , ઓઢે સમાચાર પૂછ્યા :
“ ગઢવી , ભાઈ – ભાભી સહુ ખુશીમાં ? ”
“ મારા બાપ ! ભાઈનું તો મોટું ગામતરું થયું. ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઈ બુઢ્ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મૉત મારશે. ભાઈ , વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધરતીમાંથી ઈશ્વર ઊઠી ગયો છે. ”
‘‘ બસ , ગઢવા બસ ! ”
ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો.
“ હોથલ ! હાલો , જનમભોમ જાકારો દે છે. ”
“ કાં ? ”
“કાં શું ? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા દેખાડી. ”
” જનમભોમની વહાલપ જાણી લીધી ? ”
“જાણી લીધી – પેટ ભરીને માણી લીધી. ”
“ હવે ઓરતો નહિ રહી જાય ને ?”
“ સાત અવતાર સુધી નહિ.”
“હાલો ત્યારે , ક્યાં જાશું ? ”
“પીરાણે પાટણ , મશિયાઇને આંગણે.”
“ જોજે હો , તું મને ત્યાં છતી કરતો નહિ , દીધેલ કૉલ ભૂલતો નહિ. ”
#હોથલ_પદમણી_અને_ઓઢો_જામ (ભાગ-6) અંતિમ
‘’ હાલો ત્યારે , ક્યાં જાશું ? ”
” પીરાણે પાટણ , મશિયાઇને આંગણે . ”
“જોજે હો , તું મને ત્યાં છતી કરતો નહિ . દીધેલ કૉલ ભૂલતો નહિ . ”
————- અમરકથાઓ ————-
પીરાણા પાટણના સરોવર – કિનારા સૂના પડ્યા છે . પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે.
વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા : ” ભાઈ જેસળ , ભાઈ જખરાં , સરોવરની પાળે ચઢશો મા , હો ! કાળઝાળ સાવજ રહે છે. ”
પંદર – સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા , પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે “ ક્યારે સાવજ મારીએ ! ”
સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઈ ભેંકાર નરસિહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો , ડાલામથ્થો , છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઈને બેઠો છે.
“ ઊઠ , ઊઠ , એય કૂતરા ! ” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો.
વનરાજ આળસ મરડીને ઊઠ્યો. કેશવાળી ખંખેરીને ઊઠ્યો , મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊડ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી , પૂંછડાનો ઝંડો ઊંચે ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી.
પણ આભની વીજળી જેમ પ્રચંડ જળધરીને વીંધી લે , એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અધ્ધર ને અધ્ધર પરોવી લીધો. એના મરણની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાણે ચીરી નાખ્યું. પછડાટી ખાઈને એ ધરતી માથે પડ્યો . એના પ્રાણ નીકળી ગયા.
પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘ શાબાશ ! શાબાશ ! ‘ ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતા શૂરવીરો જાણે ધરાતા નથી.
“ ઓઢા જામ ! આવા મહાવીરો જેના થાન ધાવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો ! જેસળ – જખરાનું મોસાળ કોણ ? ”
ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાન્તિ પલક વારમાં શોષાઈ ગઈ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ કરી બોલે ?
અમુક વાઘેલાના ભાણેજ , ફલાણા ઝાલાઓના ભાણેજ , સોલંકીના ભાણેજ – એમ કંઈ કંઈ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી , પણ દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્યા કે “ જૂઠી વાત ! એવું કોઈ કુળ નથી. એને કોઈ દીકરી નથી. સાચું કહો , ઓઢા જામ ! “
ઓઢાની જીભ ખિલાઈ ગઈ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ – જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તરવારો તાણીને બેય ભાઈઓએ બાપના મસ્તક ઉપર તોળી.
“ બાપુ , કેમ ગોટા વાળી રહ્યા છો ? અમારી જનેતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભરદાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો ? બોલો , નીકર ત્રણેયનું લોહી અહીં છંટાશે. ”
“બેટા , રે’વા દિયો , પસ્તાશો. ”
“ભલે બ્રહ્માંડ તૂટે બોલો . “
ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઈ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઈ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું : “ દાયરાના ઠાકોરો ! દીકરાને માથે તો છે ઇદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નથી , પદમણી છે. ”
‘’ પદમણી ! કોણ ? ”
“હોથલ ! “
“ વાહવા ! વાહવા ! વાહવા ! હોથલના પેટમાં પાકેલા પુત્રો ! હવે શી તાજુબી ! ઓઢાને ઘેર હોથલદે નાર છે . વાહ રે ઓઢાના તકદીર ! પદમણીનો કંથ ઓઢો ! ”
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે ? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે ! ઓઢા , વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા.
“ચિઠિયું લખિયલ ચાર , હોથલજે હથડે ,
ઓઢા વાંચ નિહાર , અસાંજો નેડો એતરો. “
( હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા , આપણા નેહ – સ્નેહનો આટલેથી જ અંત આવ્યો. )
“આવન પંખિ ઊડિયાં , નહિ સગડ નહિ પાર ,
હોથલ હાલી ભોંયરે , ઓઢા તોં જુવાર , “
ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી , પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોટે ?
“ભૂંડું લાગે ભોંયરું , ધરતી ખાવા ખાય ,
ઓઢા વણનાં એકલાં , કનડે કેમ રેવાય ? “
( ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે. )
“સાયર લેર્યું ને પણંગ થર , થળ વેળુ ને સર વાળ ,
દનમાં દાડી સંભરે , ઓઢો એતી વાર. “
(સાયરનાં જેટલાં મોજાં , વરસાદનાં જેટલાં બિંદુ , રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ , તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે . )
“દાડી ચડતી ડુંગરે , દલના કરીને દોર ,
ઝાડવે ઝાડવે જીંગોરતા , (હું) કેતાક ઉડાડું મોર ? “
(ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે . મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે , ત્યાં હું કેટલાકને ઉડાડું ? )
બીજી બાજુ –
“સામી ધાર દીવા બળે , વીજળી ચમક ભળાં ,
ઓઢો આજ અણોહરો , હોથલ નૈ ઘરાં. “
( સામા ડુંગરામાં દીવા બળે છે , વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે , કેમ કે હોથલ ધેર નથી. )
ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ …..
****** અમરકથાઓ ******
પોતાની શરતનુ ઉલ્લંઘન થયુ અને પોતે છતી થઇ ગઇ
આ વાતની હોથલને ખબર પડતા તેણે પોતાની શરત મુજબ વિજોગ સ્વીકાર્યો અને એક માર્મિક પત્ર લખી મોકલ્યો કે ઓઢા જામ હવે હું કનડાના ડુંગરમાં ચાલી જાવ છું તો શોધતા નહિ પણ
➡આ કુમારોના લગ્ન ટાણે કંકોત્રી જરૂર પહોચાડજો. હોથલ કનડાના ડુંગર ઉપર એવો વલોપાત કરતી અને ઝૂરતી કે ડુંગરની ટુંકો પણ રીતસર ગાજી ઉઠતી હતી. પણ પોતાની ટેકને માટે બળતી ઝૂરતી વિરહની વેદનામાં સાવ પડી ભાંગી હતીને બેય ચાતકોની જેમ ઝૂરતા રહ્યા.
ઓઢાને પણ એટલો જ વિજોગ ખૂંચે છે…..
હોથલ કહે છે કે….
” ભૂડું લાગે ભોયરું ધરતી ખાવાને ધાય,
ઓઢા વિણ એકલું,હવે કનડે કેમ રેવાય.”
આનો બીજો કોઈ ઉકેલ પણ હતો નહિ પોતાની શરતનું પાલન કરવું જ પડે તેમ હતું,આથી ઓઢા જામે સ્વીકારી લીધું અને કચ્છમાં આવી ગયો પણ હોથલ વિના એક પળ પણ સરખી જાતી નથી.
આથી બન્ને જોરાવર દીકરાઓને ચિતા થાય છે કે બાપુજી આપ જેવો સમર્થ શુરવીર પુરૂષ આ રીતે કાં સાવ ઢીલાઢફ લાગે આ અમારાથી તો જોયું જાતું નથી બોલો આપનું આ દુખ ભાંગવા શું કરીએ પણ પિતા ઓઢા જામ કશું જ કહેતા નથી
પરંતુ પછી ખબર પડી કે જો અમારા લગ્ન થાય તો હોથલમા પાછી આવે આથી બાપે બેય દીકરાના લગ્નની તૈયારી કરી અને હોથલને કંકોતરી લખી તેડાવી.બંને ભાઈના લગ્ન ધામધૂમથી થયા અને જયારે લગ્ન પૂર્ણ થયા ત્યારે ઓઢાને ફાળ પડી કે હોથલ તો હવે પાછી ચાલી જશે,
ત્યારે નવી આવનાર ખાનદાન વહુએ જયારે હોથલને પગે લાગી ત્યારે હોથલ બોલી કે બોલ બેટા શું માંગે તે આપું.
ત્યારે સન્નારી એ કીધું માં અમને આપની સેવા કરવાનું સદભાગ્ય સાંપડે એવી તક આપો. આથી હોથલ આ વહુના માટે રોકાઇ ગઈ અને ઓઢા જામને પણ પૂર્ણ અવતાર મળ્યો.
કોઇ વાર્તાકાર કહે છે કે જ્યારે લગ્નમાં હોથલ આવે છે, ત્યારે આશિર્વાદ આપી જવા નિકળે છે, ત્યારે વહુ હોથલનો પાલવ પકડી લે છે…. અને રોકાઇ જવા વચન માંગે છે.
કોઈ વાર્તાકારો વળી એમ પણ કહે છે ઓઢા જામે હોથલના વિરહમાં જુરી જુરી દેહ પાડી નાંખેલ પણ હોથલ પંખણીનું રૂપ ધારણ કરી અંતરીક્ષમાંથી ઓઢાનો દેહ ઉપાડી આવી હતી.
ઓઢાએ મણિયારો ગઢ બંધાવ્યો હતો, આજે પણ કૈયારી કોઆસર પાસે ઓઢા જામ અને હોથલનું અને જખરા અને જેસલનું સ્થાનક છે.

                                                           —–જેવેરચંદ મેઘાણી 

 14 .ચીઠી 

રજાનો દિવસ હતો. અને હું ચોકમાં હિંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું, ‘કોઇ મળવા આવ્યું છે.’ મળવા આવનારને અંદર લાવવા મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ ઉપર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મુક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, “હું ગઇ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચાહ વેચનારા ચાહની તારીફ આપ્યા કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાહની દુકાન છે ત્યાંની ચાહ આ બંનેથી સારી છે.
કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઇચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો. તા.ક. આ માણસ મારા સગામાં છે.” ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મુકાય છે એમ મને લાગ્યું પરંતુ ‘સંબન્ધમાભાષણ પૂર્વમાહુઃ! (વાતચીત થઈ એટલે તરત મૈત્રી થયેલી ગણાય છે) એ રઘુવંશનું વચન લક્ષમાં લઇ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું, તે બોલ્યો 
“મારા ભાણેજ છગનલાલ માટે વહીવટદાર સાહેબ વધારે પગારની જગાની ભલામણ નથી કરતા. છગનલાલને આ જગ્યાએ અઢી વરસ થયાં. અને વસ્તીપત્રકમાં પિંજારાના મહોલ્લામાં એને ગાળો ખાવી પડેલી. પણ છગનલાલ રૂશ્વત ખાય છે એમ કહી નોંધણી કામદારે વહીવટદાર સાહેબના મનમાં ખોટો વહેમ ઘાલ્યો છે, પણ નોંધણી કામદારની મરજી એ જગા પોતાના ભાઈબંધ અમથાલાલના દીકરા છોટાલાલને આપવાની છે. બહારથી એમ બતાવે છે કે અમથાલાલ સાથે મારે ભાઈબંધી નથી. પણ, નોંધણી કામદાર અહીં આવ્યા પહેલાં સાવલીમાં હતા ત્યારે અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે રહેતા હતા. એ કહે છે કે હું દશ ઘર છેટે રહેતો હતો એ ખોટું છે. ત્રણ ઘર છેટે રહેતા હતા એવો પુરાવો હું આપ સાહેબને બતાવું.”
મેં કહ્યું, “મારે એવો પુરાવો શું કામ જોવો પડે?”
“વહીવટદાર સાહેબને ખાતરી કરાવાય કે નોંધણી કામદારને અમથાલાલ સાથે ભાઈબંધી છે.”

“તમારે તેમને ખાતરી કરાવવી હોય તો તમે કરો.”

“નાયબ ફોજદાર સાહેબને પૂછશો તો તે પણ હા કહેશે.”

“શાની હા કહેશે?”
“સાવલીમાં અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે નોંધણી કામદાર રહેતા હતા. એક ઊંટની ચોરીની તપાસ કરવા નાયબ ફોજદાર સાહેબ ત્યાં ગયા હતા. રાવળીઆનું ઊંટ હતું અને બજાણીયા ચોરી ગયા એવું ચારણ લોક કહેતા હતા.”

“આ બધી હકીકત મને કહેવાની શી મતલબ છે
“વહીવટદાર સાહેબ ઉપર આપ સાહેબ ચિઠ્ઠી લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે, તો એની ભલામણ કરે.”

“ક્યા ગામના વહીવટદાર અને તેમનું નામ શું?”

ચિઠ્ઠીના પ્રાર્થીએ ગામ અને નામ કહ્યું. મેં કહ્યું “પણ હું એ સાહેબને ઓળખતો નથી. કોઇ દિવસ એમને મળ્યો નથી.”

“પણ આપને તો એ નામે ઓળખતા હશે. આપનું નામ તો જાણીતું છે. એટલું લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે માટે ભલામણ કરશો તો તો ગરીબ માણસનું કામ થાય.”

“હું છગનલાલને ઓળખતો નથી. એ ગામે હું કોઇ દિવસ આવ્યો નથી તો હું શી રીતે કહી શકું એ રૂશ્વત નથી ખાતો? એ બચરવાળ છે તે બતાવવા તો તમે વહીવટદાર સાહેબ આગળ એનાં છોકરાંને લઇ જઇ ઊભાં કરજો. મેં કાંઇ એનાં છોકરાં જોયા છે?”

“નોંધણી કામદારે ખોટો વહેમ ઘાલ્યો છે તેથી એ માર્યો જાય છે”

“જુઓ ભાઈ, હું તમને નથી ઓળખતો, વહીવટદાર સાહેબને નથી ઓળખતો, નોંધણી કામદારને નથી ઓળખતો, છગનલાલને નથી ઓળખતો. હું આ કામમાં શી રીતે વચ્ચે પડું?”

“અમથાલાલની બધી ખટપટ છે. છોટાલાલને જગા અપાવવા માટે એ અમલદારોના કાન ભંભેરે છે. ઊંટની ચોરીના કામમાં પણ એણે બહુ ખટપટ કરેલી… એનો કોઇ કાકો પણ ખટપટીઓ છે.”

“તેમાં મારે શું?”

“ગોવિંદલાલભાઈએ આપને કાગળ લખી આપ્યો છે. આપ સિવાય મારે બીજો આધાર નથી.”
“ગોવિંદલાલભાઈ સાથે મેળાપ થયાનું મને યાદ રહ્યું નથી, પણ મને એમણે સંભાર્યો તે મહેરબાની કરી છે. તમે એમના શા સગા થાઓ?”

“એમની દીકરીના દીકરાની સગાઇ મારા મામાની છોડી વેરે થવાની છે.”

“તમારી હકીકત મેં સાંભળી લીધી. હું ચિઠ્ઠી લખી આપી શકું તેમ નથી.”

“પણ સાહેબ મારો ભાણેજ રૂશ્વત ખાતો નથી અને બચરવાળ છે.”

“હું ક્યાં કહું છું કે એ રૂશ્વત ખાય છે અને બચરવાળ નથી?”

“તો સાહેબ ચિઠ્ઠી-“

“ચિઠ્ઠીની વાત કરશો જ નહિ. હવે બંધ કરો.”

છગનલાલના પ્રમાણિકપણા વિષે અને બહોળા કુટુંબ વિષે ઘણાં આગ્રહનાં વચનો સાંભળી મારે એ માણસને આખરે વિદાય કરવો પડ્યો.
નવલકથા આગળ વાંચવી મેં શરૂ કરી. પણ, અડધું પાન વાંચ્યું એટલામાં તો બીજો મળનાર આવી પહોંચ્યો. તેણે આપેલો કાગળ હું વાંચતો હતો. એટલામાં તેણે પાટ પર બેઠા બેઠા ડોકું કરી તથા લાંબો હાથ કરી બુમો પાડી કે જગાભાઈ! આવોને! ભગાભાઈ! આવોને! ગગાભાઈ! આવોને! એમ કહી બારણે ઊભેલા પાંચ છ માણસોને તેણે ચોકમાં બોલાવ્યા અને તેઓ આવી તેની જોડે પાટ ઉપર બેઠા. મને આપેલો કાગળ મારા ઓળખીતાનો હતો. તેથી આ મહાશયને મેં સકારણ ગણી આગમન કારણ પૂછ્યું. પ્રથમ આવનારે કહ્યું. “અમારા ગામમાં સરકાર સુધરાઈ ખાતું કાઢે છે.”

મેં કહ્યું, “બહુ સારું”
બધા બોલી ઉઠ્યા, “શું બહુ સારું? કર નાખે તેથી અમે બધા વેપારી માર્યા જઇએ.”

“ગામમાં રસ્તા થશે, દીવાબત્તી થશે, નિશાળ નહિ હોય તો નિશાળ થશે, દવાખાનું થશે. એ બધું કાંઇ કર નાખ્યા વગર થાય?”

“અમારે તો એમાંનું કાંઇ ના જોઇએ. નિશાળ તો હોય છે તે સરકારને બંધ કરવી હોય તો બંધ કરે. છોકરા નજીકને ગામ જઇ ભણશે. પણ સુધરાઈ ના જોઇએ. અમારું ગામ તો ખાડા ટેકરાવાળું છે. તેમાં સુધરાઈને શું કરવી છે? આજ લગી સુધરાઈ વિના ચાલ્યું અને હવે સુધરાઈ શા માટે કાઢે છે?”

“એ બધું મને શા માટે કહેવા આવ્યા છો?”

“દીવાન ઉપર ચિઠ્ઠી લખી આપો કે અમારા ગામમાં સુધરાઈ ના કાઢે.”

“એમ શી રીતે બને? રાજ દીવાન સાહેબને ચલાવવું અને હું અહીં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખું કે આમ કરજો અને આમ ન કરજો! રાજ વહીવટના કામમાં મને માથું મારવાનો શો હક?”

” આપ દીવાન સાહેબને લખો કે આ ગામ સુધરાઈ કાઢવા સરખું નથી. સુધરાઈથી ગામમાં ખટપટ જાગશે માટે સુધરાઈ કાઢવી ન જોઇએ.”

“દીવાન સાહેબે તજવીજ કરીને અને કાગળો વાંચીને જે અભિપ્રાય બાંધ્યો હોય તે મારી ચિઠ્ઠીથી ફેરવી નાંખે એ આપની માગણી વ્યાજબી છે? જેને માથે રાજની જવાબદારી હોય તે નક્કી કરે કે ફલાણા પગલાં લેવાં કે ન લેવાં. હું એમાં મારો અભિપ્રાય આપી શકું નહિ.”

“ભાઈએ તો કહ્યું કે તમે જશો એટલે ચિઠ્ઠી લખી આપશે.”

મારે કેવી રીતે વર્તવું એ નિર્ણય કરવાની થોડી ઘણી છૂટ તો મને ખરી કે નહિ?” એ ગામમાં સુધરાઈ સ્થપાયાથી પડવાનાં દુ:ખ વિશે અનેક કલ્પનાઓ સંભાળવી ડેપ્યુટેશન ઘણી આનાકાનીથી વિદાય થયું.

નવલકથાનું પાનું હું પૂરું કરી રહ્યો એટલે એક વહોરાને લઇ એક માણસ આવ્યો. તેણે કહ્યું, ‘…..ભાઈએ કહ્યું છે કે આ વહોરાજીની હકીકત માટે એને ચિઠ્ઠી લખી આપવા જેવું છે.’ સંદેશો કહી તે ચાલતો થયો અને વહોરાજીને બક્ષીસ રૂપે મૂકતો ગયો. વહોરાજીને પૂછતાં માલુમ પડ્યું કે કોર્ટમાં તેની અપીલ ચાલવાની હતી તે કોર્ટના ન્યાયાધીશ પર તેને ચિઠ્ઠી જોઇતી હતી. મેં કહ્યું, “ઇન્સાફના કામમાં ચિઠ્ઠી અપાય નહિ.”

“હું બી એવી જ ચિઠ્ઠી માંગુ છું કે ઇન્સાફ કરજો.”

“એ સાહેબ હંમેશ ઇન્સાફ જ કરે છે. ત્યારે ચિઠ્ઠીની જરૂર શી?”

“ફક્ત જમણી અને દાબી આંખ જેટલો ફરક રાખે એટલી મારી અરજ છે.”

” મતલબ કે મારે લખવું કે આ વહોરાજી તરફ પક્ષપાત કરી ગેરઇન્સાફ કરજો?”

“નહિ સાબ, આદમ જાતને દાબી જમણીમાં ફરક કરવો પડે છે.”

“ઇન્સાફ કરનારને તો જેનું ખરું હોય તે જમણો અને જેનું ખોટું હોય તે ડાબો. તમારું ખોટું જણાય તો પણ ન્યાયાધીશ તમને જમણા ગણે એવી ભલામણ શી રીતે કરી શકાય?”

“….ભાઈએ તો કહ્યું કે તમને જરૂર ચિઠ્ઠી લખી આપશે.”
“એ સાહેબ તો મોટા માણસ છે. એમણે આવી ભલામણ કરી તે બહુ નવાઈ લાગે છે. પણ ઇન્સાફના કામમાં ન્યાયાધીશને હું કદી ચિઠ્ઠી લખતો નથી કે ભલામણ કરતો નથી.”

દાબી જમણી આંખની ફિલસુફી મને અનેક પ્રકારે ફરી ફરીથી સમજાવી વહોરાજી ઘણી નામરજીથી વિદાય થયા. પરંતુ નવલકથા આગળ વાંચવાનું મારા નસીબમાં નહોતું. મારો જૂના વખતનો જાણીતો અને સરકારી નોકરીમાંથી બરતરફ થયેલો એક કારકુન તરત દાખલ થયો. તેની બરતફીના હુકમમાં રહેલી ભૂલો વિષે વિસ્તારી વિવેચન તેણે મને અનેકવાર સમજાવ્યું હતું. અને તેની પુનરુક્તિ માટે હું સજ્જ થયો. પરંતુ તેણે જુદી દિશામાં વહાણ વાળ્યું હતું. તે બોલ્યો, “મારી પ્રથમની નોકરી પાછી મેળવવાની માથાકૂટ મેં મૂકી દીધી છે. મને બીજી નોકરી મળે તો બસ છે. તમે મારા છોકરાને નિશાળમાં નોકરી અપાવી પણ ઇજનેર ખાતામાં નોકરી માટે મેં અરજી કરી છે. માટે ઇજનેર સાહેબ પર મને ચિઠ્ઠી આપો કે એમના ખાતામાં જો…

નોકરી મારા લાયક હોય તો મને રાખે. અને ઇજનેર સાહેબના ઉપરી સાથે તમારે ઓળખાણ હોય તો તેમના પર ચિઠ્ઠી લખી આપો અને વસુલાત ખાતાના મોટામાં મોટા અધિકારી સાથે તમારે પિછાણ હોય તો તેના પર ચિઠ્ઠી લખી આપો કે તમારા તાબાના સૌ અધિકારીઓને ભલામણ કરજો કે રૂા. ૭૫ની જગા ખાલી પડે ત્યારે પહેલી આ માણસને આપે. અને જંગલખાતાના ઉપરીને તમે ઓળખતા હો તો તેના ઉપર ચિઠ્ઠી લખી આપો કે ખાલી પડતી જગા આ માણસને આપજો. અને હાલ જગા ખાલી ન હોય તો નવી જગા કહાડી આપજો. તમે લખશો તો જરૂર નવી જગા કહાડશે. મીઠા ખાતાના ઉપરીને તો તમે ઓળખો છો માટે તેના પર ચિઠ્ઠી લખી આપો કે મારો માણસ છે. માટે આને જગા આપ્યા વગર ચાલે તેવું નથી; કોઇ એમની વિરુદ્ધ કહે તો સાંભળશો નહિ.”
“તેના કરતાં હું તમને ગવર્નર જનરલ પર ચિઠ્ઠી લખી આપું તો કેમ?”

“શી ચિઠ્ઠી લખી આપશો ?”

“ચિઠ્ઠીમાં એમ લખું કે આ માણસને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા આપજો. કેમકે નાણા વિના એ બહુ દુ:ખી થાય છે.”

“તમારે મન તો મશ્કરી છે પણ અમે કામધંધા વગર હેરાન થઈએ છીએ.”

“ત્યારે તમે જુદા જુદા અમલદારો પર મારી પાસે અણઘટતી ચિઠ્ઠીઓ લખાવી મારી હાંસી કરવાના પ્રયત્નો કરો છો એ તમારા ધ્યાનમાં નથી આવતું? એવી માંગણી હું કરું તે તેઓ સ્વીકારી શકે?”

“માગણી કરવામાં તમારું શું જાય છે? મારું નસીબ હશે તો કોઇ જગાએ જોગવાઇ થઈ જશે.”

“તમારે મન તો એમ કે વાગે તો તીર નહિતર ટપ્પો! હું મૂરખ ગણાઉં તેની તમને ચિંતા નથી.”

“સાહેબ, આટલી ઉમ્મરે મારી નોકરી ગઇ. હવે હું શું ધંધો કરું? બરતરફ થયેલા માણસને નોકરીમાં રાખવા કોઇ ખુશ ના હોય એ શું વાજબી છે? પરમેશ્વરને કોઇ કહેનાર નથી કે એ લોકોને આવી કુબુદ્ધિ કેમ આપે છે?”

“મને એવો વિચાર આવે છે કે બધું મૂકી તમને પરમેશ્વર પર લખી આપું કે ‘આ માણસને સ્વર્ગમાં દાખલ કરજો. એણે કાંઇ પુણ્ય કર્યાનું તો મારા જાણવામાં નથી. પણ એ મારો ઓળખીતો છે.’ પછી તમારે આ દુનિયાની વાતોની કાંઇ પરવા જ કરવાની નહિ, અને તમે સ્વર્ગમાં જઇ તમને થયેલા અન્યાય વિષે પરમેશ્વર સાથે સવાલજવાબ કરજો.”

“હજી તો મારે ઘણું જીવવું છે. રસ્તો ખોદનારા મજુરોની હાજરી લખવાની હંગામી નોકરી મને મળે તેવી ચિઠ્ઠી લખી આપો એટલે બસ છે. હું રૂશ્વત લીધા માટે બરતરફ થયો નથી પણ વગર રજાએ ગેરહાજર રહ્યા માટે બરતરફ થયો છું એટલું ચિઠ્ઠીમાં સમજાવજો.”

ચિઠ્ઠી લઇ તે વિદાય થયો. પણ, સૂર્ય આથમે ને ચંદ્ર ઊગે તેમ તેની પીઠ અદ્રશ્ય થઈ તે તરત એક કંટ્રાટ્રી દાખલ થયો. એણે મ્યુનિસિપાલિટીની નિશાળનું મકાન બાંધવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ બાંધકામમાં ચુનાને ઠેકાણે ચારું વાપર્યું હતું. ઇંટો પાકી લાલને બદલે આમરસી વાપરી હતી. લાકડાં મલબારી સાગને બદલે વલસાડી સાગ વાપર્યા હતાં, પાટીયાં આખાંને બદલે કાટવાળા વાપર્યા હતાં. વળીઓ ઓછી જાડાઇની વાપરી હતી. અને સ્ક્રૂને બદલે ખીલા વાપર્યા હતા. પાયા શરત પ્રમાણે ઊંડા કર્યા નહોતા; એવા કારણથી મ્યુનિસિપાલિટી તરફથી કોન્ટ્રાક્ટના પૈસા મળતા નહોતા. મેં પૂછ્યું, “મ્યુનિસિપાલિટી આ વાંધા કાઢે છે તે ખોટા છે?”

“બીજા અદાવતીઆ કંટ્રાટીઓની નનામી અરજીઓ પરથી મ્યુનિસિપાલિટીએ આ વાંધા કહાડ્યા છે!”

“પણ કોઇએ આ વાંધાના ખરાખોટાપણા વિષે તજવીજ કરી છે?”

“સરકારી ઇજનેર ખાતાના ઓવરસિયરે મ્યુનિસિપાલિટીના લખાણ ઉપરથી તજવીજ કરી છે.”

“તેમણે શો રીપોર્ટ કર્યો છે?”

“તેમણે તો લખ્યું છે કે મકાન તદન રદી છે અને પાડી નાખવું જોઇએ.”

“એટલે આ વાંધા એમને ખરા લાગ્યા છે?”

“હા, પણ મારા અદાવતીઆની ખટપટથી આ કામ ઊભું થયું છે.”

“કામ ઊભું થવાનું કારણ ગમે તે હોય પણ તમે કોન્ટ્રાક્ટ પ્રમાણે બાંધકામ કર્યું નહિ અને નબળું મકાન કર્યું તો તમને મ્યુનિસિપાલિટી નાણાં શી રીતે આપે?”

“સાહેબ, હું માર્યો જાઉં છું. મારે માલ માટે વેપારીઓનાં બીલ ચુકવવાનાં છે અને કડીઆ સુતારના રોજ ચુકવવાના છે. મ્યુનિસિપાલિટી પૈસા ન આપે તો હું શી રીતે નાણું પતાવું? “
“કપટ કર્યું તો તેનું ફળ ભોગવો.”

“કપટ શાનું! બધા કંટ્રાટીઓ એમ જ કરે છે. આ તો છીંડે ચડ્યો તે ચોર. કંટ્રાટ પ્રમાણે બધું કામ કરે તો કંટ્રાટીઓ કમાય શું? વચમાંના નાના નોકરોના મન મનાવવાં પડે અને હરીફાઇમાં કંટ્રાક્ટની રકમ તો ઓછી રાખવી પડે. ચસમપોશી વિના ધંધો જ ચાલે નહિ.”

“એ નીતિશાસ્ત્ર તમને મુબારક હો. પણ, હું કામમાં શું કરી શકું ?”

“મ્યુનિસિપાલિટીના સેક્રેટરી સાહેબ ઉપર આપ ચિઠ્ઠી લખી આપો તો મારું કામ થાય.”

“એવી ચિઠ્ઠી લખી આપું કે મ્યુનિસિપાલિટીનું હિત બગાડી આ માણસને નાણાં આપજો?”

“સેક્રેટરી સાહેબ તો ધારે તે કરી શકે.”

“શું ધારે? તમારા બાંધકામ માટે ઇજનેર ખાતાએ રીપોર્ટ કર્યો હશે, એમણે પોતે રીપોર્ટ કર્યો હશે, સરકારી ઓવરસિયરે રિપોર્ટ કર્યો છે, તે છતાં તમને નાણાં આપવાનું શી રીતે ધારે?”

“બધા કાગળ એક જ તુમારમાં છે.”

“તેથી શું?”

“એ તુમાર ગુમ થઈ જાય તો હું બીજા સારા રીપોર્ટ મેળવી શકું.”

“સેક્રેટરી સાહેબને દગો કરવા ચિઠ્ઠી લખું એવી સૂચના કરતાં શરમ નથી આવતી?”

“સાહેબ હું માર્યો જાઉં છું. બચરવાળ છું ગરીબ માણસ છું. આપ ભલામણ ન કરશો પણ ચિઠ્ઠી લખી આપો તો બસ છે. તે ચિઠ્ઠી લઇને સેક્રેટરી સાહેબને આપીશ. ચિઠ્ઠીમાં ગમે તે લખજો.”

“ગમે તે લખીશ તો ચાલશે.”

“હા સાહેબ.”
“નોટ પેપર લઇ તે પર ચિઠ્ઠી લખી આ પ્રમાણે વાંચી સંભળાવી :”આ ચિઠ્ઠી લાવનાર જે માગણી કરે છે તે એવી અઘટીત છે કે હું તેની ભલામણ કરું જ નહિ પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી અને સ્વાર્થથી અંધાપો આવે છે તેના નમુના તરીકે આ માણસને આપની પાસે મોકલું છું. એ કહેશે તેથી આપને ક્રોધ ચઢશે પણ કામના બોજામાં રમુજ પણ થશે.

“તે બોલી ઉઠ્યો, “સાહેબ! આવી ચિઠ્ઠી?”

“તમે તો કહો છો ને કે ગમે તેવી ચિઠ્ઠી લખશો તો ચાલશે.”

“ગમે તેવી એટલે મને ગમે તે રીતે ફાયદો કરે તેવી.”

“હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો તમે કરવા ધારેલા દગા વિશે હું પોલીસને ખબર આપીશ.”

કંટ્રાટી ચાલ્યો ગયો. “ગમે તેવી” ચિઠ્ઠી પડી રહી.

ચિઠ્ઠીના પ્રાર્થયિતાઓની ‘લેવી’ સાંજ સુધી ચાલુ રહી. નોકરી માટે, બદલી માટે, ઘર ભાડે આપવા માટે, વરકન્યાના સગપણ માટે, મફત મોતીઓ કાઢવા માટે, વેપારની ભાગીદારીમાં સામેલ કરવા માટે, કરામાં બારણું મુકવા દેવા માટે, વગેરે કામ કરવા માટે ભલામણની ચિઠ્ઠીઓ માગનારા એક પછી એક આવતા જ ગયા. મને શક પડ્યો કે મારે બારણે કોઇએ પાટીયું માર્યું હશે કે “આ ઠેકાણે ચિઠ્ઠીઓ અપાય છે.” તે માટે હું ઓટલે જઇને જોઇ આવ્યો પણ એવું પાટીયું જોવામાં આવ્યું નહિ. પ્રાત:કાલે આશા રાખી હતી કે આજે રજા છે. તેથી આરામ લેવાશે, નવલકથા વંચાશે, અને દહાડાની થોડી ઉંઘ લેવાશે તે બધી આશા વ્યર્થ ગઇ. સૂર્યાસ્ત થતો હતો ત્યારે સ્વ. મણિશંકરના ‘વસંતવિજય’માંના એક શ્લોકમાં થોડા શબ્દ બદલી હું ઉચ્ચારવા લાગ્યો,

“ઘેલી બની બધી સૃષ્ટિ ચિઠ્ઠીમાં હાલ નહાય છે ! હાય ! એક જ આ મારા હૈયામાં કૈક થાય છે.”


   15 . મને ડાળે વળગાડો 


ઘણા સૂવા માટે જગ્યા પસંદ કરે , પછી ખાટલાની પાંગત બરાબર ખેંચે , ત્યાર બાદ ગાદલાનું પરીક્ષણ કરે , છેવટે પાતળી ચાદર ઓઢવી કે જાડું ગોદડું રાખવું એ માથાકૂટમાં સવાર પડે અને સૂવાનો સમય જ ન રહે.

અમારા મિત્ર ધીરજલાલ ને પણ આમ જ થયું. અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈ એ બી. એ. પાસ થયો. ગામમાં સૌ પહેલો ધીરુ ગ્રેજ્યુએટ થયો. સાહિત્યનો શોખીન પણ ખરો. દસબાર કાવ્યો પણ કંઠસ્થ કરેલાં. થોડાં મુક્તકો પણ ધીરુને મોઢે થઈ ગયેલાં, તે પ્રસંગ હોય તોપણ રજૂ કરતો અને અનુરૂપ પ્રસંગ ન હોય તોપણ રજૂ કરતો. અમારા વાસુકિ સંસ્કારમંડળે ધીરજલાલનું સન્માન કર્યું. ગામમાં ધીરુના નામનો ડંકો દેવાઈ ગયો. જ્ઞાતિમાં પણ ચારે તરફ પ્રસિદ્ધિ પ્રસરી ગઈ. અમરકથાઓ

ધીરુ ભાગ્યશાળી પણ ખરો , કારણ , સગપણના કાગળો મંડ્યા આવવા , પણ કાગળ વાંચી ધીરજલાલ ગંભીરપણે પ્રશ્ન કરતો , “ બીજું બધું તો ઠીક , પણ કન્યા ગ્રેજ્યુએટ છે ? ”

સામેવાળા કહેતા , “ ના , ભઈ , ગ્રેજ્યુએટ તો ક્યાંથી હોય ? આ ભણતર અને ચણતર તો અત્યારે વધ્યાં છે . પહેલાં ક્યાં આવું બધું હતું ? ”

ધીરુ કહેતો , “ ગ્રેજ્યુએટ કન્યા વગર મારી આ ઊર્મિઓની અભિવ્યક્તિ હું ક્યાં જઈ કરું ? મારા આ ઉત્તમ સાહિત્યિક વિચારોને કોણ સમજશે ? કન્યા ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. ”

ધીરુની ગ્રેજ્યુએટ કન્યાની જિદ્દના હિસાબે ઘણી સંસ્કારી , સમજદાર , સુંદર કન્યાઓની અવગણના થઈ. પરિવારને સાત વર્ષ તો માત્ર ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં પસાર કરવા પડ્યાં.

ધીરુ પણ મૂંઝાયો. કલ્પનાના આકાશમાંથી વાસ્તવિકતાની ધરતી પર મંડ્યો ધીરેધીરે આવવા. “ચાલો , ઇન્ટર પાસ પણ ચાલશે. બસ , હું ચલાવી લઈશ.” અમરકથાઓ

આમ ધીરજલાલે પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. વળી, ચાર વર્ષ વીતી ગયાં. પછી તો ધીરુની મૂંઝવણનો પાર ન રહ્યો.

જવા દ્યો બધું અને હવે માત્ર મૅટ્રિક પાસ અને કરો તપાસ.”

પણ પછી તો ધીરજલાલની ઉંમર પણ સામાવાળા ગણતરીમાં લેવા લાગ્યા. મેટ્રિક પાસનો પણ મેળ ન ખાધો. ધીરુ છેવટે શાળાંત પાસ માથે આવી ગયો અને હવે નવમી ડિસેમ્બરે ધીરજલાલને છત્રીસ વર્ષ પૂરાં થશે.
અત્યારે ધીરજલાલ એમ કહે છે , “ કન્યાને અક્ષરજ્ઞાન હું આપીશ , પણ મને ડાળે વળગાડો , મને પરણાવો.”

ધીરુ ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છે એવો કે લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. ગામમાં જે શેરીમાં લગ્નના ઢોલ વાગતા હોય ત્યાં બાઝવા દોડે છે અને કહે છે , “ ઢોલ , બીજી શેરીમાં જઈ વગાડો. ” શરદપૂર્ણિમાની રાતે સરખી સાહેલીઓ રાસ રમવા નીકળે છે ત્યાં ધીરુની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. ગામમાં જાગરણ હોય ત્યારે એ બહારગામ જતો રહે છે. પછી એને ખ્યાલ આવે છે કે અહીંયાં પણ જાગરણ છે.

એટલે હું યુવાનોને ગામોગામ જઈને કહ્યા કરું છું કે પસંદગીનાં ધોરણ બહુ ઊંચાં ન રાખશો , સાથે પોતાની લાયકાત પણ જોતા રહેજો , નહીંતર એસ. ટી. ડેપો પહોંચવામાં એટલું બધું મોડું થઈ જશે કે લક્ઝરી બસ તો બધી ઊપડી જશે , પરંતુ સાદી બસ પણ ચૂકી જશો.
                        ——શાહબુદ્દીન રાઠોડ 

16 . આવ ભાણા આવ 

મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું : ‘પપ્પા, મારે બૂટ લેવા છે.’
મેં કહ્યું : ‘બૂટની શું કિંમત છે ?’


અફઝલ કહે : ‘બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાનાં.’

મેં તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું, ‘લઈ લેજે બૂટ-મોજા અને વધે તે રાખજે.’

એક કલાકમાં એ બૂટ-મોજા લઈ પાછો આવ્યો. તેના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત નવાં બૂટ-મોજા પહેરી તે સ્કૂલે જવા રવાના થયો… એ સ્કૂલે ગયો અને હું શૈશવના સ્મરણોમાં સરી પડ્યો.

અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર. એ અમારા ગામની નાનકડી મોચી બજાર – પાંચ-છ દુકાનો, તેમાં કામ કરતા જેઠામામા, દુદામામા, ભગતમામા – બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુ:ખો વેઠ્યાં છે તેનાં સ્મૃતિમાં સંઘરાઈને પડેલાં ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યાં.

સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધીસર માગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ -છોટુભાઈ, પછી અમીનાબહેનને, પછી મારી બા સમક્ષ હું રજૂઆત કરતો, પછી મારા બાપુજીને જણાવતો. પરિવાર સામેના અસ્તિત્વને ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ આપતું નહીં. સાતમ-આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે પ્રસંગો બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને અવારનવાર માગણી નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર પ્રયાસો ચાલુ રાખતો.   
આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે એક જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના સમગ્ર સભ્યોની મિટિંગ મળતી. બૂટ કરતા કઈ-કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી.

મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું, ‘જૂના બૂટને રીપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીંગડાં મરાવી, નવી સગથળી નખાવી, પોલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા, નવા જેવા બનાવી દેવા.’

મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. નિર્દોષ છૂટવાને બદલે પાંચ વર્ષની સાદી કેદની સજા સાંભળે એમ હું પરિવારનો નિર્ણય સાંભળી હુંયે ઢીલોઢફ થઇ જતો.

આખરે ‘મારા કર્મે લખ્યું કથીર’ એમ વિચારી જૂના જોડા રીપેર કરાવી લેતો. પછી તો રીપેર કરાવી-કરાવી આડાંઅવળાં થીંગડાં માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હતો. છેલ્લે પિતાની પરવાનગીથી મેં સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ, પરીક્ષણ કરી, અમને પગે લાગી, વિનયપૂર્વક પાછા મૂકી દીધા, ત્યારે મારી નવા બૂટ માટેની માગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી, ‘દુદામામાને ત્યાં જઈ પરમાણું નાખી આવજે.’ એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો.
ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદામામાની દુકાને પહોંચ્યો અને કહ્યું : ‘દુદામામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કહ્યું છે. મારે લાલ બૂટ સીવડાવવા છે.’ એકીશ્વાસે હું ઘણું બોલી જતો.

દુદામામા મને ‘આવ ભાણા આવ’ કહી ચામડાં દૂર કરી બેસવાની જગ્યા કરી આપતા. પછી પિતાના, માતાના, ભાઈના – બધાના સમાચાર પૂછતા. હું કહેતો, ‘પણ પરમાણું (માપ) પહેલા લઈ લ્યોને !’

દુદામામા ટાઈફોઈડના દર્દીની ઝીણી-ઝીણી વિગતો ડૉક્ટર કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીપૂછીને ધ્યાનમાં રાખતા. લાલ કે કાળા, વાધરીવાળા કે વાધરી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછી દુદામામા રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢતા અને મને કહેતા, ‘લે મૂક, ભાણા, પગ’ હું પગ મૂકતો અને જાડી પેન્સિલથી દુદામામા પરમાણું લીટી દોરીને લઈ લેતાં. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો.

અમર કથાઓ

હું પૂછતો : ‘હું બૂટ ક્યારે લઈ જાઉં ?

’તે કહેતા : ‘જો ને, ભાણા, આજે જાણે શનિવાર થયો. રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જાવા દે. એ ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય.’

એ પાંચ દિવસ પસાર કરવા મારે માટે અસહ્ય થઈ પડતાં. વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે – હું બૂટ લઈ આવીશ નવાનકોર, લાલ વાધરીવાળા… પહેરીને હું નિશાળે જઈશ, છોકરા-છોકરીઓ જોઈ રહેશે…

એ પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદામામાની દુકાને પહોંચતો અને કહેતો, ‘મારા બૂટ ? લાવો, મારા બૂટ જલદી આપી દો.’
પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદામામા માથે કોઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, ‘આવ ભાણા આવ છોટુમિયાં ક્યાં છે ?

’હું કહેતો : ‘દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે ત્યાં સ્ટેશનમાસ્તર છે.’

‘હાં, તો બરાબર…’ દુદામામાની લાંબી વાત શરૂ થતી : ‘અરે, ભાણા, હું તને કહેતા ભૂલી ગયો. અમે જાણે આખું કુટુંબ દ્વારકા જાત્રાએ ગયા’તા, એમાં દ્વારકામાં આવતાંકને છોટુભાઈ ભેગો થઈ ગયો. અરે, પણ અમને જોઈને શું ખુશ થયો છે ! મને કહે, ‘મામા, તમે આંઈ ક્યાંથી ?’ મેં કહ્યું, ‘આખું ઘર જાત્રાએ નીકળ્યા છીએ. હજી આ ગાડીમાંથી ઊતર્યાં જ છીએ.’ સાથે ગરમ ચા પી પછી મંદિરે દ્વારકાધીશનાં દર્શન કરાવ્યાં. આખું દ્વારકા ફેરવ્યાં અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધાં તે અમે સીધા આવતાં રિયાં, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો !’

દુદામામા એવી લાંબી રસપૂર્વક વાત કરતા કે મને બૂટ ભૂલવી દેતા,

પણ હું કહેતો, ‘પણ મારા બૂટનું શું ? બૂટ ઝટ આપોને !’

‘અરે ભાણા, ઈ જ તો તને કહું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો, ભાણા, આખી જિંદગી કરવું જ છે ને ? પણ જો શુક્ર, શનિ, રવિ – એ સોમવારે લઈ જજે, બસ ?
’ હું રોવા જેવો થઈ જતો. ‘તમે ખોટેખોટા ધક્કા ખવરાવો છો ! બૂટ સીવી દેતા નથી !’ આવો બબડાટ કરી ભગ્યહૃદયે દરવાજો વટી જતો, ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયત્ન કરતો : ‘આટલા દિવસ ગયા, ત્રણ દિવસ વધુ, એમાં શું ?

સોમવારે પાછો હું દાદુમામાની દુકાને જતો. એ જ શાંતિ એ જ સ્વસ્થતાથી દુદામામા કહેતા : ” આવ ભાણા આવ ” દોરાને મિણ ચડાવતા-ચડાવતા એ મને આવકાર આપતા.

હુ કહેતો: ‘તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું. આજે સોમવાર છે.’

દુદામામા કહેતા : ‘અરે ભાણા, બેસ તો ખરો ! હં…. આ તારાથી મોટો શું કરે છે?

’હું કહેતો, ‘અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે.’
અમર કથાઓ
બસ, આટલું સાંભળતાં દુદામામાની વાત શરૂ થતી : ‘અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે… બધાં જૂનાં ભજન – ગંગાસતી અને પાનબાઈનાં, રવિસાહેબ અને ખીમસાહેબનાં ! મોટો ભજન ગાય છે એ મને ખબર નહિ. મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યાં.’

હું અધીરો થઈ દુદામામાને વચ્ચે અટકાવી કહેતો :‘અરે, પણ મારા બૂટ આપી દો ને !’

‘હવે ભાણા, તારુંય રિયું ને મારુંય રિયું. એમ કર શુક્રવાર પાકો. જા, હવે વેણ ફરે તો કેજે. બસ ?’

આમ મને ફરી વાયદો આપવામાં આવતો. હું આક્રોશ ઠાલવતો : ‘જોજો, શુક્રવારે હું બૂટ લીધા વગર જાવાનો નથી. ન સીવવા હોય તો ના પાડી દ્યો, પણ ધક્કા ખવરાવી-ખવરાવી તોડાવી નાખો મા !
દુદામામા કહેતા, ‘તું નારાજ થા મા, ભાણા ! હવે શુક્રવારનો શનિવાર ન થાય, બસ !’

આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં ‘એ ભાણા’ એમ હાંક મારી દુદામામા મને પાછો બોલાવતા, ગંભીર થઈ મને કહેતા, ‘જો ભાણા, ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે.’ આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે ‘છ મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ !’

શુક્રવારે દુદામામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને, માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચ્યો. એ કાંઈ કહે તે પહેલાં મેં કહ્યું, ‘લાવો બૂટ.’

દુદામામા કહે, ‘ભાણા, કાળા કરવા છે કે લાલ ?

’હું ક્રોધમાં ધ્રૂજવા માંડતો : ‘અરે તમને દસ વાર કીધું છે કે લાલ કરવાના છે ! પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો કે લાલ કરવા છે કે કાળા ?

’દુદામામા કહે : ‘હું તો લાલ કરતો’તો, પણ પછી થયું : ફેશન કાળાની છે એટલે થયું : ભાણાને પૂછી પછી આગળ વધવું.’

‘અરે લાલ….લાલ….લાલ… હવે કાંઈ ? હું કહીને ભાગતો અને ‘ભાણા, સોમવારે લઈ જજે.’ એવી સૂચના સાંભળતો ઘેર આવતો.

વળી સોમવારે પહોંચીને હું કહેતો, ‘લાવો બૂટ.

’દુદામામા સામે દીવાલ પર ઓઠામાં રાખેલ જોડ બતાવી કહેતા, ‘જો રહ્યા.

’હું જોઈ રહેતો…. લાલ, ચમકતા, અણીવાળા, વાધરીવાળા… હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો, ત્યાં દુદામામા કહેતા, ‘ભાણા, બે દિવસ ઓઠામાં રાખવા પડશે, નહિતર શું થશે – તને ડંખ પડશે સમજ્યો ?’ મને તેમની વાત વાજબી લાગી. મેં કહ્યું, ‘રાખો ઓઠામાં, બસ ? બે દિવસ પછી આવીને હું લઈ જઈશ.’

બે દિવસ પછી હું ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહિ. મેં કહ્યું :‘ક્યાં છે મારા બૂટ ?’

‘અરે, ભાણા ! કહી દુદામામા શરૂ કરતા : ‘વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો’તો, ઈ આ બૂટ જોઈ ગયો. બસ, સુરેશે હઠ લીધી, ‘મારે તો આ જ બૂટ જોઈએ.’ તે શેઠે ફુલજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો ને બૂટ લઈ ગયો. મને થયું કે ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે તો જો, પરમ દિવસે મંગળવારે લઈ જજે. બે દિવસ આમ કે આમ….’

વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેડામાંથી ચોપડો ઉતાર્યો, ખોલી, મારી સામે મૂકી કહે : ‘મૂક, ભાણ, પગ.’

હું અવાચક થઈ ગયેલો. આંખે અંધારા આવી ગયેલા. મારો અવાજ ફાટી ગયેલો : ‘શા માટે ?’ એટલું જ બોલી શકેલો.

આગલું પરમાણું હાથવગું નથી રિયું. મૂળ વાત આમ હતી. હું તને કહી નો’તો શકતો. મને એમ કે ભાણો ખિજાશે.’

આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે આઠ મહિને મને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ એક આંગળ મોટા સિવાતા, જેથી બે વર્ષ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા, પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો.

જ્યારે જ્યારે નવા બૂટની મારી માગણી મંજૂર થતી ત્યારે – ત્યારે અહીં વર્ણવેલાં બધાં દ્રશ્યો ફરી – ફરી અચૂક ભજવાતાં. વારનાં નામમાં ફેર પડે , પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાધાનું દુઃખ ભુલાઈ ગયું છે, બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે . દુદામામાનો સ્નેહનીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે :

“એમ કર ભાણા, સોમ , મંગળ અને જો બુધવાર પણ જાવા દે. એમ કર, ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય.”

આજે નવા બૂટ લેવાના થાય છે , ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતાંય એટલો આનંદ નથી થતો , જેટલો આનંદ દુદામામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો !

17. મુંબઈનો મારો પ્રથમ પ્રવાસ  

મને મુંબઈ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. અહીંથી સૌરાષ્ટ્ર મેલમાં રવાના થયો. સામે વિરમગામથી મુંબઈની ટ્રેનમાં જગ્યા મેળવવા દોડ્યો. બારી પાસે ગોઠવાઈ ગયો. બેઠાંબેઠાં ભારે ગિરદીમાં મુંબઈ પહોંચ્યો. કાર્યક્રમ તો રાત્રે હતો. આખો દિવસ કાઢવો ક્યાં ? મને મારા મિત્ર મનહરનું નામ યાદ આવ્યું.

આ વખતે થાન આવેલો ત્યારે તેણે સરનામું પણ આપેલું. હું ભૂલેશ્વ૨ ની ગલીઓમાં ગોતતો – ગોતતો મનહરની રૂમમાં પહોંચ્યો. ગામમાં દેણું વધવાથી મનહર મુંબઈ નાસી ગયેલો. ‘ બીજા મુંબઈ જઈ બે પાંદડે થતા હોય તો મને શું વાંધો છે ? હું પણ નસીબ અજમાવી જોઉં ’ – આવું વિચારીને તે અહીં આવેલો. પણ મનહર બે પાંદડે ન થયો તે ન જ થયો. નસીબ આડું જ્યાં પાંદડું ખસે ત્યાં થડ આડું આવીને ઊભું રહેતું.

છતાં એ થાન આવતો ત્યારે મુંબઈની વાતો કરી અમને આંજી નાખતો. ગુજરીમાંથી ઊતરેલાં લૂગડાં ખરીદી એ વટ પાડવા મથતો. શેઠના દીકરાએ આપેલો ફાટેલો થેલો સંધાવી એ ખભે લટકાડીને સ્ટેશને ઊતરતો અને ‘ અહીં ટૅક્સી નથી ‘ એવો અફસોસ જાહેર કરતો. રાત્રે એ વખતે મુંબઈની તાજમહાલ હોટેલ, ગેટ – વે ઑફ ઇન્ડિયા, ચોપાટી, હેંગિંગ ગાર્ડન, લિબર્ટી , મેટ્રો , મરાઠામંદિર સિનેમા અને વિક્ટોરિયા ગાર્ડનની વાતો કરતો, ત્યારે ગામના જુવાનિયાને એમ થતું કે ખરેખર મનહર જીવતરના લહાવા લે છે. આપણે તો અહીં આયખું ટૂંકું કરીએ છીએ.
મનહર અમારા તુચ્છ જીવનને જોઈને કહેતો, ‘ કોક દિવસ બહાર નીકળો. દુનિયા જુઓ. એ સ્ટીમરો , વિમાનો ઈલેક્ટ્રિક ટ્રેનો જુઓ. ’ મને મનહરની બધી વાતો યાદ આવી.

હું પહોંચ્યો તેને ત્યાં, પણ પહોંચીને હું તો હેબતાઈ ગયો. દસ બાય દસની રૂમ. એમાં પાછો કબાટ , રસોડું , નાનકડી ચોકડી , પડખે પાળ , માથે ગોળો. પ્રાઈમસ અને રસોઈનાં ડબા – ડબલીઓ બધું ખાટલા નીચે. ઉઘાડા શરીરે ટૂંકી લીટાવાળી ચડ્ડી પહેરીને મનહર પથારીમાં પડ્યો – પડ્યો ‘મુંબઈ સમાચાર ’ વાંચતો હતો, એમાં હું દાખલ થયો.


મને જોઈને મનહરના મોતિયા મરી ગયા. મુંબઈની જાહોજલાલી ને બદલે જીવતરની વરવી વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી. મનહરે હસવાનો પ્રયાસ કર્યો. ખાટલામાં પગ સંકોચી મને બેસવા જણાવ્યું. પ્રાઈમસ માથે ઊકળતી ચાની તપેલી ટપીને હું ખાટલામાં સંકોચાઈને બેઠો. તેની પત્નીએ નિર્લેપભાવે મારી સામે જોયું. મનહરે પૂછ્યું , ” ક્યારે આવ્યો ? ”

મેં કહ્યું , ‘ અત્યારે સવારના મેલમાં ઊતરીને સીધો અહીં આવ્યો. ‘ ’
મનહર કહે , ‘ કાગળપત્ર તો લખવો’તો. આ મુંબઈ છે. અહીં આ પ્રમાણે ન અવાય અહીં લોકોને હજાર કામ હોય. લે, ચા પી. ’

મેં ચા તો પીધી પણ ગળે ન ઊતરી. મેં કહ્યું , ‘ મારે તો વજુને મળવા જવું છે. આ તો તું કાયમ કહેતો હતો, તે મનેય થયું, મુંબઈની મોજ માણી લઈએ. ‘

હું અહીં રોકાવાનો નથી એ જાણી મનહરને આનંદ થયો. ચા પીને મેં વાલકેશ્વર જવાની માહિતી મેળવી અને મહંમદઅલી રોડ પરથી બસમાં બેઠો. સીધી વાલકેશ્વર પહોંચ્યો ટૅક્સીના પૈસા નહિ. ‘અજાણ્યું શહેર. રાત સુધી ક્યાં રહેવું ? શું કરવું ’ – એ વિચારોમાં હું વાલકેશ્વ૨ના રસ્તા પર ચાલવા મંડ્યો. બગીચાના બાંકડે કોઈ ના નહિ પાડે અને લારીમાંથી હળવો નાસ્તો કરી દિવસ કાઢી નાખીશ – એમ વિચારતો – વિચારતો હું ચાની લારીએ ઊભો રહી ગયો. અર્ધી ચાનો ઑર્ડર આપી જ્યાં રસ્તા પર મેં જોયું ત્યાં હાથમાં શાકની થેલી સાથે વજુને મેં જોયો.

વજુ મને જોતાં જ ભેટી પડ્યો. મને કહે , ‘ તું અહીં ક્યાંથી ? ’ મેં મારી વીતકકથા વર્ણવી.
વજુ કહે , ‘ જરાય મૂંઝાઈશ નહિ. ‘ ચાનો ઑર્ડર કૅન્સલ કરાવી મને એના રૂમે લઈ ગયો.

એક બંગલાના કંપાઉન્ડમાં જ લાઈનસર રૂમો આવી હતી. વજુની રૂમ મોટી હતી, સ્વચ્છ હતી. એમાં એક પથારી હતી, એક ખુ૨શી. મને વજુએ પલંગ પર બેસાડ્યો અને બહાર નીકળી કોઈને હાક મારી થોડી સૂચનાઓ આપી પાછો ફર્યો.

થોડીક વારમાં બે કપ ચાની કીટલી અને બે નાસ્તાની પ્લેટ આવી. મને નવાઈ લાગી. વજુ કહે , ‘ લે, નાસ્તો કર, ચા પી, પછી આપણે વાતો કરીએ. ’ મેં ખાખરા , ગાંઠિયા , ચેવડો – બધું ઉકેલી મૂક્યું. ઉપરથી મારા અને વજુના બબ્બે પેંડા પણ ખાધા. પછી પાણી પીને ચા પીધી.
 મેં કહ્યું , ‘ વજુ , આવી ચા મેં તો જિંદગીમાં કોઈ દી પીધી નથી. ’
વજુ કહે , ‘ શેઠ માટે બને છે એ જ આ ચા છે. લે, હવે સામે લાઈનસર બાથરૂમ છે. સંડાસ પણ છે. તું તૈયાર થઈ જાય પછી આપણે ફરવા જઈએ. ’

મારી પાસે એક જ જોડી કપડાં હતાં. એ જો અત્યારે પહેરું તો સાંજે શું કરીશ – એ ચિંતા મને હતી.
વજુ કહે , ‘ એમાં શું મૂંઝાઈ ગયો ? જો , આ ટુવાલ , દાઢી કરવાનો સામાન અને આ સાબુ. આ મેલાં લૂગડાં અહીં કાઢતો જા. સાંજ સુધીમાં એ ધોવાઈને ઇસ્ત્રી પણ થઈ જશે. ’
હું જાજરૂ જઈ આવ્યો. પછી હાથે દાઢી કરી. બાથરૂમમાં સુગંધી સાબુથી નાહ્યો. વજુ પણ તૈયાર થઈ આવી ગયો. અમે બહાર નીકળ્યા. વજુએ હાક મારી મોટર લઈ નીકળતા એક યુવાનને રોક્યો.

યુવાને પૂછ્યું , ” શું છે , વજુકાકા , તમારા મહેમાન છે ? ”

વજુ કહે. ‘ હા. અમને ગેટ – વે ઑફ ઇન્ડિયા ઉતારી દે. ’
યુવાનનું નામ મૂકેશ હતું, એ શેઠ ગિરધારીલાલનો પુત્ર હતો. એણે અમને ગેટ તે ઑફ ઇન્ડિયા ઉતાર્યા. મેં દરિયો, વહાણો, સ્ટીમરો, નાનાં હોડકાં – બધું મન ભરીને જોયું. તાજમહાલ હોટલ જોઈ. મને વજુએ ફ્લોરા ફાઉન્ટન, મ્યુનિસિપલ કૉર્પોરેશનનું બિલ્ડિંગ, વી. ટી. સ્ટેશન, રાજાબાઈ ટાવર, હાજી અલી, મમ્બાદેવી, બાબુલનાથ – ઘણું દેખાડ્યું. જોવા જેવું ઘણું અમે જોઈ નાખ્યું.

બપોરના બે વાગ્યા. અમે વજુની રૂમે પાછા ફર્યા. ઉત્તમ પ્રકારનું ભોજન જમ્યા આખી રાતનો પ્રવાસનો થાક , ઉ૫૨થી વજુએ મુંબઈમાં ફેરવ્યો એનો થાક બધો ભેગો થવાથી હું ઘસઘસાટ ઊંઘી ગયો. વજુએ સાંજે મને ઉઠાડ્યો.

બપોરે ઊંઘવાથી બધો થાક ઊતરી ગયો અને ગધેડું ઉકરડામાં આળોટી પાછું લહેરમાં આવી જાય એમ હું લહેરમાં આવી ગયો. વજુ મને કહે , ‘ એલા, “ મુંબઈ સમાચાર’’માં તમારા ડાયરાની જાહેરાત છે , જોઈ ? ’

મેં છાપું એના હાથમાંથી લઈ લીધું અને જાહેરાત વાંચી. લાખાભાઈ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, નટવરગિરિ ગોસ્વામી, હાજી ટપુભાઈ અને નાનજી મિસ્ત્રીનાં નામો હતાં. મારું નામ પણ હતું. હું ફરીફરી લખાણ વાંચી ગયો. આવાં મોટાંમોટાં કલાકારો સાથે મારું નામ છપાયેલું જોઈને હું બહુ ખુશ થયો.

વજુએ ફરી ચા મંગાવી. અમે ચા પીધી. ત્યાં મૂકેશ આવ્યો. એણે કહ્યું, ‘ વજુકાકા , બાપુજીને અને બાને ડાય૨ો જોવા જવું છે, પણ ટિકિટ મળી નથી. હવે તમે બિરલા હૉલ પર જઈ આવો અને ગમે તેમ કરી બે ટિકિટ લઈ આવો. જો વધુ મળે તો મારે અને જગદીશને પણ આવવું છે. પાંચ ટિકિટ મળે તો સ્મિતા પણ આવી શકશે.

વજુને અચાનક ઝબકારો થયો. તેણે કહ્યું, ‘ મૂકેશ, આ મહેમાન કોણ છે, તને ખબર છે ”

મૂકેશે મારી સામું ધારીને જોયું અને કહ્યું, ‘ ના, હું નથી ઓળખતો. ’

વજુ કહે, ‘ આજના ડાયરાના કલાકાર છે – શાહબુદ્દીન રાઠોડ.’

મૂકેશ તો રાજીનો રેડ થઈ ગયો. એ તરત અમને ગિરધારીલાલ શેઠ અને કમળા શેઠાણી પાસે લઈ ગયો. શેઠને પરિચય આપ્યો. મેં ગામઠી ભાષામાં થોડી વાતો કરી એ શેઠને બહુ ગમી.

શેઠ મૂળ લુણસરના છે એ જાણી મને સ્વજનને મળ્યા જેટલો આનંદ થયો. શેઠે વજુને સૂચના આપી, મારો સામાન શેઠના રૂમની બાજુના રૂમમાં મૂકવા જણાવ્યું. વજુને પણ મારી સાથે રહેવાની ભલામણ કરી.
વજુ હતો તો આ ઘરનો નોકર, પણ પરિવારનાં સભ્યો અને કુટુંબીજન જ ગણતાં. વજુને અચાનક વિચાર આવ્યો. એણે શેઠને પૂછ્યું, ‘ આપણે કેટલી ટિકિટ મંગાવવી છે ?

વજુએ જાહેરાતમાંથી કરણીદાન ગોપાલજી ગઢવીનો નંબર ગોતીને ફોન કર્યો. સામેથી ક૨ણીદાનભાઈનો અવાજ આવ્યો એટલે એણે કહ્યું, ‘ ઝટ પાંચ ટિકેટનું કહી દે. ‘

મને ફોનમાં કેમ વાત કરવી એ મૂંઝવણ હતી, છતાંય હિંમત રાખી કહ્યું, ‘ કરણીદાનભાઈ, મારા ખાસ સંબંધી શેઠના પરિવારનાં પાંચ જણાંને ડાયરામાં આવવું છે. ગમે તેમ કરીને પાંચ ટિકિટનું કરી દ્યો.


કરણીદાનભાઈએ કહ્યું, ‘મહેમાનો માટે રીઝર્વ રાખી છે, એમાંથી હું આગલી હરોળમાં પાંચ ટિકિટ રખાવું છું. તમે સાડા – આઠ સુધીમાં પહોંચી જાવ. ’ બાકીની વાત વજુએ કરી લીધી. બધાંને તૈયાર થવાની સૂચવા અપાઈ ગઈ.

હું અને વજુ નવા રૂમમાં આવ્યા સફેદ દૂધ જેવા લેંઘો અને ઝભ્ભો ટેબલ પર પડ્યા હતા. હું મારાં કપડાં ઓળખી ન શક્યો એવાં ધોવાઈને આવ્યાં હતાં. હું તો એમ ને એમ પહેરવા જતો હતો ત્યાં વજુએ કીધું, ‘ એ મૂરખ ! નાહીને પહેર. અહીં મુંબઈમાં માણસો સાંજે ફરીને નાહીધોઈ તૈયાર થાય છે, સમજ્યો ? હું ફરીને નાહ્યો. કપડાં પહેર્યાં. મૂકેશે આવીને મારી સામે કાચની શીશી રાખી ઢાંકણું દબાવ્યું, પણ જે સુગંધ વછૂટી છે તે મારે ને સ્વર્ગને હાથવેંત જ છેટું રહ્યું.

અમે તૈયાર થયા. હળવું ભોજન લીધું. વજુ મને કહે, ઝાઝું ખાઈશ નહિ. તારે બોલવાનું છે. ખાલી ઢોલ વાગે સારો, સમજ્યો ? ”

શેઠે મને અને વજુને મોટરમાં પાછલી સીટમાં બેસાડ્યા. બે મોટરો રવાના થઈ. અમે બિરલા માતૃ સભાગૃહે આવી પહોંચ્યા. મોટરો ઊભી રહી. અમે ઊતર્યા.

ગિરદીમાં મેં મનહર અને શાંતાભાભીને પણ જોયાં મને સફેદ લૂગડાંમાં સજ્જધજ્જ થઈને મોટરમાંથી ઊતરતો જોઈને મનહરનું મોં પડી ગયું, છતાં એ મારી પાસે આવ્યો અને કહ્યું, ‘ હું તારા માટે ગોઠવણ કરું ત્યાં તું નીકળી ગયો ! હવે જો, મારે અને તારાં ભાભીને ડાયરો સાંભળવા આવવું છે, પણ ટિકિટ મળતી નથી. ’

હું બોલું એ પહેલાં વજુએ કહ્યું, આ મુંબઈ છે. ટિકિટ વેળાસર લઈ લેવી જોઈએ એટલી તમને લોકોને ખબર નથી પડતી

‘ આ મુંબઈ છે … ’ એક જ દિવસમાં આ જ વાક્ય બે વાર સાંભળવા મળ્યું. મેં કહ્યું, ‘ પાંચ ટિકિટની જોગવાઈ કરી. હવે મારું ગજું નથી. પણ કાંઈક મહેનત કરુ છુ. મેં લાખાભાઈને વાત કરી. અમારાં બધાં કલાકારોમાં લાખાભાઈ ગઢવી અનુભવી અને ઠરેલ કલાકાર ગણાતા. એમણે કહ્યું, ‘ હાઉસફુલ છે, પણ અંદર સ્ટેજની બાજુમાં બેસે તો વાંધો નથી. હાલો મારી સાથે. ‘

શેઠનો પરિવાર સામે ગોઠવાયો. વજુ, મનહર અને શાંતાભાભીને અંદર જેમ – તેમ બેસાડ્યાં.

મારો પહેલો જ કાર્યક્રમ હતો. હું ઉપરથી સ્વસ્થ રહેવાનો દેખાવ કરતો, પણ છાતી ધકધક થતી હતી. મને થતું હતું : હમણાં પડદો ખૂલશે. કાર્યક્રમ શરૂ થશે.

એક પછી એકના વારા આવશે. મારું નામ લાખાભાઈ જાહેર કરશે. હું માઈક સામે બેસીશ. પછી ? પછી’ની કલ્પના કરતાં હું મૂંઝાતો અને પાણી પી આવતો, છતાં ગળું સુકાવા લાગતું. પરસેવો વળવા માંડતો. બેત્રણ વાર થયું : બધું મૂકીને ભાગી જાઉં અને ગાડીમાં બેસી થાન રવાના થાઉં.

કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. એક પછી એક કલાકારો રજૂઆત કર્યે જતા હતા. પ્રાણભાઈએ ‘ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું શરૂ કર્યું. લાખાભાઈને ઇશારો કરી આના પછી મારો વારો છે એમ મને જણાવી દીધું. અચાનક મેં તમામ નિર્બળ વિચારો ખંખેરી નાખ્યા. સાચા હૃદયથી અલ્લાહની ઈબાદત કરી : યા ખુદા, તેં હાસ્યની અણમોલ ભેટ આપી મને હાસ્યકાર બનાવ્યો છે. હવે તું મને સંભાળી લેજે. ’ એ જ ક્ષણે સમસ્યા હલ કરવાના સંકલ્પો, સંઘર્ષો – બધી ગડમથલ શમી ગઈ. મારી ‘ શરણાગતિ’એ મને મારગ બતાવ્યો.

મેં ‘બુઝ ગયા દીપક મગર રોશની તો રહ ગઈ’ થી કાર્યક્રમની શરૂઆત કરી. ભત્રીજો પ્રેમમાં પડ્યો તેની વાત કરી. લોકોએ દાદ આપી. મારો ઉત્સાહ વધ્યો, થોડો આત્મવિશ્વાસ પણ આવ્યો. મેં ‘માસ્તરોનું બહારવટું ‘ રજૂ કર્યું અને તરત જ ‘લાભુ મેરઈ’ની વાત માંડી. લોકો ખડખડાટ હસ્યા. મારો સમય પૂરો થયો.


ઇન્ટરવલ પડ્યો. પૂ. સવિતાદીદી અને ડૉ. ચૂડગરસાહેબ મળ્યાં. ડૉ. ચૂડગરસાહેબ કહે , ‘ રંગ રાખ્યો, માસ્તર ! ‘ અન્ય મહાનુભાવોએ અભિનંદન આપ્યાં. ઇન્ટરવલ પછીના કાર્યક્રમમાં મારે ફરી વાર બોલવાનું આવ્યું અને એમાં ‘વનેચંદના વરઘોડા’ની વાત કરી , પણ મને પોતાને કલ્પના નહોતી કે લોકો આટલા બધા દાંત કાઢશે.
ક્યારેક તો હું લોકોનું હસવું બંધ થાય તો બોલું ’ એમ વિચારીને અટકી જતો. ઘોડો, વરરાજા, બૅંડવાજાં, ફ્લેકું, મોટરનો પ્રવાસ, ઉતારો, ભોજન, લગન – વાત શરૂ થઈ અને હું સામેનાં પ્રેક્ષકોને ભૂલી આખી વાતનું ચિત્ર સ્મૃતિમાં જોવા લાગ્યો. એ દૃશ્ય જોઈને વર્ણન કરતો હોઉં એમ હું બોલ્યે જતો હતો. લોકો હસતા જતા હતા. વનેચંદના વરઘોડાનું વર્ણન કરવામાં હું સ્થળ, સમય અને સ્વયંને ભૂલી ગયો. થોડી ક્ષણોમાં તો માત્ર વાત જ ચાલુ રહી, વાત કરનાર વક્તાનું જાણે અસ્તિત્વ જ ન રહ્યું. “અહંનું વિસર્જન થાય છે ત્યારે જ સર્જન થાય છે.”

કાર્યક્રમ પૂરો થયો. રાતે અમે પાછા શેઠને બંગલે આવ્યા. મેં ધીરેથી વજુને કીધું, ‘ ભૂખ લાગી છે. ’

વજુ કહે, ‘ મૂંગો રહે. સવારે તને ધરાય ત્યાં સુધી ખવરાવીશ. અત્યારે જાળવ્યો જા.

મેં કહ્યું, ‘ ઠીક, તો પછી સવારે વાત. ‘

પણ અમારા આશ્ચર્ય વચ્ચે મૂકેશ આવ્યો અને કહ્યું, ‘ બાપુજી ડિનર ટેબલ પર તમને બંનેને બોલાવે છે.’ અમે ગયા. ટેબલ પર નાસ્તો તૈયાર હતો. હું એક નહિ, બધાં ફરીથી જમ્યાં. હું સંકોચમાં હતો, પણ શેઠે શેઠાણીને કહ્યું, ‘ આ જો , અસલ કાઠિયાવાડી મહેમાન જમ્યા પછી આગ્રહ કરો ને તોપણ બેત્રણ લાડવા કે આઠદસ પેંડા તો જરૂર ખાઈ જાય.’

શેઠાણીએ વિરોધ કર્યો. શેઠે પેંડાની બરણી મારા તરફ હડસેલી અને કહ્યું, ‘ મે’માન , ખાઈ જાવ. ’

મેં કહ્યું, ‘ શેઠ, અમે પાળિયા થઈ જઈએ, પણ કોઈનું વેણ ન જાવા દઈએ. હવે તો આપની આબરૂ એ મારી આબરૂ. ’ હું દસેક પેંડા ખાઈ ગયો. શેઠનો ચહેરો ખીલી ઊઠ્યો. હું પણ રાજી થયો. શેઠાણીને માત્ર નવાઈ લાગી. વજુને તો પ્રથમથી વિશ્વાસ હતો જ.

બીજે દિવસે શેઠે મારા રીઝર્વેશનની વ્યવસ્થા કરાવી. સાથે ડબ્બામાં ભાતું બંધાવ્યું, એક વૉટરબૅગ આપી અને મને ભાવભીની વિદાય આપી.
વજુ સ્ટેશને મૂકવા આવ્યો. એસ. ફોરમાં ચોપન નંબરની સીટ ગોતીને મને બેસાડી દીધો. રાત પડે એટલે આ જગ્યા પર સૂઈ જજે, એવી સૂચના આપી વજુ નીચે ઊતરી ગયો. ૮-૨૦નો સમય થયો. સૌરાષ્ટ્ર મેલ ઊપડ્યો. વજુએ હાથ હલાવ્યો, એ કાંઈ બોલ્યો નહિ, પણ એની આંખોમાં આંસુ હતાં. મારી આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.

આવ્યો હતો એ હું અને અત્યારે પાછો ફરનાર હું બંને જાણે જુદા હતા.
                          

                                                              ____ શાહબુદ્દીન રાઠોડ

                           18 .જેવી દર્ષ્ટિ એવી સુષ્ટિ 

દામોદર અમારી શાળામાં ભણતો. તમે ઘોડાને પરાણે તળાવ સુધી લઈ જાઓ, પણ પાણી તો ઘોડાને પીવું હોય તો જ પીએ. મથુર દામોદરને નિશાળે મૂકી જતો, પણ દામોદર ભણે તો ને ?
એ મોટે ભાગે તો મંદિરને ટોડલે વાંદરો કંડાર્યો હોય તેમ વંડી માથે બેસી રહેતો , ક્યારેક લીમડાની ડાળો ભાંગતો , ખીલીથી નવી બેન્ચોમાં નામ કોતરતો, કોકના કંપાસમાંથી ડિવાઈડર કાઢી બ્લૅક – બૉર્ડમાં સફેદ લીટા પાડતો , કોઈની સાઈકલના ટાયરમાંથી હવા કાઢી નાખતો , ભટકાડી – ભટકાડી બારણાં તોડી નાખતો , તો ક્યારેક શાળાની સફેદ દીવાલ પર અપશબ્દો લખતો.
ઘણા પ્રયત્નો છતાં દામોદરને ભણતર ચડ્યું નહીં.
એક વાર મથુરના ઘરે મહેમાન આવ્યા. મથુરે દામોદરને ઘી લેવા મોકલ્યો. હરિભાઈને ત્યાંથી ઘી લઈ વચલા દરવાજા પાસે દરબારગઢના રસ્તે દામોદર પાછો ફર્યો. દરબાગરગઢનો મોટો દરવાજો પથુ પગીએ બંધ કર્યો હતો. નાનો દરવાજો ખુલ્લો હતો , જેમાંથી એક જણ જઈ શકે અથવા આવી શકે. ઘીની તપેલી હાથમાં અને દામોદરે નાના દરવાજામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો ત્યાં સામેથી વિઠ્ઠલનો મગન સામો મળ્યો.
હવે મગન પણ વિઠ્ઠલને માથે પછાડો તો ઘોબો ન પડે તેવો.
મગન કહે, ” હું પહેલો દરવાજામાંથી નીકળું “
અને દામોદર કહે , ‘ વાતમાં માલ શું છે ? ”
બન્ને દરવાજામાં સામસામે ઉભા પણ કોઇકોઇને નિકળવા ન દે.
બંને વાદે ચડ્યા પણ એક બીજાને મચક ન આપી.
ઘણી વાર થવાથી મથુર પુત્રરત્નની શોધમાં નીકળ્યો. દરબાગરગઢના નાના દરવાજા પાસે તેણે ઘી લઈ ઊભેલા દામોદરને જોયો. અમરકથાઓ
દામોદરે કહ્યું, ” બાપા, આ મગન મારગ નથી દેતો અને કહે છે, “ હું પહેલો નીકળું.” તે, બાપા, એમ કોઈને મારગ આપી દેવાય ? આ આટલા માટે મોડું થયું.”
મથુરને દામોદરની વાત વાજબી લાગી. વિલંબનું કારણ સમજાયું. વિચારીને મથુરે કહ્યું, ‘ તું ઘરે જા. લાવ તપેલી. હું ઊભો છું. ’
મથુર તપેલી લઈને ઊભો રહ્યો અને દામોદર ઘેર આવ્યો, તેની માતાને બધી વાત કરી, ‘ બાપા મારી જગ્યાએ ઊભા છે ’ એ
આ સાંબળી મથુરની પત્નીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. દામોદરને કહે, તારો બાપ ભલે ને આખો જનમારો ત્યાં ઊભો રહે અને સમાત લે, પણ ઘી તો ઘરે સળગાવવું’તું !’
દામોદરને સત્ય સમજાયું. પિતા વગર ઘીએ માર્ગમાં આડા ઊભા રહી કુળની પરંપરા જાળવી શકે તેમ છે, તેમાં ઘી જરૂરી નથી, એટલે તે પાછો દરવાજે આવ્યો અને બોલ્યો ‘ બાપા, હવે તમે ઘી લઈ ઘરે જાઓ , હું અહીં ઊભો છું. ’
ત્યાં તો પથુ પગીએ મોટો દરવાજો ખોલ્યો અને આ મહત્ત્વના સંઘર્ષનો અંત આવ્યો.
આવો ઉદંડ, તોફાની, માર ખાઈખાઈને કસાયેલા શરીરવાળો દામોદર પ્રાર્થના પછી શાળામાં આવ્યો અને તેના વર્ગ નવ – ડીમાં દાખલ થવા વર્ગના દરવાજા પાસે ઊભો રહ્યો.
હું રાઉન્ડ મારીને એ જ વર્ગ પાસે આવ્યો. દામોદરને જોઈ મને નવાઈ લાગી, કારણ, તેના ચહેરા પર ઘેરો વિષાદ હતો, આંખોમાં કોઈ શરારત – કોઈ તોફાનનો ભાવ નહોતો.
મેં પૂછ્યું, ‘ કેમ મોડો આવ્યો ?’
દામોદરે કહ્યું, ‘ સાહેબ, રાંધવામાં મોડું થઈ ગયું. ’
મેં કહ્યું, ‘ તારે રાંધવાનું કામ કરવું પડે છે ?
દામોદરે કહ્યું , ‘ હા , સાહેબ. ‘
મેં કહ્યું, ‘ પણ શા માટે ? તારાં બા નથી રાંધતાં ? ‘
મેં પ્રશ્ન તો પૂછ્યો, પણ દામોદર મારે ખભે માથું મૂકીને ધ્રુસકે – ધ્રુસકે રડ્યો : ‘ સાહેબ, મારી બા ગુજરી ગઈ ! મારી મા મને મૂકીને ચાલી ગઈ ! ‘
મેં કહ્યું , ” અરે, પણ કેવી રીતે તારી માતાનું અવસાન થયું ? ”
દામોદર કહે, ‘ દાઝી જવાથી. અહીં દવાખાને લઈ ગયા , પછી રાજકોટ લઈ ગયા, પણ સાહેબ, મારી માતા ન બચી શકી ! ‘ આમ કહી દામોદર ફરી રોવા લાગ્યો.
હું તેને ઑફિસમાં લઈ આવ્યો, પાણી પાયું, સાંત્વન આપ્યું અને પૂછ્યું , ‘ મરતાં – મરતાં તારી માતાએ કાંઈ કહ્યું ?
દામોદર કહે, ‘ હા. મને કહ્યું, “ બેટા, બરાબર ભણજે અને રાઠોડસાહેબને કહેજે, તારું ધ્યાન રાખે.”
દામોદરની વાત સાંભળી હું પણ લાગણી રોકી ન શક્યો. અમે બંને રડ્યા.
દામોદર નવમા ધોરણમાં છઠ્ઠ નંબરે પાસ થયો અને એસ. એસ. સી. માં ફર્સ્ટ ક્લાસ માર્કસ સાથે પાસ થયો.
માતાના એક જ અંતિમ વાક્યે દામોદરને જિંદગીનું સત્ય સમજાવી દીધું. દામોદરનું જીવન બદલાઈ ગયું. માત્ર તેની દૃષ્ટિ બદલી અને સૃષ્ટિ બદલાઈ ગઈ, વૃત્તિ બદલી અને વર્તન બદલાઈ ગયું.

  19 . કદર 

કદર… એક સુંદર સત્યઘટના.
  કરણુકી નદી આમ તો નાનકડી. પ્રવાહેય પાતળો પણ એનો કાંઠો બારેય માસ લીલો કુંજાર રહેતો.
કરણુકીનો કાંઠો ચરી એનાં ટોપરાં જેવાં પાણી પીને પશુઓ ગામમાં પાછાં વળતાં. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઊડીને આંખે વળગે એવી.
ગામમાં વસનારાં માણસો ઓલદોલ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો જાતનો ચારણ , તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી , પંજાબી , કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે.
આવો વાલો કેસરિયો એક દિ’ વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતાં જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતાં. હજાર રૂપિયાની વાંસણી કેડ્યે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટખરચીમાં પાંચ સો તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નો’તો. એની કિંમત સાંભળીને સૌ પાછાં વળી જતાં.
આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો.
વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાનાં તેજ પથરાવા માંડ્યાં છે. જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના , પછી એની ચાલમાં પૂછવું શું ? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન , હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી. કાન સોરીને દોઢ્યે ચડાવતા.
જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે.
વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંય ઘોડાને ઘરે થોડું છે ?
વાટ ખરચીની વધેલી પાંચ સો રૂપિયાની વાંસણી કેડ્યે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્ય થઈ જાશે એવી ધરપત હૈયામાં છે. અમરકથાઓ
વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડાં – ઠામ – વાસણ , ઘરની નાની – મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. બે’ક ડગલાં આગળ હાલ્યો ત્યાં નાનાં છોકરાંનાં કાળજાં કંપાવે એવાં કાળાં બોકાસાં સંભળાણાં. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઊતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો.
જોતાં જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઊતરી હતી. ગાભા – ગોદડાં , ઠામ – ઠીકરાં ઠેબે આવતાં હતાં. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોબી સવાલ કર્યો.
” શેઠ કેટલા રૂપિયાનું લેણું ? આંકડો બોલો ? ”
“ ભાઈ , તારો મારગ તારી રાહ જોવે છે , હાલતો થા. ” શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો.
“ બાપ બોલો કેટલાનું લેણું , આ છોકરાંનાં આંહુડાં મારાથી જોવાતાં નથી. ”
શેઠનો મિજાજ તરડાયો : “ આવ્યો મોટો કેટલાનું લેણું ? દાતારનો દીકરો. ” ખેસ ફંગોળતાં શેઠે કહ્યું : “ બોલ રૂપિયા પાંચ સોનું બિલ ભરવું છે ? ”
એક પળને બીજી પળે કેસરિયાએ કેડ્યેથી વાંસણી છોડી મૂળાના પતીકા જેવા પાંચ સો ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઊતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા.
સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. “ તમારું નામ ! ”
“ નામ ભગવાનનું કામેય ભગવાનનું . ” બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો , તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. ” અમરકથાઓ
લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા , “ મારું નામ વાલો કેસરિયો. ગામ મારું ગરણી , અમરેલી પરગણાનું. લ્યો રામે રામ ” બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો.
મરાઠાનાં છોકરાંનાં આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખરચી કાઢી લીધી.
વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયાં ખાઈ ગયો.
ગરણી ગામ માથે પ્રભાતનાં તેજ પથરાવા માંડ્યાં છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઊઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યાં છે.
બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળ્યું ઝૂલતી આવે છે . મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઊડેલી છે. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાનાં ખાખી છોગાં પવનમાં ફગફગી રહ્યાં છે.
અણધાર્યા રાજના સિપાયું ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા.
“ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે ? ” સિપાઈએ પૂછ્યું.
“બાપુ , આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું. ”
આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતાં અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી : “ વાલા કેસરિયા. ”
દિ ’ ઊગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાતણપાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો.
ત્યાં તો બીજો સાદ સંભળાણોઃ “ વાલા ઘર મેં હૈ ? ”
બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતાં કેસરિયાનાં ઘરવાળાં આવીને બોલ્યાં : ” છે તો ઘરમાં ” , પણ રાજના સિપાયુંને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયાં. સાત પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું ?
“ ક્યું બોલતા નહિ ? ”
વાલાની માળા પૂરી થઈ ગઈ. ઊઠીને ડેલીએ આવ્યો.
“આવો બાપ આવો. ”
“ તુમેરા નામ વાલા કેસરિયા ? ”
“ હા બાપ , હું જ વાલો કેસરિયો. ”
“ તુમકો અભીને અભી સૂબાને અમરેલી બુલાયા હૈ. ”
“ મને ! ”
“ તુમકો સૂબા કા ફરમાન હૈ. અબી ને અબી વાલા કેસરિયા કો હાજર કરો. ”
“કાંક ભૂલ થતી લાગે છે , હું તો ઘોડાનો સોદાગર , સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું , મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. ”
“ ફરમાન હૈ ચલો. ” સિપાઈની આંખ કરડી થઈ.
“ હાલો બાપ ! કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. ” વાલાએ કસવાળું કેડિયું પહેર્યું , માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતાં જાતાં આઈને કે’તો ગયો કે સાંજે પાછો વળી આવીશ , ઉપાધિ કરતાં નંઈ. “
“જગદંબા તમારી ભેર કરે. ”
બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સૂબાની કચેરીમાં આવી પૂગ્યા.
કાગડોળે રાહ જોતા સૂબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી.
“ આવો આવો કેસરિયા !” બોલતાં બાથ ભરી લીધી.
વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સૂબો મારી ઠેકડી કરે છે કે શું ? બાવડું પકડીને પડખોપડખ ગાદી માથે બેસાડી સૂબો બોલ્યો : “ કેસરિયા મને ઓળખ્યો ?

” મનમાં થયું , સૂબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે , પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહિ.

મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી , સૂબો બોલ્યો.

“ વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડ્યેથી વાંસણી છોડીને પાંચ સો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીના સૂબો ન હોત. હવે મને ઓળખ્યો ? હું રાઘોબા ! આજ અમરેલીનો સૂબો છું બોલ , તારી શી કદર કરું ? ”
“મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉં. ”
“ અરે , હું શેર – શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કયે. માગી લે કેસરિયા ! વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. ”
અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહિ.
“ એલા , તાંબાનું પતરું લાવો. ”
કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો.
“ ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચ્ચંદ્રદિવાકરૌ બક્ષિસ. ” તિથિ તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન – મરતબા સહિત ગરણી પૂગાડો.
આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે.

____દોલત ભટ્ટ 

 

     20 . વિઠ્ઠલ તીડી   

ગામ આખું નહિ પણ આજુબાજુના દસ ગામમાં એ “વિઠ્ઠલ તીડી” ના નામથી ઓળખાય. આમ તો એ કશું કામ નહોતો કરતો પણ હોય અપ ટુ ડેટ!! કપડાં પણ એનાં ગજબના હોય એક દમ નવી તરાહના જ બાકી બીજો કોઈ શોખ નહિ!! જાતે બ્રાહ્મણ. તભાગોરનું છેલ્લું સંતાન એટલે ‘વિઠ્ઠલ તીડી’!!
નવાઈ લાગે એવું નામ છે નહિ ‘વિઠ્ઠલ તીડી”!! એમાં એવું થયેલું કે એક તો તભા ગોરે એને આઠ વરસની મોટી ઉમરે ભણવા બેસાડ્યો અને ધોરણ પહેલામાં બહેન એને ચાર એકડા શીખવાડતા હતાં…. એક… બે… ત્રણ.. ચાર… બોર્ડમાં મોટા ચાર એકડા લખેલા અને વારાફરતી બધાને એક એક અંક વંચાવે અને આવ્યો વિઠ્ઠલનો વારો અને બહેને ૩ નો અંક બતાવી ને પૂછેલું કે
“ વિઠ્ઠલ આને શું કહેવાય…….???
“તીડી કહેવાય તીડી… વિઠ્ઠલે હોંશભેર બોલી ઉઠ્યો.. અને પછી તો બહેન સમજાવી સમજાવીને થાકી ગયેલાં આને તીડી ના કહેવાય ‘ત્રણ કહેવાય ત્રણ” પણ વિઠ્ઠલ એકનો બે ન થયો એણે દફતરમાંથી લાલની તીડી કાઢીને બતાવીને કીધેલું જુઓ બહેન આ છે ને તીડી!!! અને પછી તો સીસમની ફૂટપટ્ટી થી વિઠ્ઠલનો હાથ સોજી ગયો..
આમ તો ફૂટપટ્ટી કે આંકણી એ નિશાળમાં લીટીઓ આંકવા માટે હોય છે પણ એનો મહતમ ઉપયોગ બાળકોની હથેળી સોજવાડી દેવામાં થાય છે એ વળી જુદી વાત છે!! બસ.. પછી તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને પહેલાં ધોરણમાંથી જ વિઠ્ઠલને ઉપનામ ‘વિઠ્ઠલ તીડી’!! અને આમેય શાળામાં બનતી ઘટના ગામડાઓમાં વાયુવેગે ઘરે ઘર પહોંચતી હોય છે!! ઘણી વાર તો મોટા કુટુંબમાં ઘણાંને ઘરે શું બને એ ખબર ના હોય પણ નિશાળમાં શું બને છે એની રજેરજ ખબર હોય બોલો!!!
બાવન પતાનો શોખ વિઠ્ઠલને ગળથુથીમાંજ મળ્યો એમ ગણી શકાય!! એનાં બાપા તભા ગોર પતા રમવાના જબરા શોખીન.. હુકમબાજીમાં તભા ગોરની તોલે કોઈ ના આવે.. અને આ તો જુનવાણી જમાનાની વાત અને એ વખતે મનોરંજનના સાધનોમાં ફક્ત એક રેડિયો અને કોઈ ભાગ્યશાળીને ઘેર ટેપ જોવા મળે અને એટલે જ ગામે ગામ બાવન પન્નાની રમતમાં ઘણાં બાવન બારાની મોજું માણતા..
તભા ગોર પતા રમે ત્યારે વિઠ્ઠલ નાનો અને એનાં ખોળામાંજ હોય સાથે ને સાથે એટલે જ એ આઠ વરહનો થયો ને નિશાળે બેસાડ્યો ત્યારે પેલાં દિવસે જ એને એક થી દસ નું અંક જ્ઞાન મોઢે હતું.. જરાક જુદી રીતે હતું!! માન્ય ભાષામાં એ એક… બે ..ત્રણ ચાર પાંચ ….આઠ નવ.. દસ ગણાય!! જયારે વિઠ્ઠલ તીડીની ભાષામાં એ એકો….દુડી …..તીડી…. ચોકો….પંજો…છકો….સતો. અઠ્ઠો…નવો અને દસો ગણાય!!!!
તભા ગોરનું આખું નામ તો ત્રિભુવન રતિલાલ ત્રિપાઠી હતું પણ ગામ એને લાડમાં તભા દાદા કહેતું અને વળી કોઈ તભા ગોર કહેતું.. તભાના બાપ રતિલાલ કેશવ ત્રિપાઠી નો એક જમાનો હતો.. મહારાજ સાહેબ આપેલ વીસ વીઘા જમીન એ વાવી ખાતા.. પણ કોઈની ઘરે કદી જાય નહિ કે હાથ લાંબો કરેલ નહિ.. એવી એક ખુમારી.. વિઠ્ઠલ તીડી સુધી વારસામાં આવી હતી.
ગામ થોડુક મોટું અને એમાં એક જ ખોરડું આ બ્રાહ્મણનું એટલે ગોરબાપાને કોઈ દિવસ આદર્યું કામ અધુરુ રહેતું નહિ, પણ તોય કાળ ક્રમે પ્રસંગો સાચવતા સાચવતા મૂળ હવે પાંચેક વીઘા જમીન વધી હતી અને એ જમીન પણ હવે દેખરેખ વિનાની અને ફક્ત વિલાયતી બાવળ ઉગે એવી કાટ્ય થઇ ગઈ હતી તે દર પાંચ વરસે એ બાવળ વેચે એટલે થોડી ઘણી આવક થઇ જાય!! તભા ગોર તો ખાલી સાદા પતા જ રમતા હુક્મબાજી જ સ્તો!! પણ વિઠ્ઠલ તીડીને તીન પત્તી બરાબરની ફાવી ગયેલી અને એની જ સારથના ભાઈબંધો મળી ગયેલાં ને પછી તો રોજે રોજ તીન પત્તીની જમાવટ થઇ જાય..
ક્યારેક નાથા કાળાની વાડીયે રમતા હોય તો ક્યારેક ઊંડા ખારામાં રમતા હોય.. જો શ્રાવણ મહિનો ના હોય તો શિવ મંદિરે પણ જમાવી દે!! વિઠ્ઠલ તીડી આમ તો પુરેપુરો ધાર્મિક માણસ!! શ્રાવણ માસમાં એ આખો દિવસ ઉપવાસ કરે અને આખો દિવસ મંદિરે શિવજીને બિલ્લી પત્ર ચડાવીને જલાભિષેક કરતો હોય!! શ્રાવણ માસમાં આખો મલક શ્રાવણીયો જુગાર રમે ત્યારે વિઠ્ઠલ તીડી ને ‘ઉપવાસ’ હોય જેવો શ્રાવણ પૂરો થાય કે તરત વિઠ્ઠલ તીડી જમાવે ને તે લગભગ આખું વરસ એ બાવન પાનામય જ હોય!!
તભા ગોરને ત્રણ સંતાનો હતાં!! મોટો પ્રમોદ એનાથી ત્રણ વરસ નાની વંદના અને પછી બે વરસ નાનો આ વિઠ્ઠલ!! વિઠ્ઠલ જન્મ્યો પછી આઠેક માસ થયા હશે ને શાન્તુમાં ગોરાણીને કમળાની ગાંઠ નીકળી અને એકાદ માસ ગોરાણી રહ્યા ખાટલે!! ઘણી દવા કરી તભા ગોરે પણ પણ પરિણામ શૂન્ય!! ગોરાણીએ લાંબુ ગામતરું કર્યું!! ત્યારે વંદના બે વરસની અને પ્રમોદ પાંચ વરસનો અને વિઠ્ઠલને તો વરસ પણ નહોતું થયું!!ગામમાં અરેરાટી થઇ ગયેલી પણ તભા ગોર ખરો બ્રાહ્મણ એ બધું દુઃખ પચાવી ગયો. નાતીલા એ કીધું પણ ખરું કે
“ ક્યાંક આછું પાતળું જોણ શરુ રાખીએ છોકરાં નાના છે માં વગર છોકરાનો ઉછેર કેમ કરશો???
“મહાદેવ, મહાદેવ , આ તમે શું બોલ્યાં હવે તો લાખ ઉપાય કરો તોય ગોરાણીની જગ્યા આ ઘરમાં કોઈ લઇ શકે નહિ” તભા ગોર મન મક્કમ કરીને બોલ્યાંતા.
પ્રમોદને ભણવા બેસાડ્યો, આજુબાજુ વાળા ગોરને ત્યાં પાણી ભરી જાય સાફ સફાઈ કરી જાય. ગોર બે ટાઈમ રોટલો શાક કરી નાંખે. ત્રણેય છોકરાને જમાડીને પછી આંગણામાં નાંખે ખાટલો.અને ભાઈબંધો આવે પછી ને તભા ગોર હુકમબાજી રમે!! વિઠ્ઠલ ગોરબાપાના ખોળામાં સુઈ જાય. મોડી રાત થાય એટલે બધાં જાય પોતાની ઘરે અને ગોર પણ ફળીયામાં જ ખાટલામાં સુઈ જાય.
સમય વીતતો ચાલ્યો.પ્રમોદ શાળાંત પાસ કરીને મામાને ઘરે ભણવા ગયો.વંદનાને નિશાળમાં દાખલ કરી એ ત્રીજા ધોરણમાં હતી અને પહેલાં ધોરણમાં દાખલ કર્યો વિઠ્ઠલ ને અને નામ પડી ગયું એનું તીડી!! વિઠ્ઠલ તીડી !!
વિઠ્ઠલને વંદના સાથે ગજબનો નાતો!! ભાઈ બહેન વચ્ચે અજબ પ્રીત!! વિઠ્ઠલ પોતાના ભાગના પૈસાની બહેન ને કોડીઓ લઇ દે અને વંદનાને કોડીએ રમવું ખુબ ગમતું!! કોઈ છોકરો કે છોકરી વંદનાને કઈ ખીજવે કે હેરાન કરે ને જો વિઠ્ઠલ તીડીને ખબર પડે કે તરત જ એનો ખાખરો ખરી જાય.. પછી એ ગમે ઈ ચમરબંધીનો દીકરો કે દીકરી કેમ ના હોય..
એવામાં વંદના સાતમાં ધોરણમાં ભણે અને શુક્રવારે વંદનાને તાવ જેવું હતું અને વહેલું ના ઉઠાયું અને ભાઈ બહેન ગયાં નિશાળે અને મોડું થઇ ગયેલું!! જુના શિક્ષકો તો વિઠ્ઠલને વતાવતા જ નહિ!! અને એમાં એક નવા સાહેબ આવેલાને અને એ એવું શીખીને આવેલા કે “ફર્સ્ટ ઈમ્પ્રેસન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેસન” એટલે એક કડક છાપ પડે એ હેતુસર એણે કસરતના દાવ કરાવતી વખતે વંદનાને ખખડાવી.
“કેમ મોડી આવી આહી વાળવું પડે એટલે?? સફાઈ કરવી પડે એટલે ?? આ બાપાનો બગીચો છે એમ?? મન ફાવે ત્યારે આવવાનું એમ” સાહેબ બોલતાં હતાં ત્યારે ચોથા ધોરણની લાઈનમાંથી વિઠ્ઠલ તીડી આવ્યો અને સાહેબની સામે જોઇને કીધું કે
“સાહેબ મારી બહેનને તાવ આવે છે રાતનો, અને બાપ સામું નો જાવ તો સારું રહેશે” અને સાહેબે વિઠ્ઠલનો કાંઠલો પકડ્યો.
“હજુ તો ઉગીને ઉભો થયો ત્યાંજ દાદાગીરી એક ઝાપટ ભેગો…… “બોલવાનું પૂરું ના થયું અને વિઠ્ઠલ તીડીએ ભર્યું બટકું ને સાહેબનો પહોંચો તોડી નાંખ્યો.અને પછી વિઠલ દફતર મુકીને ભાગ્યો.. તભા ગોર આવ્યા સાબની માફી માંગી, પણ એ દિવસ પછી લગભગ વિઠ્ઠલ નિશાળે જતો જ નહિ કયારેક આવે પણ દરવાજા સુધી વંદનાને મૂકી ને બાજુમાં તળાવની પાળે અને ત્યાં છકાવે તીન પતિ !!
શરૂઆત કોડીથી થઇ અને પછી પાવલી પાવલી…. રૂપિયો…રૂપિયો અને પછી પાંચનો ડબ્બો.. દસ નો ડબ્બો તે વાત પહોંચી ગઈ હજારના પડ સુધી!! જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ વિઠ્ઠલ તીડી પ્રગતિ કરતો ગયો. આ એક જ અવગુણ બાકી એ નજરનો ચોખ્ખો!! આખા ગામમાં કોઈના પણ એ ઘરે જઈ ચડે કોઈ મોઢું કાળું કરે જ નહિ!! જે દિવસ એ જીતીને આવે તે દિવસ ભાઈબંધોને મોજેમોજ!! અને લગભગ એ હારતો જ નહિ..
એનાં પાનાં એવા ચડે કે સામે ભલભલાને ફીણ આવી જાય!! ભાંગતા ઘરને વિઠ્ઠલે બચાવી લીધેલું.. પ્રમોદ કોલેજમાં ગયો.. વંદના મોટી થઇ હાઈસ્કુલ સુધી ભણી હતી. ઘરનું એ બધું જ કામ કરતી થઇ.. વિઠ્ઠલનો બહેન પ્રત્યેનો સ્નેહ બેવડાઈ ગયો હતો. વંદના માટે એ સારી જાતના કપડાં લાવે.. પ્રમોદનો ભણવાનો ખર્ચો ઘર ખર્ચ બધોજ વિઠ્ઠલ ઉપાડી લેતો.. અને સમય સરકતો રહ્યો.. તભાગોરની હવે અવસ્થા થવા આવી હતી!!
પ્રમોદને હવે નોકરી મળી ગઈ હતી. એનાં લગ્ન લેવાયા..ધામધુમથી લગ્ન લેવાયા.. પૈસા બધાં વિઠ્ઠલના જ .. તભા ગોર બધું સમજતા પણ કશું નહોતા કહેતા.. નાનપણથી જ વિઠ્ઠલની આવક પર જ ઘર નભતું..બીજો વિકલ્પ પણ કયા હતો. લગ્નના એક વરસ પછી તભા ગોર અમદાવાદ ગયાં.. પ્રમોદ એની પત્ની સાથે અમદાવાદ રહેતો હતો!! એક કંપનીમાં ઊંચા માયલી નોકરી કરતો હતો. ગોરે કીધું..
“ પ્રમોદ, હવે તું અહી કાંઇક છેડા કરીને આડા અવળી લાઈન લગાડીને વિઠ્ઠલને અહી બોલાવી લે એને ક્યાંક પટ્ટાવાળા માં પણ ગોઠવી દે, ગામડામાં તો એ તીન પતિ જ રમે છે ને પૂરું કરે છે જોકે એને પૈસાની જરૂર નથી, પણ કાંઇક નોકરી હોય તો એનું આછું પાતળું ઘર બંધાઈ જાય”
‘હવે એની લાઈન જ આડી છે એમાં હું શું કરું, બ્રાહ્મણનો દીકરો થઈને પતા રમે ઈ આપણી નાતમાં ખબર પડી ગઈ છે અને એની છાપ પણ તીડી પડી ગઈ ને મારાથી કશું ના થઇ શકે” પ્રમોદે તિરસ્કારપૂર્વક કહ્યું.
“એની આડી લાઈનને કારણે તું આજ સીધી લાઈન પર છો એ ના ભૂલતો, તારા આ બાપ પાસે શું હતું કશું નહિ કશું, તારી અને વંદના પાછળ વિઠ્ઠલે પોતાની જિંદગી ખર્ચી નાંખી છે બેટા બાકી ભણતરના આ ખર્ચા એની તીન પત્તીમાંથી આવ્યાં છે પણ હવે તું કમાય છે, તારી વહુ પણ નોકરી કરે છે એવું પણ મેં સાંભળ્યું છે.. અને મેં એ પણ સાંભળ્યું છે કે તે તારા બે સાળાને પણ તારી કંપનીમાં લઇ લીધા છે નોકરી પર એટલે કહું છું કે હવે તારી ફરજ છે કે ભાઈ બહેન ને તું અમદાવાદ બોલાવી લે..અત્યાર સુધી નાનાએ તને લાઈન પર ચડાવવાની જવાબદારી નિભાવી હવે તારે એને લાઈન પર ચડાવવાનો છે..તભા ગોર ગળગળા થઇ ગયાં.
હું હોંશિયાર હતો ને એટલે નોકરી કરું છું બાકી માં બાપની જવાબદારી હોય છે કે સંતાનોને ભણાવીને લાઈને લગાડવા અને તમે કાઈ ઉપકાર નથી કર્યો.જે પેદા કરે એને બધી તેવડ હોવી જોઈએ.. કાલ સવારે મારે સંતાન થાય તો એની જવાબદારી મારી છે બાકી સહુ સહુનું નસીબ લઈને આવ્યાં હોય છે.. રહી વાત વિઠ્ઠલની તો એ એની મેળે ગોતી લેશે એની લાઈન બાકી આઉટ લાઈન તો છે જ ને એની પાછળ બાકી મને તો શરમ આવે છે એને ભાઈ કહેતા અને વંદના પણ એને જ ભાઈ ગણે છે!! મારા કરતાં વંદનાને વિઠ્ઠલ વધારે વહાલો છે ને તે વિઠ્ઠલ પરણાવશે એની લાડકી બહેન ને એમાં મારે શું??
અને હવે પછી મારા સાળાની વાત ના કરશો એને મેં નોકરી અપાવી છે એમાં તમારે બળવાની જરૂર નથી એ મારી “પર્સનલ મેટર” છે સમજયા, બોલો હવે કાઈ કહેવું છે” તભા ગોર તો સડક જ થઇ ગયાં!! શું આ જ શિક્ષણ હતું.. છોકરાઓ સાત આઠ વરસ બહાર ભણ્યો એમાં આટલો કલિયુગ અડી ગયો.
“મહાદેવ મહાદેવ , કહેતા તભા ગોર ફલેટમાંથી બહાર નીકળી ગયાં,પ્રમોદે જમીને જવાનું કીધું પણ તભા ગોર બોલ્યાં.
“ધરાઈ ગયો છું બેટા ધરાઈ ગયો છું હું જીંદગીમાં કોઈ દિવસ ના આવ્યો હોયને એવો ઓડકાર આવ્યો છે આજે”
“તો કાઈ વાંધો નહિ અને આમેય તમને વિઠ્ઠલાની કમાણીનું જ ભાવે ને અમારી જેવા પ્રમાણિકનું તો તમને ક્યાંથી ભાવે” પ્રમોદ પોતાની ઉચ્ચબુધ્ધિમતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. પ્રમોદના આ શબ્દો તભા ગોર માટે ઘાતક નીવડ્યા.કાળજે સહેજ દુખવા આવ્યું . માંડ માંડ ગામ આવ્યું. વંદના પિતાજીની સ્થિતિ સમજી ગઈ અને આમેય દીકરી પિતાજીના વિચારો સારી રીતે સમજી શકે છે..
“ વિઠ્ઠલ હવે તું કાંઇક બીજો ધંધો કરી લેને” તભા ગોરે કીધું.
“તમે કહો એ કરું બોલો” વિઠ્ઠલ બોલ્યો.
“ તારું ઘર બંધાય એ માટે કહું છું બાકી પ્રમોદ ને તો હવે હું મારો દીકરો ગણતો જ નથી, એ તો એનાં રસ્તે જતો રહ્યો છે,એક ફૂલ જેવી બહેન છે એનીય એને નથી પડી, જો મને આવી ખબર હોત ને તો એને મામાને ઘરે મોકલીને ભણાવાત જ નહિ.. નખ્ખોદ જાય એનાં ભણતરનું “
“ભાઈનું જોઇને જ મારે લગ્ન નથી કરવા, મારે તો હવે તમે છો અને આ વંદુ છે એટલાંમાં મારો સંસાર આવી ગયો. તમે ચિંતા ના કરો વંદના માટે મેં મુરતિયો શોધી લીધો છે. છોકરો જોયો છે સંસ્કારી છે.ગરીબ છે પણ મેં જવાબદારી લીધી છે કે મારી બહેનને હું ઓછું નહિ આપું એ લોકો કાલે વંદુ ને જોવા આવશે, વંદુને ગમી જાય એટલે વાત આગળ વધશે.
વંદુને નયન ગમી ગયો. નયન અમદાવાદની બાજુના ગામમાં રહેતો હતો.એનાં બાપા ગોરપદુ કરતાં હતાં નયન ખાનગી શાળામાં શિક્ષક હતો.નયન અને વિઠ્ઠલ તીડીની મુલાકાત ભવનાથના મેળામાં થઇ હતી.બેય એક જ ધર્મશાળામાં રોકાયા હતાં અને નયનની સાથે એનાં માં બાપ હતાં. વિઠ્ઠલ માણસ પારખું હતાં એને નયન અને એનું કુટુંબ ગમી ગયેલું!! અને આમેય નિર્જીવ બંધ પાનાં પારખી જનાર વિઠ્ઠલ તીડી માણસ તો પારખી શકે જ ને!! છુટા પડતી વખતે નયનના પિતાએ કહેલું કે
“વિઠ્ઠલભાઈ નયન માટે કન્યા ધ્યાનમાં રાખજો ને આપણે વધારે ઊંચામાં નથી જાવું પણ નયનને હેરાન ના કરે અને અમને સાચવે એવી છોકરી જોઈએ છે” નયનના પીતાએ હસતા હસતા કહ્યું.
અને વંદનાનું ગોઠવાઈ ગયું. સારું મુહુર્ત જોવરાવીને તભા ગોરે દીકરીના લગ્ન લીધા અને પોતાની એકની એક વહાલી બેનના લગ્ન પૂર્વે વિઠ્ઠલ તીડી પહેલી વાર શહેરમાં એક મોટી કલબમાં રમવા ગયો.અને પોતાની જિંદગીના શ્રેષ્ઠ પાનાં ચડ્યા. ધામધૂમ પૂર્વક લગ્નનો પ્રસંગ ગોઠવ્યો.સગાસંબંધી તો ખાસ હતાં નહિ પણ ગામ આખું ખડે પગે હતું.તભા ગોરની ચોખ્ખી મનાઈ હોવા છતાં વિઠ્ઠલ પ્રમોદને ત્યાં ગયો લગ્નનું આમંત્રણ આપવાં.
“બીજી તારીખે લગ્ન છે વંદુના , કુમાર અહી અમદાવાદમાં છે ખાનગી શાળામાં, તમેને ભાભી આવજો બહેનને આશીર્વાદ આપવાં” પ્રમોદે કંકોતરી હાથમાં લીધી.
“આ જ તારીખે મારે બહાર જવાનું છે એક ડિલ કરવાની છે, કાઈ જરૂર હોય તો કહેજે પૈસા થોડાં ઘણાં જરૂર હોય તો લેતો જા” પ્રમોદે કહ્યું.
“વિઠ્ઠલ તીડી હમેશાં આપતો આવ્યો છે , સુદામા ટાઈપનો હું બ્રાહ્મણ નથી. મહાદેવ સિવાય બીજા પાસે કશું માગ્યું નથી, તમારે જરૂર હોય તો કહેજો બાપના બોલ થી મદદ કરીશ,આવો તો ગમશે બહેનના લગ્ન હોય તો ભાઈના સાતેય કામ બાજુમાં મૂકી દેવાય.” વિઠ્ઠલ વટથી બોલ્યો,અને ફલેટના દાદરા ઉતરી ગયો.
ધામધૂમ પૂર્વક લગ્ન ગોઠવાયા. વિઠ્ઠલે જવતલ હોમ્યા. વંદના ભાઈને મળી.ઓવારણા લીધા.પ્રમોદ નહોતો આવ્યો.ભાઈના ઓવારણા લીધા.
“ભાઈ તારી તબિયત સાચવજે બાપુજીનો ખ્યાલ રાખજે.” એક રેશમની થેલી કાઢી જે વંદના નાનપણથી રાખતી.એમાં પેલી નાનપણની કોડીઓ હતી.
”આ મુકતી જાવ છું. મારી યાદ આવે ત્યારે આ કોડીઓને જોઈ લેજે અને આજ તું મને એક વચન આપ” વંદના રડતા રડતા બોલી.
“બોલ બહેન તારે શું જોઈએ છે” વિઠ્ઠલ બોલ્યો.
“બને તો હવે પછી ગંજીપો ના અડતો, જાણું છું કે તું અમારા માટે રમતો હતો. સંજોગોનો તું શિકાર બન્યો હતો. પણ હવે તું તારી બધી જવાબદારીમાંથી મુક્ત છો ભાઈ, બીજો કોઈ પણ ધંધો કરી ખાજે, મહાદેવ પાસે આશા રાખું છું કે ભવોભવ મને તારા જેવો ભાઈ આપે. વંદના ભાઈને ભેટી પડી.
“જેમ તું કહે એમ” ગળે ડૂમો ભરાઈ ગયો. વંદનાને વિદાય આપી. ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સમય વીતતો ગયો. દર મહીને વિઠ્ઠલ બહેનને ત્યાં જાય.વંદનાને ત્યાંકોઈ જ તકલીફ નહોતી. વિઠ્ઠલ તીડી હવે ઘરે ને ઘરે હોય!!! રમવાનું સાવ બંધ.!!બાવળિયા ની કાટ્ય વેચીને જે થોડાં પૈસા આવ્યાં એમાંથી નાનકડી દુકાન કરીને બાપ દીકરો જીવન જીવવા લાગ્યાં.
બહેનની યાદ આવે ત્યારે પેલી રેશમની થેલી માંથી કોડી ઓ કાઢે અને જોઈ લે. એકાદ વરસ પછી તભા ગોર દેવ થયા. વંદના અને નયન આવ્યાં. નિયમાનુસાર તભા ગોરનું તર્પણ કરવામાં આવ્યું. વિઠ્ઠલ તીડી હવે એકલો થઇ ગયો હતો. મનથી પડી ભાંગ્યો હતો.પેલાં જેવી ટાપ ટીપ રહી નહોતી એમાં એક દિવસ અચાનક ફોન આવ્યો.
“નયન ને દવાખાને દાખલ કર્યા છે તું જલદી આવ” વંદનાએ રોતા રોતા કહ્યું.
તરત જ વિઠ્ઠલ અમદાવાદ ગયો.વંદનાના સાસુ સસરા અને વંદના આઈ સી યુ ની બહાર હતાં.
“મગજમાં ગાંઠ નીકળી છે ડો. કહે છે ઓપરેશન કરવું પડશે, આઠ કલાકનો સમય છે પછી કદાચ ગાંઠ અંદર જ ફાટી જાય તો નકામું” વંદના ના સસરા બોલતાં હતાં. વંદનાની આંખ સોજીને દડા જેવી થઇ ગઈ હતી. રાતના આઠ વાગી ગયાં હતા. વિઠ્ઠલ વંદના પાસે ગયો માથે હાથ ફેરવ્યો.
“વંદુ રડ નહિ નયન કુમાર ને કશું નહિ થાય. આજ રાતે જ ઓપરેશન થઇ જશે,’’વિઠ્ઠલ ભીની આંખે બોલ્યો. એટલામાં ડોકટર આવ્યાં. અમરકથાઓ
“સાહેબ ઓપરેશનની તૈયારી કરો, વિઠ્ઠલ બોલ્યો.
“ પણ એ માટે અઢી લાખ ખર્ચ થશે એમ તો મેં કહ્યું છે.” ડો શુષ્ક અવાજે બોલ્યાં.
“બે કલાકમાં વ્યવસ્થા કરીને આવું છું” વિઠ્ઠલ આટલું કહીને બહાર આવ્યો અને ફોન લગાવ્યો.
“ ડટ્ટી કયા છો? હું વિઠ્ઠલ તીડી બોલું છું. કનું ડટ્ટી વિઠ્ઠલનો જુનો ભાઈ બંધ એની પાસેથી વિઠ્ઠલને પચાસ હજાર લેવાના હતાં, ઘણી વાર કનું એ કીધેલું કે એલા તારા પૈસા તો લઇ જા ત્યારે વિઠ્ઠલ કહેતો કે જરૂર પડશે ત્યારે લઇ જઈશ. કનું અને વિઠ્ઠલ કલબમાં જતાં ત્યારે ક્યારેક ભાગમાં રમતા અને હવે તો વિઠ્ઠલે રમવાનું બંધ કરેલ. એટલે કનું એકલો એકલો રમતો.
“કલબમાં છું, બોપલ બાજુ બોલ આજ ઘણાં દિવસે ફોન કર્યો,” દટ્ટીએ કીધું.
“પૈસા જોઈએ છે નયન કુમાર ને દાખલ કર્યા છે,
“આવી જા બોપલ ખૂણા પર દાળ વડા ની લારી છે, ત્યાં ઉભો રહેજે ત્યાં હું આવીશ તને લેવા.વિઠ્ઠલ ઓટોમાં ત્યાં પહોંચ્યો. કનું મળ્યો વાત થઇ.
“ ચાલ કલબમાં તને પચાસ હજાર આપી દઉં,” બને કલબમાં ગયાં વિઠ્ઠલને પૈસા આપ્યા પણ હજુ જરૂર હતી.વિઠ્ઠલને એક બાજુ વંદનાનો ચહેરો યાદ આવ્યો,વિદાય વખતે વંદનાએ કીધેલું બની શકે તો ગંજીપાને ના અડતો અને બીજી બાજુ બહેનનો ચાંદલો યાદ આવ્યો..નયન કુમારનો આઇસીયુમાં સૂતેલો ચહેરો મને માફ કર વંદના મનોમન કહીને વિઠ્ઠલ ગોઠવાયો સામે પાંચ જણા બેઠા હતાં. કનું દટ્ટીએ પરિચય આપ્યો.
“તેરા નામ તો બહોત સુના હૈ બીડુ યહ દટ્ટી સાલા તુમકી બહોત તારીફ કરતાં થા ચલ આજ દેખતે હૈ કી મછલીમેં કિતની ચટપહાટ હૈ” એક દાઢીવાળો બોલ્યો દેશી બીડી પીતાં પીતાં..
અને બાજી ગોઠવાઈ પેલી એક બે ગેમ એમને એમ ગઈ ત્રીજી ગેમથી પાનાં ચડયા તે સારો દલ્લો વિઠ્ઠલે કબજે કર્યો.. પાનાં નીકળતાં ગયાં અને સામેવાળા હારતા ગયાં. છેલ્લે વિઠ્ઠલ તીડી બ્લાઈંડ ચાલ્યો.સામેવાળો દાઢી તો ત્રીજીવારીમાં જ નીકળી ગયો.બ્લાઈંડ માં બ્લાઈંડ છેલ્લે પેલો કંટાળ્યો. વીસ હજારના બંડલ નો ઘા કરીને કીધું કે
“શો કર વિઠ્ઠલ શો કર” પણ શો કરે એ વિઠ્ઠલ નહિ એ બોલ્યો.
“શો જ કરવો જ છે બસ પણ હવે પેલાં તારા પાનાં બતાવ તો ખરો હું પહેલાં બતાઉ કે તું બતાવ શું ફેર પડે છે આખરે શો જ કરવો છે ને”
પેલાં એ એક પછી એક પાનાં ખોલ્યા એકા બાદશાહની પાકલ રોન કાઢી ને આવી ગયો ગેલમાં.
“ચલ અબ આયા ઊંટ પહાડકે નીચે ચાલ હવે તારા પાનાં બતાવ”
“એમ નહિ લે આ પચાસ હજાર તે પાનાં જોયા છેને મેં જોયા પણ નથી, તોય હું ચાલ ચાલુ છું બોલ તારી પાસે પાકલ રોન છે મારી પાસે શું છે એ મને ખબર નથી પણ મારી પાસે ગાઢ છે તારી પાસે છે ગાઢ તો નાંખ પચાસ હજાર” વિઠ્ઠલ હવે ઓરીજીનલ રંગમાં આવી ગયો હતો. પેલો થોથવાઈ ગયો. હવે બાપગોતરમાં આવો આંધળો જુગાર તો એ રમ્યો જ નહોતો પણ તોય એણે પચાસ હજારનું બંડલ નાંખ્યું. વિઠ્ઠલે બીજું પચાસનું નાંખ્યું અને પેલો લેવાણો, પણ તોય એણે નાંખ્યા પચાસ અને કહ્યું.
“હવે નહિ હો હવે તારા પાનાં બતાવ” બીજા બધાને પણ રસ પડ્યો.
“મેં તો પાનાં જોયા ય નથી પણ મારે ત્રણ છે બોલ, ગમે ઈ ત્રણ નીકળે બોલ જો ના નીકળે તો મારી પાસે જીતેલી રકમ બધી તારી બોલ જોવો છે આ ખેલ જો જોવો હોય તો નાંખ બીજા પચાસ નહીતર અત્યારે શો કરું” વિઠ્ઠલે પેલાને વિમાસણમાં મૂકી દીધો. વચ્ચે પૈસાનો ઢગલો હતો તોય વિઠલ પાસે ઘણી રકમ વધતી હતી. બીજા પાસેથી વિઠ્ઠલ ઘણું જીતી ગયો હતો.એણે છેલ્લે છેલ્લે બીજા પચાસ પણ નાંખ્યા અને કીધું કે
“જો ત્રણ ના નીકળ્યાં તો તારા બધાં જ પૈસા મારા બરાબર ને”
“બરાબર બરાબર આ વિઠ્ઠલ તીડી છે બોલ્યું ના ફરે,,, મહાદેવ મહાદેવ “ કહીને એકી ઝાટકે વિઠ્ઠલે પોતાના ત્રણેય પાનાં છતાં કર્યા….. ૩…..૩……૩ ત્રણ તીડી નીકળી અને તાળીઓનો ગડગડાટ થયો.. વિઠ્ઠલ તીડી ત્રણ તીડી ના કાઢે તો બીજું કોણ કાઢે???… કનું દટ્ટી અને વિઠ્ઠલ તીડીએ નોટોનું પોટકું વાળીને હોસ્પિટલ બાજુ રવાના થયા.. રીતસરની દોટ જ કાઢી…અઢીલાખ કરતાં પણ વધુ રકમ તેમની પાસે આવી ગઈ હતી.!!
મહાદેવ!!! મહાદેવ!!!!

21 સાચું સૌંદર્ય

ગામને પાદર પાણીના સેલારા લેતું તળાવ.
તળાવની બાજુએ પાકી બાંધેલી પાળ હતી. પાળને ઘસાઈને રસ્તો ગામના ઝાંપે આવીને અટકતો.
તળાવની બીજી બે બાજુઓ માટીના પાળાથી બંધાયેલી હતી. એ પાળા પર , વડ , પીપર , આંબલી અને લીમડાના ઝાડોની ઘેઘૂર ઘટા હતી. બન્ને પાળા પર વૃક્ષોની કૂંજાર હાર હતી. પાળા પર લીલી ઝાઝમ બીછાવી હોય તેમ ઘાસ ફૂટી નીકળ્યું હતું. અમરકથાઓ
પાળા પર ચાર – પાંચ બકરાં ચારતો મેરૂ એક ઝાડના છાયામાં ડાંગ લઈને બેસેલો દરરોજ નજરે પડતો.
મેરૂનું મોઢું ભયાનક લાગે તેવું હતું. મોટુંને પહોળુ નાક , નીચલો અર્ધો હોઠ તૂટી ગયેલો તેથી આગલાં બે દાંત મોંની બહાર નીકળેલા દેખાતા હતા. શીળીના ચાંઠાથી આખુંય મોઢું ગોબાઈ ગયેલું ને પાછો વધારામાં કાળો મેશ જેવો વાન.
મેરૂને જોનારનું હૃદય પેલી વખત તો ધરબાઈ જાય. ભૂત નો માસીયાઈ ભાઈ લાગે. અમરકથાઓ
આ ગામમાં થોડા વખત પહેલાં એ ફરતો ફરતો આવ્યો હતો. ભગવાન જાણે ક્યાંથી
પણ અહીં બકરાં માટે તેને ઘાસચારો મળી જવાથી પાદરમાં રાડાનું નાનું સરખું ઝૂંપડું કરીને પડયો રહેતો. આખો દિ તળાવની પાળે બકરાં ચારતો અને રાત્રે ઝૂપડાંમાં બકરાં અને મેરૂ લપાઈ જતા.
પણ આ અણગમતા દેખાવવાળો મેરૂ વગર કારણે ગામ લોકોની આંખે ચડી જતો. તેના ભય ઉપજાવે તેવા મ્હોરાને કારણે બધા વાતો કરતા.
“આના લખણ સારા દેખાતા નથી હો … જુઓની એની સિકલ કેવી છે ? “
વળી બીજો કહેતો , “વાત સાચી છે . કોકદિ ‘ કંઇક અવળું કરી બેહશે ત્યારે બધાયનું મોઢું ખોઇ જેવું થઈ જશે … “
ત્રીજો વળી ઉપાય બતાવતો. “આને ગામમાંથી કાઢવો જોઈએ. કંઇ કડાકૂટ જ ન રહે.”
બે ચાર માણસોએ ભેગા મળીને સરપંચ પાસે જઈને મેરૂને કાઢી મૂકવાની વાત કરી.
પણ કેટલાક ગળઢા માણસોને દયા આવી. એણે કહ્યું ,
“ભલેની પડયો … હજી કોઈને નડયો નથી … નાહકનો બિચારાને શું હેરાન કરવો ? પેટિયું રળી ખાય છે … તેમાં આપણે વચ્ચે ટાંટિયો ન નખાઈ …”
આમ છતાં બધાના મનમાં મેરૂ તરફ ધૃણા ફેલાતી હતી.
એક દિવસ નાના છોકરાઓ રમતા રમતા તળાવની પાળે જઈ ચડયા. દોડાદોડીમાં એક છોકરાનો પગ લપસ્યો. ને એક છોકરો તળાવમાં ઉથલી પડયો.
છોકરાઓએ ચીસાચીસ કરી મૂકી. પાળે બેઠેલા બીજા થોડાક માણસો દોડી આવ્યા. ડૂબતા છોકરાને બચાવવાની કોઈની હિંમત ચાલી નહિ. તળાવનું પાણી ખૂબ જ ઊંડું હતું. સૌ રાડો પાડીને છોકરાને બચાવી લેવા માટે કહેતા હતા. પણ તળાવમાં મરવા કોણ પડે ?
સૌ ભયથી એકબીજાના મોં સામે જોઈ રહ્યા.
‘ધબ્બ’ કરતો ધુબાકો થયો.
હડી કાઢીને એક જણે તળાવમાં ધૂબાકો માર્યો.
” કોણ પડયું ? કોણ પડયું ? ” સૌ એકબીજાને પૂછતા રહ્યા.
ત્યાં જ છોકરાને ખભે નાખીને તરતો તરતો મેરૂ તળાવના કાંઠે આવ્યો. છોકરો હેમખેમ ઉગરી ગયો હતો.
સૌ આશ્ચર્યથી મેરૂની સામે જોઈ રહ્યા. ત્યારે તેના ભયાનક દેખાતા ચહેરામાં કોઈને ભય ન દેખાયો. પણ પર દુઃખે દુઃખી થવાની આભા દેખાણી.
મેરૂનું મોં મલકી ઊઠયું . એ મલકાટમાં સૌને અનુપમ સૌદર્ય લાગ્યું.
“બાકી ભડ હો … ” સૌના મોંમાંથી મેરૂ માટે આનંદના ઉદગારો સરી પડયા ….

                                                                                    ____ વાસુદેવ ઓઢા 

 22   છોગાળા હવે તો છોડો 

છોગાળા હવે તો છોડો
વાડની ઓથે એક બખોલ.
એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ.
એમને બચ્ચા બે. નાનાં ને રૂપાળા. ધોળા તો જાણે રૂ ના પોલ !
દિ ઊગેને સસલો – સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાને રાખે બખોલમાં નીકળતી વખતે બચ્ચાને કહે, “ આઘાપાછા થશો નહીં, બખોલ બહાર નીકળશો નહીં.
પણ બચ્ચા તે બચ્ચા. એકલા પડ્યા નથી કે બહાર નીકળ્યા નથી, નાચે, કુદે ને ગેલ કરે. અમરકથાઓ
એક વાર બચ્ચા રસ્તા વચ્ચે રમે.
ત્યાંથી નીકળ્યા હાથીભાઈ. હાથીભાઈ શાણા. થોડીવાર બાજુ પર ઊભા રહી ગયા, તોય બચ્ચા ખસે નહી.
હાથી કહે, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “
બચ્ચા કહે, “ કેમ, શું કામ છે ? “
હાથી કહે, “ હોય તો બે બોલ કહેતો જાઉં. “
બચ્ચા કાઈ બોલ્યા નહી. હાથીભાઈ તો ચાલતા થયા.
એક દીવસ,
બે દીવસ,
ત્રણ દીવસ, ….
બચ્ચા તો રોજ રસ્તા વચ્ચે રમે.
હાથીભાઈએ ફરી પૂછ્યું, “અલ્યા છોકરાં, તમારી માં ક્યાં છે ? “ હોય તો બે બોલ કહેતો જાઉં.”
બચ્ચા કાઈ બોલ્યા નહી. હાથીભાઈ તો ચાલતા થયા.
આવું ઘણા દિ ચાલ્યું. એક દહાડે બચ્ચાંએ હાથીવાળી વાત માં ને કરી.
સસલીબાઈ તો ખીજાયા, “ એ મગતરા જેવડો હાથીડો સમજે છે શું ? કહેવા દો તમારા બાપને. જુઓ પછી એની શી વલે કરે છે ! “
એટલામાં આવ્યા સસલાભાઈ ને સસલીબાઈ કહે, “છેલછોગાળા રાણાજી ! “
સસલાભાઈ કહે “ શું કહો છો છેલછબીલા રાણીજી ?
સસલીબાઈએ માંડીને વાત કરી.
સસલાભાઈનો ગયો મિજાજ. “ સમજે છે શું એ હાથીડો ? આવવા દે એ મગતરા ને એની વાત છે.
સસલાભાઈતો આખી રાત ઊંઘ્યા નહી .
પથારીમાં પડખા ઘસ્યાં કરે. સવાર પડી.
સસલાભાઈ ઉઠ્યા. હાથીભાઈને વશ કરવાની વાત મનમાં બરાબર બેસી ગઈ. વાડમાંથી એક લાંબો, જાડો વેલો ગોતી કાઢ્યો એનો બનાવ્યો ગાળીયો.
ગાળીયાનો એક છેડો વાડના થોર સાથે બાંધ્યો. ગાળીયો નાંખ્યો રસ્તા વચ્ચે, ને બેઠા એ તો હાથીની આવવાની રાહ જોતા.
‘ હમણાં આવશે, હમણાં આવશે ને આ ગાળીયામાં એનો પગ ફસાશે.
પછી એને એવો ઠમઠોરું કે ખો ભૂલી જાય.
પણ વળી સસલાભાઇ સફાળા ઉઠ્યા.
થોરે બાંધેલો ગાળીયાનો છેડો છોડયો ને બાંધ્યો એને બાવળના થડે.
થોર ઉખડી પડે તો !
વળી એને થયું કે હાથી આગળ બાવળીયાની શી વિસાત !
આથી પાછો થડેથી ગાળીયો છોડવા લાગ્યો.
સસલીબાઈ ક્યારના બખોલની બહાર આવીને સસલા ભાઇ શું કરે છે તે જોતા હતા.
“કેમ, વળી પાછું શું થયું ? “—
“અરે, આ બાવળિયાનો ભરોસો શો ? —- સસલાભાઇ એ મૂછે તાવ દેતા કહ્યું , “આ છેડો હું મારા પગ સાથે જ બાંધીશ ——
સસલાભાઇએ ખોંખારો ખાધો. પોતાનો ડાબો પગ પાંચ વાર જમીન પર પછાડ્યો.
‘ થોર, બાવળનો ભરોસો નહિ ખરે ટાણે દગો દે.
પારકું એ પારકું — એમને તો ગાળિયાંનો છેડો ડાબા પગે મજબુત બાંધ્યો. ખોખારો ખાધો ને મૂછ પર તાવ દીધો .
સસલીબાઈ કહે, “ વાહ ! મારા છેલ છોગાળા રાણાજી !”
સસલાભાઈ તો છાતી કાઢીને બેઠા.
એવામાં હાથી આવતો દેખાયો. ધમ ધમ ચાલે છે. ધરતી કંપાવે છે. અમરકથાઓ
સસલાભાઈએ હિંમત ભેગી કરવા માંડી. “ આવી જા, મગતરા, જોઇલે આ છેલ છોગાળા રાણાજીનો વટ ! “
હાથીભાઈ તો મસ્તીમાં ને મસ્તીમાં ચાલતા હતા. એમના પાછલા પગમાં ગાળીયો ભરાયો. હાથીભાઈને તો એની ખબરેય ન પડી. એ તો ચાલે છે ધમ ધમ.
હવે તો સસલાભાઈ તણાયા. એ તો જાય તણાયા…… જાય તણાયા……એમના હોશકોશ ઊડી ગયા.
સસલીબાઈ તો બચ્ચાં લઈને દોડતા ત્યાં પહોચી ગયા. સસલાભાઈ હાથીને છોડતા નથી એ જોઈને એમને હાથીભાઈની દયા આવી. બિચારો હાથી ! સસલીબાઈ નરવે- ગરવે સાદે બોલ્યાં,
“ છોગાળા, હવે તો છોડો ! “
ત્યારે હતું એટલું જોર ભેગું કર્યું ને સસલાભાઈ બોલ્યાં, ” છોગાળા તો છોડે છે પણ આ સુંઢાળા ક્યાં છોડે છે ? “
                                               

       23    રાજા ખાય રીંગણ         

એક સુંદર નગર હતુ.
ત્યાનો રાજા ખુબ જ સારી રીતે રાજ્ય કરતો હતો. પ્રજા માટે તમામ પ્રકારની કાળજી રાખતો. તે રાજા ખાવાનો ખુબ જ શોખીન હતો. તેથી રાજાની સેવામાં ઉત્તમ રસોઇયો રાખ્યો હતો. જે નિયમીત રાજાનું ભોજન બનાવતો.
હવે રાજા તો ખાવાનાં શોખીન એટલે રાજા માટે દરરોજ ઉત્તમ ભોજન બનતું. શાકભાજીમાં પણ પરવળ, વટાણા અને બિજા મોંધા મોંધા શાકભાજી વપરાતા.
રાજાએ ક્યારેય રીંગણનું શાક ખાધેલુ નહી. કેમ કે ત્યાનાં પ્રધાનજી અને રસોઇયાનું માનવુ હતું કે રીંગણ તો સાવ સસ્તુ શાક કહેવાય. વળી તેનો દેખાવ પણ કાળોમેશ એટલે રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોતુ હશે ?
એવામાં બન્યુ એવુ કે રાજ્યના મુખ્ય રસોઇયાને ક્યાંક બહાર જવાનું થયુ. અને તેની જગ્યાએ નવો રસોઇયો હાજર થયો. આ નવા રસોઇયાએ કોઇ દિવસ આવુ રાજાઓ માટે ભોજન બનાવેલુ નહી. એટલે એને બિચારાને એવી કશી ખબર નહી.
નવો રસોઇયો તો બજાર માથી ઉત્તમ પ્રકારનાં રીંગણ લઇ આવ્યો અને મસાલેદાર રીંગણનું શાક બનાવીને રાજાની થાળીમાં પીરસ્યુ.
એટલામાં પ્રધાનજી આવીને રસોઇયાને પૂછપરછ કરી. રસોઇયાએ કહ્યુ કે રીંગણનું શાક છે. આ સાંભળીને પ્રધાનજીનો રંગ ઉડી ગયો. રસોઇયાને ખખડાવતા કહ્યુ કે ” એલા મુરખ શીરોમણી રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોય ?”
હવે રાજાનો ગુસ્સો કોના પર કેટલો ઉતરે છે ? તે માટે પ્રધાનજી કઇક ઉપાય વિચારવા લાગ્યા. રસોઇયો પોતાને દંડ થશે એમ માની ધ્રુજવા લાગ્યો.
રાજાએ શાક જોયુ. રોજ કરતા કઇક નવિન જણાયુ. અને પેલો કોળિયો ભરીને મોઢામાં મુક્યો…
આહા…હા… શુ સ્વાદ છે. રાજાએ તો આવુ સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધુ જ ન હતુ.
તેણે રસોઇયાને બોલાવ્યો. રસોઇયાના મોતિયા મરી ગયા. ડરતો ડરતો તે અંદર ગયો. પાછળ પાછળ પ્રધાનજી ગયા.
રાજાએ પુછ્યુ : ” શેનુ શાક બનાવ્યુ હતુ ? “
રસોઇયો કહે : રીંગણાનું.
રાજા કહે વાહ…વાહ… શુ શાક હતુ.. પોતાના ગળામાથી હાર કાઢીને રસોઇયાને પહેરાવી દીધો.
અને કહ્યુ આજથી તમામ શાક નો રાજા રીંગણ.
રાજાએ રસોડામાથી રીંગણ મંગાવ્યા…
પ્રધાનજી કહે : વાહ.. રાજાજી તમે બરોબર કહ્યુ. આનો કલર તો જુઓ કેટલો સરસ છે. અરે.. એની ઉપર મુંગટ પણ એટલો જ શોભે છે. (ડીંટીયું) અને મુંગટ તો રાજાને જ હોય. અરે… બટેટા, પરવળ, વટાણા એ કોઇ શાક કહેવાય ?
આમ એક પછી એક બધા રીંગણનાં ગુણગાન ગાવા લાગ્યા.
આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. “શાકોનો રાજા તો રીંગણા હો ભાઇ “
રાતોરાત રીંગણાનું બજાર ઉંચકાયુ. અત્યાર સુધી જે રીંગણનો કોઇ ભાવ પણ નહોતુ પુછતુ એનો ભાવ આસમાને પહોચ્યો.
રાજા માટે દરરોજ રીંગણનું શાક, ભરેલ રીંગણ, રીંગણનું ભડથુ અને રીંગણની જુદી જુદી વેરાયટી બનવા લાગી.
અત્યાર સુધી જે ધનિક લોકો રીંગણને સસ્તુ ગણીને ખાતા નહોતા. એ પણ હોંશે હોંશે ખાવા લાગ્યા.
જેણે પોતાની વાડીમાં રીંગણી વાવી હતી તે બધા માલામાલ થઇ ગયા.
શ્રીમંતો પોતાના લગ્ન પ્રસંગોમાં રીંગણનું શાક બનાવી વટ પાડવા લાગ્યા. લેખકો અને કવિઓ રીંગણની કવિતાઓ, વાર્તાઓ અને પ્રશસ્તિ ગીતો લખવા લાગ્યા. લોકો કહેવતો બનાવવા લાગ્યા ” રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા ” રીંગણની ખેતી માં ભારે ઉછાળો આવ્યો. રીંગણની રેસીપી માટેના સ્પેશિયલ કોચિંગ શરૂ થઇ ગયા. કૃષિ નિષ્ણાંતો ઉત્તમ પ્રકારના રીંગણની જાતો વિકસાવવામાં લાગી ગયા. જ્યારે વૈજ્ઞાનિક, ડૉક્ટરો અને વૈદ્યો રીંગણ ખાવાથી થતા ફાયદા ગણાવવા લાગ્યા. કેટલાક લોકોએ નગરનું નામ બદલીને રીંગણનગર રાખવાનું સુચન પણ કર્યુ.
રાજાને તો હવે ભોજનમાં દરરોજ ભરેલા રીંગણા, આખા રીંગણા, રીંગણનો ઓળો, રીંગણના રવૈયા, રીંગણનાં ભજીયા, રીંગણના પલીતા અને અન્ય વિકસાવેલી વાનગીઓ પીરસાવા લાગી.
એક મહિનો, બે મહિના પુરા થયા.
એક બપોરે રાજા જમવા બેઠા. થાળીમાં રીંગણનું શાક આવ્યુ.
હવે રાજા રોજ રોજ રીંગણ ખાઇને કંટાળી ગયા હતા.
રાજાએ થાળીને ઉલાળીને ફેંકી દીધી. : ” આ શુ રોજ રીંગણા. રોજ રીંગણા.. અા થાળી લઇ જાવ અને મારા માટે બિજુ ભોજન તૈયાર કરો.”
તરત જ બાજુમાં ઉભેલા પ્રધાને રસોઇયાને કહ્યુ : રીંગણનું તે કોઇ દિ’ શાક હોતુ હશે ? એનો કલર તો જુઓ કાળો કાળો મેશ. દીઠોય ન ગમે તેવો. કોઇ દિવસ રાજા ખાય રીંગણા ? “
તરત જ થાળી લઇને બિજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વાત વિજળીવેગે આખા નગરમાં ફેલાઇ ગઇ.
રાતોરાત રીંગણનાં ભાવમાં કડાકો થયો. આસમાનેથી તળીયે પહોચ્યા.
જે લોકો હોંશેહોંશે રીંગણા ખાતા તે લોકો રીંગણા સામે સુગથી જોવા લાગ્યા. જેણે રીંગણ ના નામે ખેતી, ધંધો અને રચનાઓ કરી હતી તે બધાને રોવાનો વારો આવ્યો.
કૃષિ વૈજ્ઞાનિકો, વૈદ્યો અને ડૉક્ટરો રીંગણથી થતા ગેરફાયદા શોધવામાં લાગી ગયા.
બસ તે દિવસથી રીંગણા નાં ભાવ ગગડ્યા તે ગગડ્યા …

    24 પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી 

પોપટ અને કાગડો બાળવાર્તા

એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા.
એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.
પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો. એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:
“ભાઈ ગાયના ગોવાળ,
ભાઈ ગાયના ગોવાળ,
મારી માને એટલું કહેજે,
મારી માને તેટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ સરોવરની પાળ
બેસી લીલા લ્હેર કરે છે”.
ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.
પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:
“ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
પોપટભાઈ કમાઈને આવ્યા,
પોપટભાઈ કેરીઓ લાવ્યા,
પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા”.
એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.
આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું.
કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો. એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:
“એ ગોવાળિયા, એ ગોવાળિયા,
મારી માને જઈને એટલું કહેજે
મારી માને તેટલું કહેજે
કે કાગડો ભૂખ્યો નથી,
કાગડો તરસ્યો નથી,
કાગડો કાદવમાં મઝા કરે,
કાગડો ગંદકીમાં મઝા કરે”.
ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.
થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:
“ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
કાગડાભાઇ કમાઈને આવ્યા,
કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,
કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા”.
ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.
જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે. પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહિ કરે.

25 મૂર્ખના સરદારો .

એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું, ‘‘ મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂરખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે – ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂરખાઓને ઓળખવા શી રીતે ? ’’
‘‘ એમાં શું અઘરું છે, નામદાર ? મૂરખાઓને પણ એમના બોલવા – ચાલવા પરથી ઓળખી શકાય.’’ બીરબલે જવાબ દીધો. અમરકથાઓ
‘‘ હા , એ ખરું છે, ’’ અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતાં એ બોલ્યો, ‘‘ એક કામ કર. ’’
‘‘ શું નામદાર ? ’’
‘‘ મારે મૂરખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું છ મૂરખના સરદારોને લાવી હાજ૨ ક૨ ! ’
‘‘જેવો હુકમ, નામદાર ! ’’ બીરબલે કહ્યું , ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી.
બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂરખાઓ પણ હતા. પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું.
એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું , ‘‘ ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે ? ’’
‘‘ હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી. તેથી માથે મૂક્યો છે. ’’ ઘોડેસવારે જવાબ દીધો.
‘ પણ ઘોડા પર મૂકતાં શું થતું હતું ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ઘોડા પર ? જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે ! મારો જ ભાર એ જેમતેમ ઊંચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય ? ’’ ઘોડેસવારે કહ્યું.
બીરબલે એનાં નામઠામ પૂછીને લખી લીધાં અને પછી આગળ ચાલ્યો.
‘‘ ભાઈ , મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે. ’’ કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બીરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તોયે એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો.
‘‘ તમારી મેળે બેઠા થવાય તેમ નથી ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ ના. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો હાથ ઝાલો ’’ કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો.
પણ પેલા માણસે કહ્યું , ‘‘ નહિ , નહિ , મારા હાથને અડકશો નહિ. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. ’’
‘‘ કેમ ? તમારા હાથને કંઈ ઈજા થઈ છે ? ’’ બીરબલે પૂછ્યું.
“ ના , ઈજા તો કશી નથી થઈ. પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું પેલા માણસે કહ્યું.
બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બીરબલે પૂછ્યું, ‘‘ પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે ? ’’
‘‘ એ જ વાત છે ને ! ’’ પેલાએ જવાબ દીધો ; ‘‘ મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતાં લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. ’’
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. આ બનાવ પછી બે – એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પાં મારીને, રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો.
‘‘ શું શોધો છો ? કંઈ પડી ગયું છે ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હા. ’’ પેલાએ ટૂંકો જવાબ આપ્યો.
‘‘ શું ? ’’
‘‘ સોનાની વીંટી. ’’
‘‘ લાવો , હુંયે શોધવા લાગ્યું. ’’ કહી બીરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા.
‘‘ તમને ખાતરી છે કે અહીં જ પડી હતી ? ’’ થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું.
‘‘ ના, અહીં નથી પડી. ’’
‘ ત્યારે ? ’
‘‘ પડી ગઈ છે તો ત્યાં, દૂર – ’’ આઘે અંધારા ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો.
‘‘ ત્યારે અહીં શા માટે શોધો છો ? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ? ’’
‘‘ ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. ’’ પેલાએ જવાબ દીધો.
‘‘ મારો બેટો તદન મૂરખ છે. આપણને નકામી મહેનત કરાવી. ’’ એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. અમરકથાઓ
બીરબલે એનાં નામઠામ લખી લીધાં. બીજે દિવસે બીરબલ નદીકિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો.
‘‘ શું શોધો છો , ભાઈ ? ’’ બીરબલે પૂછ્યું.
‘‘ હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી. ’’ પેલાએ કહ્યું.
” ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે ? ”
‘‘ હા, અહીં રેતીમાં – ઊંડો ખાડો પાડીને દાટી હતી. ’’
‘ પણ કંઈ નિશાની રાખી છે ? ’
‘‘ હા , નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો ? ’’
‘‘ શી નિશાની રાખી હતી ? ’’
‘‘ જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું , પણ હવે એ વાદળુંયે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. ’’ પેલાએ નિરાશ થઈ કહ્યું.
બીરબલે એનાં પણ નામઠામ પૂછીને લખી લીધાં. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાનાં નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું, અમરકથાઓ
‘‘ આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા, નામદાર ? ’’
‘‘પણ આ તો ચાર જ છે. મેં તને છ લાવવાનું કહ્યું હતું.’’ અકબરે કહ્યું.
‘‘ નામદાર, છયે છ હાજર છે. ’’ બીરબલે જવાબ દીધો.
‘‘ આ તો ચાર દેખાય છે. બાકીના બે ક્યાં છે ? ’’ અકબરે પૂછ્યું.
‘‘ આ ચાર તો આપ નામદારે જોયા. પાંચમો હું. ’’ બીરબલે કહ્યું.
‘‘ તું ? તું મૂરખનો સરદાર ? ’’ અકબરે નવાઈ પામી પૂછ્યું.
‘‘ હા , નામદાર. ”
‘‘ કેમ ? ’’
‘‘ જાણે બીજાં કોઈ કામ ન હોય તેમ મૂરખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નકામા બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહિ તો બીજું શું ? ’’ બીરબલે કહ્યું.
‘‘ અને છઠ્ઠો ? ’’
‘‘ છઠ્ઠો – નામદાર ! કસૂર માફ કરજો. પણ રાજકાજનાં ને બીજાં અનેક સારાં કામો પડતાં મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. ’’ બીરબલે કહ્યું.
‘‘ એટલે – એ તો હું. ’’ અકબરે કહ્યું
‘‘હા , નામદાર ! આપણે બંને ; હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. ’’ બીરબલે કહ્યું.
‘‘ કેટલું ગુમાન ! બાદશાહનું અપમાન ! બીરબલને સજા થવી જોઈએ. ’’ એક દરબારી બોલી ઊઠ્યો.
‘‘ નહિ , નહિ ! ’’ અકબરે હસીને કહ્યું. ‘‘ બીરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂરખાઓના વિચારમાં અથવા મૂરખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહિ તો બીજું શું ! ’’ બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપી રાજી કર્યા.

                                       

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top